1990માં એ સમય હતો. બાસ્કેટ બોલના ધનાઢ્ય ખેલાડી માઈકલ જોર્ડનને કમાણીમાં હરાવી તે સૌથી વધારે કમાણી કરનારો ખેલાડી બની ગયેલો. 8 મહિના પહેલા સમાચાર આવ્યા કે માઈક ટાઈસને તેની મોટાભાગની સંપત્તિ ગાંજો ફૂંકવામાં ધૂમાડો કરી નાખી છે. 90માં તેની પાસે 300 મિલિયન ડોલરની સંપત્તિ હતી. પણ તેના પગ જમીન સાથે ખોડાયેલા ન રહ્યા. એ પૈસાને હાથનો મેલ સમજી ઉડાવતો ગયો. 2003ની સાલ આવતા આવતા 300 મિલયન ક્યારે 1 મિલયનમાં કન્વર્ટ થઈ ગયા તેને પણ ખબર ન રહી. કારણ કે પૈસા તો હાથનો મેલ છે. સાબુ પાણી વગર ધોવાય જાય.
આજે દે ઘુમા કેમાં ઘુમા કે પંચ મારનારા ટાઈસનની વાત એટલા માટે કારણ કે આવતા મહિને તેનો મેચ છે. 50 વર્ષનો આધેડ બાદશાહ ફરી એક વખત જોસ અને જુસ્સા સાથે રિંગમાં ઉતરશે. તેના હરિફનું નામ રોય જ્હોન્સ છે. બોક્સિંગમાં પરંપરાગત રીતે થાય છે તેમ ખેલાડીઓ વાકચાતુર્ય દ્રારા પોતાની અસીમ શક્તિનો પરચો આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. પણ ટાઈસન બનવું અને ટાઈસન તરીકે બધુ ગુમાવવું એટલું સહેલું નથી હોતું.

ટાઈસનને તેની બોડી લેંગ્વેજ અને ભીમકાય શરીરના કારણે એક્શન ફિલ્મો મળી. તેના પર પેરોડી પણ કરવામાં આવી. જેથી તે સમયાંતરે ભૂલાયો નહીં. એ યાદ રહેતો ગયો. બોક્સિંગમાંથી નિવૃત થયા બાદ પણ તેણે કરેલા ભવાડા આખા અમેરિકામાં ગાજતા રહ્યા. ક્યારેક રેપકાંડમાં ફસાય જાય, ક્યારેક તેને તેનું બાળપણ યાદ આવી જાય. તે 13 વર્ષની ઉંમરથી લઈને અત્યાર સુધીમાં 38 વખત જેલ જઈ ચૂક્યો છે.
તેને આયર્ન માઈક, કિડ ડાયનામાઈટ અને ધ બેડેસ્ટ મેન ઓફ ધ પ્લેનેટના નામે ઓળખવામાં આવે છે. મોટાભાગનું જીવન તો શેરીમાં આચરવામાં આવેલા કુખ્યાત ગુનાઓમાં જ પસાર થઈ ગયું.

10 વર્ષની તેની ઉંમર હતી. સો ડોલર તેને મળ્યા. જે તેણે એક કબૂતર પાછળ ખર્ચ કરી નાખ્યા. કબૂતર ખરીદ્યુ અને પોતાના એપાર્ટમેન્ટમાં રાખ્યું. રાતના સળવળાટ થયો. તે પથારીમાંથી ઊભો થઈ જોવા જાય છે તો કેટલાક ચોર હતા. જે તેના કબૂતરની પાસે ઊભા હતા. તેમાં ગેરી ફ્લાવર નામના છોકરાએ કબૂતરનું પીંજરુ ખોલી નાખ્યું અને હવે તે તેની ગરદન કાપવા જતો હતો. ટાયસન એ ગઠીયાને ઓળખતો હતો.
ટાયસનનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. તેણે જોરથી ગેરી ફ્લાવરના થોબડા પર પંચ માર્યો અને તેને જમીનદોસ્ત કરી દીધો. આ ઘટના પછી તે એક સ્ટ્રીટ ફાઈટર તરીકે એસ્ટાબ્લિશ થયો. તેને ખબર નહોતી કે હવે મારે જેલ જવાના વારા આવશે. એક બાદ એક એમ 38 વખત.

પ્રથમ ધોરણ. ટાઈસન રિસેસમાં લંચ કરતો હતો. એક છોકરો આવ્યો અને તેનો ડબ્બો ખેંચીને ભાગી ગયો. ટાઈસને બચાવ કરવાનો પ્રયત્ન કર્યો, પણ સામેના છોકરાએ તેને ન માત્ર માર માર્યો, પણ તેના ચશ્મા પણ લઈ લીધા અને કારની ગેસની ટાંકીમાં ફેંકી દીધા.
છોકરો તો ચાલ્યો ગયો. બાદમાં એક શેરીમાં એ છોકરો ટાઈસનને મળી ગયો. ટાઈસને ખૂબ ખરાબ રીતે તેની પીટાઈ કરી. ટાઈસન તેને યાદ કરતાં કહે છે, ‘મેં બદલો લઈ લીધો. મારે બસ તેને મારવો હતો. હું આજે પણ એ ઘટનાને યાદ કરું છું તો મારી જાતને કાયર અનુભવું છું. પણ એ શેરીમાં મેં તેને કૂતરાની જેમ માર્યો હતો. તેને હું યાદ છું કે નહીં મને નથી ખબર પણ મને તે બિલકુલ યાદ છે. હું કોઈ દિવસ તે છોકરાને ભૂલીશ નહીં.’
13 વર્ષની તેની ઉંમર હતી. તેને જેલ જવાનો વારો આવ્યો. ન્યૂયોર્કની અલ્બેનિયા જેલમાં તેની કિશોર અવસ્થા સુધરે આ માટે રાખવામાં આવેલો. તેની જગ્યાએ ત્યાં પણ તેણે મારવા કાપવાનું શરૂ કરી દીધું. તેને ખસેડી બીજી જેલમાં મોકલવામાં આવ્યો. એ એકલો રહેતો હતો. તેણે જોયું કે અહીં તો દર અઠવાડિયે બોક્સિંગના ક્લાસિસ ચાલે છે. તેને એ સિવાય કશું કરવું પણ ન હતું. ક્લાસિસ શીખવાડનારા બોબી સ્ટુઅર્ટ હતા. જેમણે માઈક પાસેથી એક વચન લીધું, ‘‘જો તું તારી બદમાશી છોડી દે તો હું તને ક્યાંનો ક્યાં પહોંચાડી દઈશ.’’

માઈકને ગમી ગયું અને સ્ટુઅર્ટ તેમના બોક્સિંગ ટ્રેનર બન્યા. માઈકની આંખોમાં એ હતું. તેને પહેલાથી પ્રતિષ્ઠા જોતી હતી. બે લોકો ઈજ્જતથી બોલાવે તે જોઈતું હતું.
તેની પૂર્વ પત્નીનું નામ રોબિન ગિવેન્સ. ટાઈસન હેવિવેઈટ બોક્સર બની ગયો. હવે તેની આજુબાજુ છોકરીઓ લટાર મારતી હતી. તેમાંથી રોબિન પર તેનું દિલ આવી ગયું. બંનેએ લગ્ન કરી લીધા. થોડા સમયમાં ફારગતિ પણ થઈ ગઈ. રોબિને બ્રાડ પિટને ડેટિંગ કરવાનું શરૂ કર્યું પણ તે શારીરિક સુખ માટે ટાયસનને નહોતી ભૂલી શકી. તે ટાયસનને રોજ મળવા જતી અને સેક્સ કરતી.
ટાયસનને ખબર નહોતી કે બ્રાડ પીટ અને તેની પૂર્વ પત્નીનું અફેર ચાલી રહ્યું છે. તેને એમ જ હતું કે પત્ની તેની સાથે સેક્સ કરે છે એટલે તેની સાથે રહેવાની તેની ઈચ્છા છે. હજુ બીજા કોઈ પુરૂષ સાથે તેનું નામ નથી જોડાયું. એક દિવસ ટાયસન રોબિન અને બ્રાડ પીટને એક કારમાં જોઈ ગયો. એ 80ના દાયકાનો અંતિમ પડાવ ચાલી રહ્યો હતો. એક સુપરસ્ટાર તરીકે બ્રાડ ઊભરતો હતો.
ટાયસને એ વાતને યાદ કરતાં કહ્યું કે, પીટ મારાથી ડરી ગયો હતો, કારણ કે હું એક બોક્સર હતો. તેણે મને ફિઝીકલ થવાની ના પાડી. હું તો માની જ નહોતો શકતો કે આ શું થઈ રહ્યું છે ? એ દિવસનો સ્મૃતિછેદ કરતાં મને વર્ષોનાં વર્ષ લાગ્યા.

તેના વાઘ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યા. એ રોયલ બેંગોલ ટાઈગર. કદાવર રોયલ બેંગોલ ટાઈગરની પાછળ ટાયસને એક વાઘ દીઠ 4000 ડોલરનો ખર્ચ કર્યો હતો. એ વાઘ તેના ઘરમાં બિલાડીઓની જેમ ફરતા રહેતા હતા. તેની સાથે ટાયસન શક્તિ પ્રદર્શન કરતો હતો. વાઘ તેને ચુંબન પણ કરતાં હતાં અને કોઈ વાર એવી સ્થિતિ પણ આવી ગયેલી કે તેમને ટાયસનનું નરમ પણ સ્નાયુબદ્ધ માંસ ખાવની ઈચ્છા થઈ હોય. આવા વખતે ટાયસન ચેતી જતો હતો. ટાયસને એ વાઘને વેચી નાખ્યા.
એક વાઘ તેણે રોય કૂપરને વેચ્યો. રોય કૂપર એક ટેટુ આર્ટિસ્ટ હતો. તેણે જ ટાયસનના ચહેરા પર ટેટુ બનાવી દીધું હતું. જે ટાયસનની નવી ઈમેજ બની ગયું છે.
ટાયસનના રોબિન સાથે નવા નવા લગ્ન થયા હતા. ન્યૂયોર્કના એક ઝૂમાં ગોરિલા રાખેલો. ટાયસને સંગ્રહાલયનાં કર્મચારીને કહ્યું કે, મારી પત્ની અને મારા માટે ઝૂ ઓપન કરવામાં આવે. ટાયસન ત્યાં એક વિશાળ ગોરિલાને જોઈ ગયો. જે તેની સામે જોઈ રહ્યો હતો. તેને ધૂન ઉપડી કે મારે આ ગોરિલાની સાથે લડવું જોઈએ. ટાયસનને ખ્યાલ હતો કે આ મારા કરતાં તાકતવર છે પણ જો સંગ્રહાલયના ગોરિલાના પાંજરાનો દરવાજો ખુલી જાય તો મજા આવી જાય. પૈસા હતા. તેણે 10,000 ડોલરમાં ઝૂના એક વ્યક્તિને ખરીદી લીધો અને દરવાજો ખોલવાનું કહ્યું.

પેલા કર્મચારીએ હાથમાં રૂપિયા લીધા અને પછી ટાયસનના હાથમાં પાછા આપતા કહ્યું, ‘આ પાગલપન છે. હું ન કરી શકું.’
એક સમયે મોહમ્મદ અલી સેક્સથી એક વર્ષ માટે દૂર રહ્યા હતા, આમ કરવાથી બોક્સિંગની રમતમાં સુધારો આવે છે તેવું એમનું માનવું હતું. ટાયસને પણ આ પ્રયોગ કર્યો પણ એ પ્રયોગ થોડો ઘાતક હતો. એ પાંચ વર્ષ સુધી સંભોગથી દૂર રહ્યો. ટાયસને એ વાતને યાદ કરતાં કહેલું કે, ‘કરી શકાય છે પણ એ નરી મૂર્ખતા છે. સેક્સ અને બોક્સિંગને શું સંબંધ છે?’
Aming the Beast: The Untold Story of Mike Tyson નામનું એક પુસ્તક છે. જે ટાયસનના 80ના દાયકામાં રહેલા મેનેજર રોરી હોલોવીએ લખ્યું છે. એ પુસ્તકમાં બ્રિટનની સુપરમોડલ નાઓમી કેમ્પબેલ અને ટાયસનને કેવા જોશીલા સંબંધો હતા તેની તેણે વાત કરી છે.

‘‘એક પાર્ટી ચાલતી હતી. હું ટાયસનની સાથે હતો. તે એક છોકરીને લઈ બાથરૂમમાં ગયો. મને ખ્યાલ નહોતો કે એ છોકરી કોણ છે ? ટાયસને એમના ડ્રીંક મારા હાથમાં રાખી દીધા. ટાયસન કોઈ છોકરીને બાથરૂમમાં લઈને જાય પછી બધાને ખબર હોય કે તે અંદર શું કરવાનો છે ? એક મેનેજર તરીકે અને તેની છબી ખરડાઈ નહીં આ માટે મેં બાથરૂમનાં દરવાજાની બહાર ચોકીદારીનું કામ કર્યું. મને થયું કે લાવને દરવાજાની અંદર જોઉં કે છોકરી કોણ છે ? મેં જરા અમથી નજર કરી. ટાયસન જે છોકરી સાથે સેક્સ કરી રહ્યો હતો તેને જોઈ હું આંખો ઘસવા માંડ્યો. એ બ્રિટીશ મોડલ નાઓમી કેમ્પબેલ હતી. લોકો બાથરૂમનો ઉપયોગ કરવા આવતા હતાં અને હું તેમને મોઢું નીચું રાખી કહેતો હતો, ‘બાથરૂમમાં કોઈ છે.’

રૂડી ગોન્ઝાલેઝ નામના તેના બોડીગાર્ડે 1992ની સાલમાં એક મુલાકાતમાં ધડાકો કર્યો હતો, કે તે 1,300 છોકરીઓ સાથે સૂઈ ચૂક્યો છે. બોડીગાર્ડ કહે છે, તે વન નાઈટ સ્ટેન્ડ હતું. કંઈ બધાના નામ થોડા યાદ રહે, પણ તેણે એક પોકેટ કોમ્પ્યુટર રાખેલું. જેમાં તેની સાથે કઈ કઈ યુવતીઓએ સંભોગ કર્યો છે તેના નામની લિસ્ટ રાખતો હતો. 2009ની સાલમાં તો તેના રૂમમાં સાત વેશ્યાઓ હતી. નશો કર્યા પછી તેણે એ તમામને પંચ માર્યા. ટાયસન પંચ.