Homeગુર્જર નગરીમાવઠાની શક્યતાને પગલે ખેડૂતોએ આટલી વાતનું ધ્યાન રાખવું

માવઠાની શક્યતાને પગલે ખેડૂતોએ આટલી વાતનું ધ્યાન રાખવું

Team Chabuk-Gujarat Desk: હવામાન ખાતાના અહેવાલ મુજબ તા.૩૦ નવેમ્બરથી તા.0૨ ડિસેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદની શક્યતા છે. આવા સંજોગોમાં પાટણ જિલ્લામાં હાલમાં રવિ પાકનું ૯૮,૧૦૪ હેક્ટરમાં વાવેતર થયેલ છે. જેમાં રાઇ, ચણા, અજમો, શાકભાજી વગેરેનો સમાવેશ થાય છે જ્યારે જીરું, ઘઉં, સવા વગેરેનું વાવેતર ચાલુમાં છે જેમાં ખેડૂતોએ કાળજી લેવી જરૂરી છે. 

વાદળછાયા વાતાવરણને ધ્યાને લઇહાલમાં ખેતરમાં કપાસ, રાઇ, વરિયાળી, શાકભાજી, દિવેલા જેવા ઉભા પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. બીટી કપાસ પાકમાં વિણી બાકી હોય તો તુરંત કરી લેવી અને તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. વરીયાળી, દિવેલા, રાઇ, શાકભાજી વગેરે ઉભા પાકોમાં પિયત ટાળવું. ફળ પાકો અને શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે જ પહોંચાડવા. રાસાયણિક ખાતર કે નવું ખરીદેલ ઘઉં, જીરું વગેરેનું બિયારણ પલળે નહીં તે મુજબ સુરક્ષિત ગોડાઉનમાં રાખવું.

વધુ પ્રમાણમાં કમોસમી વરસાદ થાય તો નીચાણવાળા ભાગોમાં જીરું, રાઇ તથા ચણા જેવા ઉભા પાકોમાં કે નવું વાવેતર કરેલ રવિ પાકોના ચાસમાં પાણી ભરાયું હોય તો તુરંત તેનો નિકાલ કરવો. ખરીફ ઋતુનો કોઇ પાક કાપણી કરેલ હોય તો વરસાદથી પાક ભીંજાય નહીં તે માટે ખેતરમાંથી કાપણી કરેલ તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવી. ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલા ગોડાઉનમાં ખસેડી લેવા અથવા સુરક્ષિત જગ્યાએ તાડપત્રી ઢાંકીને ઉંચાણવાળા ભાગમાં રાખવા.

એ.પી.એમ.સીમાં વેપારી મિત્રો તેમજ ખેડુતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે. એ.પી.એમ.સીમાં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા અને અનાજ કે ખેતપેદાશ તાડપત્રીથી ઢાંકીને રાખવા. એ.પી.એમ.સીમાં વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો શક્યત: આ દિવસો દરમિયાન વાતાવરણનું નિરીક્ષણ કરી ટાળવી અથવા તાડપત્રી ઢાંકીને જ લઇ જવી. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ ઇનપુટ ગોડાઉનમાં પલળે નહીં તે મુજબ આગોતરૂં આયોજન કરીને સુરક્ષિત રાખવા.

 રાઇ, શાકભાજી, દિવેલા સહીત કોઇ પાકમાં જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબક્કે જૈવિક નિયંત્રણ કરવું અને જિવાતની માત્રા વધુ હોય તો રાસાયણિક નિયંત્રણ પધ્ધતિ અપનાવી ભલામણ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરવો. ખાસ કરીને ચુસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ જણાય તો શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો.

bank-nifty-advertisement

ભેજવાળા વાતાવરણના કારણે દિવેલા એટલે કે એરંડા પાકમાં ઘોડિયા ઈયળ નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. આ ઈયળો દિવેલાના કુમળા પાનની નસો સિવાય બીજો તમામ લીલો ભાગ ખાઈ પાનને ઝાંખરા જેવા બનાવી દે છે. જેના કારણે જો સમયસર આ ઈયળોનો નાશ ન કરવામાં આવે તો છોડ પાન રહિત બને છે અને ઉત્પાદનમાં ઘટ પડે છે. જિલ્લાના ખેડૂતોને ઘોડિયા ઈયળોના ઉપદ્રવથી બચવા અને ઓછા ખર્ચે નિયંત્રણ માટે તેને હાથ વડે વીણી લેવી તેમજ ખેતરમાં પક્ષીઓ બેસી શકે તે મુજબ લાકડીના ટેકા મુકવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

આ ઉપરાંત ઈયળોની અવસ્થા મોટી હોય તો રાસાયણીક દવાના છંટકાવ દ્વારા તેના પર નિયંત્રણ લાવવા એક પંપમાં ૩૦ મી.લી. ક્વિનાલફોસ (૦.૦૫%) અથવા ૩૦ મી.લી. કલોરપાયરીફોસ (૦.૦૪%) અથવા એમાબેક્ટીન બેન્ઝોએટ (૦૫%) ઘન એક પંપમાં ૦૩ થી ૦૪ ગ્રામ દવા પાણીમાં ઓગાળી ઉભા પાકમાં ૧૫ દિવસના અંતરે બે વાર છંટકાવ કરવા ભલામણ છે. વધુમાં શક્ય હોય ત્યાં સુધી સવાર કે સાંજના સમયે દવાનો છંટકાવ કરવો વધુ હિતાવહ છે. દિવેલાના પાકમાં યોગ્ય માત્રામાં અને સમયાંતરે દવાઓના છંટકાવ દ્વારા દિવેલાના પાકને થતું નુકશાન અટકાવી ઉત્પાદન જાળવી રાખવા જિલ્લાના ખેડૂતોને અનુરોધ છે. વધુ માહિતી માટે ગ્રામ સેવકનો તથા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments