Homeગુર્જર નગરીઅંજારમાં ચમત્કાર ! 75 વર્ષ બાદ પણ લક્ષ્મીનારાયણ મંદિરમાં રાખેલો શીરો તાજો...

અંજારમાં ચમત્કાર ! 75 વર્ષ બાદ પણ લક્ષ્મીનારાયણ મંદિરમાં રાખેલો શીરો તાજો હોવાનો દાવો

Team Chabuk-Gujarat Desk: કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં એક ન માન્યામાં આવે એવી ઘટના સામે આવી છે. અંજાર તાલુકાના ખેડાઈ ગામે આવેલા એક મંદિરમાંથી 75 વર્ષ પહેલા રાખવામાં આવેલી શીરારૂપી પ્રસાદી મળી આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે 75 વર્ષ પહેલા રાખવામાં આવેલી આ શીરાની પ્રસાદી આજે પણ તાજી છે. આ અનોખી ઘટનાને ઘણા લોકો ચમત્કાર ગણી રહ્યા છે તો કેટલાક લોકો અંધશ્રદ્ધા માની રહ્યા છે. 75 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં આ શીરો આજે પણ તાજો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.. આ ઘટનાને અંજારવાસીઓ ચમત્કાર ગણાવી રહ્યા છે અને ભગવાનનની પ્રસાદી કહી રહ્યાં છે. 

અંજાર તાલુકાના ખેડાઈ ગામના પટેલવાસમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં આ ઘટના બની છે. આ મંદિર સૌ પ્રથમ 1945માં નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ કચ્છના ભૂકંપ વખતે મંદિર જર્જરિત થયું હતું. બાદમાં હાલ મંદિરના જીર્ણોદ્વારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મંદિરનું શિખર બદલવાની કામગીરી કરાઈ રહી હતી. તે દરમિયાન 8 સપ્ટેમ્બરના રોજ મંદિરમાં એક હવનનું આયોજન કરાયુ હતું. જે બાદ શિખરના ટોચ પરથી કળશ ઉતારવામાં આવ્યો હતો. 

મંદિર પરથી ઉતારવામાં આવેલા આ કળશને જોઈને જ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે, મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે કળશમાં પ્રસાદીરૂપે શીરો મૂકવામાં આવ્યો હતો, તે 75 વર્ષના વહાણા વિત્યા બાદ પણ તાજો મળી આવ્યો છે. જોનાર કહે છે કે આ શીરો જાણે ગઈકાલે જ બનાવ્યો હોય તેમ શીરામાંથી શુદ્ધ ઘીની સુગંધ આવતી હતી. શીરામાં કોઈ પ્રકારનો બગાડ થયો ન હતો. જેથી લોકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવી છે. 

કળશ ઉતારતા સમયે જે કુંભ મળ્યો તેમાં તાંબાનો એક સિક્કો પણ મળી આવ્યો છે. જેમાં “માગસર સુદ છઠ, સોમવાર સંવંત 2002, મહારાવ વિજેરાજજીના વખતમાં” લખ્યું હતું. જેને ખોલતા તેમાં શીરો મૂકાયેલો હતો. ભક્તોએ શીરાના પ્રસાદને ફરીથી મંદિરમાં ધર્યો હતો. હાલ અંજારના ભક્તો આ ચમત્કારને નજરોનજર જોઈ શકે તે માટે શીરાને સાચવવામાં આવ્યો છે. આ અદભૂત ઘટનાને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. અને શીરો અને લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments