Homeસિનેમાવાદવન પંચ મેન : કામ જરૂર કરો પણ તમારા કામનું પ્રમોશન પણ...

વન પંચ મેન : કામ જરૂર કરો પણ તમારા કામનું પ્રમોશન પણ કરો

ઝાલાવાડી જલજીરા: એક છોકરો છે. એ કોઈ પણ પ્રકારના ઉતાર-ચઢાવ વિના ચપટી વગાડતા જ જીવનની સમસ્યાઓનું સમાધાન કરી લે છે. કોઈ દિવસ તેને નિષ્ફળતા નથી મળી. સમજો આવું કોઈનું જીવન હોય તો મજા બરાબર છે કે સજા બરાબર? જેને નિષ્ફળતાનો સ્પર્શ સુદ્ધાં ન થાય તેને તો આ વાત દશેરાની મીઠી મીઠી જલેબી જેવી જ લાગવાની છે.

હકીકતે તો આવા વ્યક્તિ માટે તે સજા સ્વરૂપ હોય છે. એ ઈચ્છે કે તેનાં જીવનમાં વધારે મુસીબતો આવે પણ સ્થિતિ એવી થાય કે કોઈ પણ સમસ્યાને તે પાટું મારી ભગાવી દે. હજુ અઘરું આપો… હજુ અઘરું આપો… એમ તેનું મગજ ઘોડો ચણા ચાવ્યાં કરે તેમ સતત આ વાક્ય ચાવ્યાં કરે છે. પણ તેના સિવાય તો સર્વશ્રેષ્ઠ કોઈ છે જ નહિ તો ક્યાંથી અઘરું આપવું? વન પંચ મેન આ દાસ્તાન છે. ઈટ્સ બોરિંગ. ઓકે. સુપરહીરો ફોર ફન.

શહેરમાં વસતો એક એવો સુપરહીરો જે પોતાના એક જ પંચથી ભલભલા ચમરબંધી મોન્સ્ટર્સને ધૂળ ચાટતા કરી દે છે. મોન્સ્ટર્સ આવે છે તો ખરી પણ પછી પાછા જતાં નથી. એમનું શરીર ચાળણી જેવું થઈ જાય છે. હવે સવાલ એ ઉત્પન્ન થાય છે કે જે હીરો એક જ પંચમાં મોન્સ્ટર્સને જમીનદોસ્ત કરી દેતો હોય તો એમાં જોવાની મજા આવે? ખાલી એક પંચ! મજા આવે જ કારણ કે સુપરહીરો એ એકલો નથી. તેના જેવા અસંખ્ય છે.

આ એક જીવન જ છે. કયો સુપરહીરો કોનાથી વધારે તાકતવર છે એની અકળ અને અખંડ લીલા. કયો કર્મચારી વધારે સારો છે! પ્રથમ દૃષ્ટીએ જોતાં તો સાઈટામાની તોલે કોઈ આવે નહિ પણ બાદમાં જે રીતે ત્યાંની સુપરહીરો સંસ્થા દ્વારા સાઈટામા કરતા ઓછા મજબૂત સુપહીરોને ઉપરની કેટગરીમાં મૂકવામાં આવે છે અને સાઈટામાને નીચેની કેટગરીમાં મૂકવામાં આવે છે, તે તો હર હર કંપનીઓની ઘર ઘરની દાસ્તાન છે.

સારા માણસને પારખવામાં શેઠીયાઓ થાપ ખાઈ જાય છે. થાપ ખાતા રહેશે. સાઈટામાને પારખવામાં પણ કંપની માત ખાઈ જાય છે અને તેને ટોચનાં ગ્રુપની જગ્યાએ બીજા ગ્રુપમાં ધકેલી દેવામાં આવે છે. આનો તેને વસવસો છે પણ ભૂલ તો સાઈટામાની જ છે.

તમે જો કામ કરો છો તો એ કામ દેખાડવાની પણ તમારી જવાબદારી હોય છે. સાઈટામા મોટાભાગે એવું કરે છે કે અધવચ્ચે આવી ટપકે છે અને મોન્સ્ટરનો ખુરદો બોલાવી નાખે છે. એવે વખતે જ્યારે આજુબાજુ કોઈ હોતું નથી. અન્ય હીરો મોન્સ્ટરનાં હાથનો માર ખાઈ ખાઈ જમીનમાં શાહમૃગની જેમ મોઢું ઘુસાડી ચૂક્યા હોય છે. લોકો આ જોઈ ભાગી જાય છે. સાઈટામાની એન્ટ્રી થાય છે અને તે મોન્સ્ટરને એક ઢીંકા સાથે પછાડી દે છે. પછી ઈટ્સ બોરિંગ સંવાદ બોલી ચાલ્યો જાય છે. કોઈએ તપાસ્યું નહીં કે આટલા મોટા દૈત્યને મારનારો ભડવીર કોણ છે. ખૂદ સાઈટામાએ પણ પોતાના કામનું પ્રમોશન ન કર્યું. પરિણામ એ આવ્યું કે સાઈટામા પાછળની કેટગરીમાં છે અને બીજા સુપરહીરો નબળાં હોવા છતાં અગ્રીમ હરોળમાં છે. તમારા બોસ તમારા કામને જોશે તો જ માનશે. ભલે ફર્સ્ટ સિઝનમાં સાઈટામાએ તેના મિત્ર સુપરહીરો જેની સામે બે બે હાથ કરી રહ્યાં છે તેના કરતાં પણ તાકતવર દૈત્યને ભોંયભેગો કરી દીધો હોય.

બે સિઝન છે. બીજી સિઝનમાં વધારે મજા આવે છે. બીજી સિઝન સારી નથી એવો આપણે ત્યાં વારંવાર ઉહાપોહ મચ્યાં રાખતો હોય છે. તેની જગ્યાએ સાઈટામા તો બીજી સિઝનમાં જ બીડીમાંથી સિગારેટ બની ગયો છે. આપણે રાહ સાઈટામાની નથી જોતા પણ સાઈટામા કરતા કયા દૈત્યો હવે શહેર પર આક્રમણ કરવાના છે તેની જોઈએ છે.

આ જાપાનીઝ એનિમેશન છે. જાપાનની દુનિયા તબાહીની દુનિયા છે. ભૂકંપ અને ત્સુનામીની દુનિયા. કોઈ વખત રિએક્ટર પણ ફાટે છે. જાપાન સાથે આટલી મોટી દુર્ઘટનાઓ બની હોવા છતાં લોકો એ જ વિચારમાં રત છે કે એ તુરંત પોતાની જાતને ઊભું કેવી રીતે કરી લે છે. વન પંચ મેનનું જાપાન પણ આટ આટલા હુમલા બાદ પણ ગરદન ઊંચી કરી, પીઠના ટચાકિયાં ફોડી ઊભું થઈ જાય છે. ફરી માનવજાત હરવા ફરવા લાગે છે. હસવા લાગે છે. સુખદ જીવનનો શુભારંભ થાય છે. મોન્સ્ટર્સ શહેરમાં આવે છે. તબાહી મચાવે છે અને લોકોને સુપરહીરો બચાવવા આવે છે.

એનિમેશન બનાવનારાએ એક સ્ટેપ ઊચું વિચાર્યું છે. પહેલા તમારા પર કોઈ ગુંડા હુમલા કરે તો તમે પોલીસ પાસે જતાં. હવે ગુંડાની જગ્યાએ મોન્સ્ટર્સ છે અને પોલીસની જગ્યાએ સુપરહીરોની ફૌજ આવી ગઈ છે. શું આપણું ભવિષ્ય પણ આવું ભયાવહ જ રહેવાનું છે. કોઈ આકાશમાંથી ઉતરશે અને એક વસ્તુ ખાવા માટે લલચાવશે. જેનાથી તમારી શક્તિઓ બેગણી થઈ જાય. કેટલાક કિસ્સાઓમાં દસ ગણી થઈ જાય. આટલી શક્તિ મેળવવા માટે તો લાલચુ મનુષ્ય કાંઈ પણ કરી શકે. જાનવરનો ભરોસો કરાય માણસનો ન કરાય. કૂતરો પણ રોટલી સુંઘીને ગળચે છે.  

સાઈટામા કોઈને પણ પોતાનો શિષ્ય બનાવવા નથી માગતો. તોપણ સામેથી સુપરહીરો તેને માસ્ટર ગણી લે છે. આવો એક જ વ્યક્તિ છે અને તે તો પોતાનું શરીર ક્યારનો ગુમાવી ચૂક્યો છે. સાઈટામાને આ એક જ વાત પસંદ નથી કે કોઈ તેનું શિષ્ય બને. એ પેલા હાફ હ્યુમન અને હાફ મશીનને નિભાવી લે છે. હવે શિષ્ય સુપરહીરોની કેટગરીમાં ટોપ પર છે અને ગુરૂ નીચલા ક્રમે છે. ગુરૂને આ વાતની કાંઈ પડી નથી. એ ફક્ત ઓકે કહે છે. કારણ? એ તો ખૂદની મૌજ માટે જ સુપરહીરો બન્યો છે.

આપણી આસપાસ કેટલાક લોકો પોતાના જ કામને વખાણતા નથી હોતાં. એ માત્ર ફન માટે કામ કરતાં હોય એમ પણ બને. જેમ કે આપણો સાઈટામા. સાઈટામા પણ પોતાના ઈન્ટ્રોડક્શનમાં આવી જ એક વાત કહે છે. જસ્ટ એન એવરેજ ગાય હુ સર્વ્સ એઝ એન એવરેજ હીરો. હું કાંઈ છું જ નહીં, આમ કહી કહી તમારો પાક્કો ભાઈબંધ તમને અંધારામાં રાખે અને પરીક્ષામાં ઊંચા માર્ક્સ ખેંચી જાય. એની ઘેર તો એને કાંઈ ન કહે પણ તમારો ટોલો ઘરના તોડી નાખે. સાઈટામા તમારા આવા જ એક મિત્રના ચોગઠામાં કમ્પલિટલી ફિટ બેસી જાય છે.

અમેરિકામાં વર્ષો પહેલા એક બાળકોનો સુપરહીરો આવ્યો હતો. અનપનમેન. તેની ડિઝાઈન જુઓ અને સાઈટામાને જે રીતે જાપાનીઓએ તૈયાર કર્યો છે એ જુઓ, તો બંનેમાં ઘણી સમાનતાઓ છે. બંનેના વસ્ત્રોથી લઈને માથા પર વાળ પણ નથી.

બંને સિઝનમાં ક્યાંય એ વાતનો ઉલ્લેખ નથી કે સાઈટામા નોકરી ધંધો શું કરતો હતો? મેકર્સે બાદમાં નિવેદન આપી જણાવ્યું કે સાઈટામા એક સ્ટોરમાં ક્લાર્ક હતો. બાદમાં નોકરીનો ત્યાગ કરી દીધો. નોકરી ત્યાગી, કારણ કે પોતાના આનંદ માટે સુપરહીરો બનવું હતું. એ પછી સુપરહીરો હોવા છતાં તે આર્થિક સંકડામણનો શિકાર બન્યો. હીરો એસોસિયેશન જોઈન કર્યું ત્યાં સુધી તેની આર્થિક સ્થિતિ સારી નહોતી. ‘શોખ’ માટે સુપરહીરો આગળ આવે કે લેખક આર્થિક સંકડામણ તો રહેવાની જ છે. એ ભાગ્યે જ પોતાના ઘરનું ભાડું ભરે છે, પણ ઘરને પ્રેમ ખૂબ કરે છે. આખા શહેરનું જે થાવું હોય એ થાય મારા ઘર સામે કોઈએ આંખ નહિ માંડવાની. આ વાતે તે ગુસ્સે પણ ભરાય જાય છે.

આટલો ઘાતક સુપહીરો એક સંવાદમાં પોતાની શક્તિનું રહસ્ય ઉજાગર કરે છે અને તોપણ આપણે માની નથી શકતા. એ કહે છે કે હું, ‘6.2 કિલોમીટર દોડું છું. 100 દંડ બેઠક લગાવું છું. 100 ઉઠક બેઠક કરું છું અને 100 સીટ-અપ કરું છું.’ આટલો તાકતવર સુપરહીરો આવી સામાન્ય એક્સસાઈઝ થોડો કરે. સાચો જવાબ એ છે કે કોઈ પણ વ્યક્તિ તેની સફળતાનું રહસ્ય તમારી સામે રાખે તો પણ તમે મહદઅંશે માનવાના તો છો જ નહીં. કોઈ એવરેજ વ્યક્તિ તો સાઈટામા આ કારણોસર આટલી ભીમશક્તિ ધરાવે છે એ કેમ માની લે.

ચાલો, એક કામ કરજો. સાઈટામાનું થીમ સોંગ સાંભળજો. મગજ ફ્રેશ થઈ જશે. આનંદિત થઈ ઉઠશો. જૂના વિચારોમાં ગળાડૂબ થઈ જશો. મહામારીને પણ ભૂલી જશો. સેડ થીમમાં પણ!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments