Team Chabuk-International Desk: ‘‘એક મહિલા મંત્રી ન બની શકે. મહિલાનું મંત્રી બનવું એવું છે કે, જેમ તેના ગળામાં કોઈ વસ્તુ રાખી દેવી, જેનો ભાર તે ઉઠાવી નથી શકતી. મહિલાઓનું કેબિનેટમાં હોવું જરૂરી નથી. તેણે બાળકો પેદા કરવા જોઈએ. તેમનું એ જ કામ છે. મહિલા પ્રદર્શનકારી અફઘાનિસ્તાનમાં સૌનું પ્રતિનિધિત્વ નથી કરી રહી.’’
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાનું સૈન્યબળ પાછું બોલાવી લીધું અને ફણીધર તાલિબાની નાગ ભૂતળમાંથી પાછો બેઠો થયો છે. આ નાગના વિષનું જો કોઈ સૌથી વધારે ભોગ બની રહ્યું હોય તો તે અફઘાનિસ્તાનની મહિલાઓ છે. ચિત્રવિચિત્ર નિવેદન આપી અફઘાનિસ્તાનની હાલની સરકાર પોતાની મૂર્ખાઈનો અસીમ પરચો તો આપી જ રહી છે. એવામાં ફરી એક વખત તાલીબાનના પ્રવક્તા સૈયદ અકીરુલ્લાહ હાશ્મીએ વિશ્વને હતભ્રત કરી નાખતું નિવેદન આપ્યું છે.
સત્તા ઉપર કબ્જો જમાવતા પહેલા મહિલાઓનાં અધિકારની ભોળી ગાયની જેમ વાતો કરનારા તાલિબાની અસૂરો, હવે પોતાની વાત પરથી ઉંઘતા પડખું ફરો એટલી આસાનીથી ફરી ગયાં છે. તેમને એટલા જ અધિકાર આપવામાં આવી રહ્યા છે, જેટલા અધિકારમાં મહિલાઓ શ્વાસ લઈ શકે, જીવિત રહી શકે, અન્ય શબ્દોમાં માત્ર બાળકો પેદા કરી શકે.
આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે અફઘાનિસ્તાનમાં મહિલાઓનાં અભ્યાસને લઈ કેટલાય પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. કોલેજમાં પડદા લગાવી દેવામાં આવ્યા છે, જેમાં એક બાજુ છોકરાઓ તો બીજી બાજુ છોકરીઓ બેસીને અભ્યાસ કરશે. આ સિવાય કોઈ છોકરીને ભણાવવા માટે કાં તો વૃદ્ધ શિક્ષક અથવા તો મહિલા શિક્ષક જ રાખવામાં આવશે.
તાલીબાની સરકારનું ગઠન થયા બાદ માસ્ટર અને પીએચડી ડિગ્રી પર પણ ધડ-માથા વગરનું નિવેદન સામે આવી ચૂક્યું છે. તાલિબાનનું કહેવું હતું કે, માસ્ટર અને પીએચડીની ડિગ્રી લેવાથી કોઈ ફાયદો નથી થતો. અમે લોકો અભ્યાસ કર્યા વિના જ સરકાર ચલાવી રહ્યા છીએ. હાલ સમગ્ર અફઘાનિસ્તાનમાં પોતાના અધિકારો માટે મહિલાઓ સંઘર્ષ કરી રહી છે, પ્રદર્શન કરી રહી છે. કાબુલમાં રસ્તા વચ્ચે ઉતરેલી મહિલાઓનું પ્રદર્શન હવે ઉત્તર-પૂર્વી પ્રાંત બદખ્શાં સુધી પહોંચી ચૂક્યું છે. અહીં પણ કેટલીય મહિલાઓ રસ્તા વચ્ચે ઉતરી આવી છે.
મીડિયાને સ્વતંત્રતા આપવાની વાત કરનારું તાલિબાન એ વાત પરથી પણ ફરી ગયું છે. રાજધાની કાબુલમાં પત્રકારો મહિલાઓનું પ્રદર્શન કવર કરી રહ્યાં હતાં. આ ઘટનાથી છંછેડાયેલા તાલિબાને, તેમને પોલીસ સ્ટેશને બોલાવી ઢોરની જેમ માર માર્યો હતો. તેમને ચાર કલાક સુધી બંધક બનાવીને રાખવામાં આવ્યા અને ઉપરથી કોરડા વીંઝવામાં આવ્યાં હતાં. આ બંને પત્રકારોની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહી છે. એક બાજુ મહિલાઓનું પ્રદર્શન અટકવાનું નામ નથી લઈ રહ્યું, બીજી બાજુ તાલિબાની સરકાર પોતાના દરેક નિવેદન પરથી ફરી જઈ ઘરની ધોરાજી ચલાવી રહી છે. ખરેખર! હાલ, તો અફઘાનિસ્તાનમાંથી નાસી છૂટનારા લોકો જ બડભાગી સાબિત થઈ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત