Homeગુર્જર નગરીભાજપના મહામંત્રી સામે આરોપઃ લગ્નની લાલચ આપી યુવતીને ગર્ભવતી બનાવી, બાળક આવ્યા...

ભાજપના મહામંત્રી સામે આરોપઃ લગ્નની લાલચ આપી યુવતીને ગર્ભવતી બનાવી, બાળક આવ્યા બાદ બન્નેને તરછોડ્યા

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ભાજપના એક નેતા સામે યુવતીએ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર શહેર ભાજપના મહામંત્રી અને પૂર્વ નગરપાલિકાના સભ્ય મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ રણવીરસિંહ અંબાલિયા સામે એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે મહેન્દ્રસિંહે તેને વિશ્વાસમાં લઈને આજીવન સાથે રાખવાની લાલચ આપી હતી,અને અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા. જે બાદ તે ગર્ભવતી બની હતી અને એક બાળક પણ જન્મ્યું હતું. પરંતુ આરોપીએ બાળકને સ્વીકારવાની ના પાડી દઈ માતા અને બાળકને તરછોડી મૂક્યા હતા.

આમ માતા અને બાળકને સ્વીકારવાની ના પાડી દેતા માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. છોટાઉદેપુર શહેર ભાજપના મહામંત્રી અને પૂર્વ નગરપાલિકા સભ્ય મહેન્દ્રસિંહ સામે નોંધાવેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, સાત વર્ષ પહેલા રાજપૂત ફળિયામાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે મહેશ રણવીરસિંહ અંબાલિયાએ મને અવારનવાર ફોન કરીને પ્રપોઝ કર્યું હતું, અને મેં હા પાડતાં મને લગ્નની લાલચ આપી મારી સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. પરંતુ તેણે બાદમાં તેના સમાજની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા અને મારી સાથે ઝઘડો કરીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

ફરિયાદી યુવતીએ જણાવ્યું હતું કે, આરોપીએ એમ પણ કહ્યું હતું કે, હું ભાજપમાં મોટો હોદ્દો ધરાવું છું, તું મને બદનામ કરવા આ બધું કરી રહી છે. આવું કહેતાં મને લાગી આવ્યું હતું અને મેં ઝેરી દવા પી લીધી હતી. જે-તે વખતે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો ત્યારે મહેશ અંબાલિયાએ મને ફરીથી વિશ્વાસમાં લઈ કહ્યું હતું કે, મેં ભલે લગ્ન કરી લીધા પરંતુ હું તને રાખીશ. તેથી તેની સાથે સમાધાન કરી તેના કહ્યા પ્રમાણે કોર્ટમાં મેં જુબાની આપીને કેસ પતાવી દીધો હતો. ત્યારબાદ અમે બન્ને એકબીજાને મળવા લાગ્યા હતા. તે દરમિયાન તેણે મારી સાથે શરીર સંબંધ બાંધતા હું ગર્ભવતી બની હતી. મને ગર્ભ રહેતા તેણે મારી સાથે બોલવાનું બંધ કરી દીધું હતું અને મને ગર્ભ પડાવવા પણ ધમકી આપતો હતો. પરંતુ મેં ગર્ભને ઉછેર્યો હતો. સમય જતાં છોટાઉદેપુર ખાતે મારી ડિલિવરી થઈ હતી. પરંતુ મહેશ અંબાલિયાએ મને અને બાળકને સ્વીકારવાની ના પાડીને મને તરછોડી મૂકી હતી.

આમ સમગ્ર મામલે યુવતીએ છોટાઉદેપુર શહેર ભાજપના મહામંત્રી મહેશ અંબાલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ઇપીકો કલમ 376, 506 (2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments