Team Chabuk-gujarat Desk: રાજ્યમાં આવેલા તૌકતે વાવાઝોડાના ઘા હજુ પણ રુઝાયા નથી. લોકો આજે પણ આ કુદરતી આફતમાંથી બેઠા થયા નથી. અનેક અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી તંત્ર હજુ સુધી નથી પહોંચ્યું. અનેક એવા વિસ્તારો છે જ્યાંના લોકોની પીડાને હજુ પણ કોઈએ સાંભળી નથી. જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના નાગલપુર ગામની સ્થિતિ પણ આવી છે. ગામમાં ખેતી પાકને અને મકાનોને નુકસાન થયું છે. ગામ લોકો સરકારી તંત્ર પાસેથી સહાયની આશા રાખી રહ્યા છે પરંતુ ગામ લોકોનું કહેવું છે કે હજું સુધી કોઈ સર્વે કરવા આવ્યું જ નથી.
મેંદરડા તાલુકાના નાગલપુર ગામના પ્રિયેશ જાદવ ચાબુકને જણાવે છે કે, વાવાઝોડાના કારણે ગામમાં અમારા ઘર સહિત ઘણા લોકોના ઘરને નુકસાન પહોંચ્યું છે. ઘરના પતરા ઉડી ગયા છે. સરકારે મકાનને થયેલા નુકસાન માટે સહાયની જાહેરાત પણ કરી છે પરંતુ હજુ સુધી સરકારના કોઈપણ અધિકારી ગામમાં ડોકાયા પણ નથી. ગામમાં નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવામાં જ નથી આવી.
પ્રિયેશ જાદવે જણાવ્યું કે, ગામમાં થયેલા નુકસાનનો સર્વે કરવા માટે અમે મેંદરડા તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક પણ કર્યો. પરંતુ તાલુકા વિકાસ અધિકારી સાહેબે હજુ સુધી નાગલપુર ગામતળ અને સીમ વિસ્તારમાં ક્યાંય પણ કોઈ ટીમને સર્વે માટે મોકલી નથી. અમારા મકાનનો રિપોર્ટ તલાટી મંત્રીએ તાલુકા વિકાસ અધિકારીને 25 મેના રોજ મોકલી આપ્યો છે પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નહતો. તેથી અમે 31 મેના રોજ આ અંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી હતી. પરંતુ કલેક્ટર તરફથી પણ સર્વે કરાવવા બાબતે કે સહાય ચૂકવવા બાબતે કોઈ જવાબ મળ્યો નથી.

તાલુકા વિકાસ અધિકારીએ સર્વે કરવાની ના પાડી
નાગલપુર ગામના પ્રિયેશ જાદવે સર્વે બાબતે અનેક વખત તાલુકા વિકાસ અધિકારી સાથે વાતચીત પણ કરી. પરંતુ તેઓના જણાવ્યા મુજબ તાલુકા વિકાસ અધિકારી કહે છે કે, સીમતળમાં નુકસાનીનો સર્વે કરવાનો ઠરાવમાં કોઈ ઉલ્લેખ નથી તેથી સર્વે નહીં થાય અને વળતર પણ નહીં મળે. પરંતુ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના 27/04/2015ના ઠરાવ ક્રમાંક સીએલએસ/102012/253/સ.3માં સર્વે કરી સહાય આપવા અંગેનો ઉલ્લેખ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
આ અંગે ગામના સરપંચ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, આજ સુધી ગામના રહેણાંક સિવાય કોઈ પણ પ્રકારનો સર્વે થયો જ નથી. નાગલપુર ગામના સરપંચના મતે સમગ્ર મેંદરડા તાલુકામાં પણ સર્વે થયો નથી. નાગલપુર ગામમાં વાડી વિસ્તારના મકાનોના સર્વે કરવામાં ન આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે અનેક અસરગ્રસ્ત લોકો અટવાયા છે.
વાડી વિસ્તારમાં રહેતા અનેક લોકોના મકાનની છતને નાનું-મોટું નુકસાન પહોંચ્યું છે. વરસાદ નજીક હોય છતનું રિપેરિંગ કરવા માટે ગામ લોકો સરકાર પાસેથી સહાયની આશા રાખી રહ્યા છે. જો ટૂંક સમયમાં આ અંગે સર્વે કરીને નિયમ મુજબ સહાય ચુકવવામાં નહીં આવે તો અનેક મકાનોમાં રહેલી ચીજ-વસ્તુઓ પલળી જવાની ભીતિ સેવાઈ રહી છે. વાડી વિસ્તારમાં આવેલા મકાનોમાં ખેતી પાકનો સંગ્રહ પણ ખેડૂતોએ કર્યો છે ત્યારે જો આવા મકાનોનું સમારકામ સમયસર નહીં થાય તો પાક પલળી જવાની આશંકા પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ગામ લોકોની માગ છે કે ઝડપથી નુકસાની અંગેનો સર્વે કરીને સહાય ચુકવવામાં આવે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત