Editors Gallery: બીજી લહેર આવી ગઈ. કચ્ચરઘાણ બોલાવતી ગઈ. ઘણાંએ પોતાના સ્વજનો ગુમાવ્યા અને ઘણાએ પોતાની માનવતા પણ ગુમાવી. બીજી લહેરમાં કોઈ ગરીબ માણસને કોરોના થાય તો તેના માટે ઊભું થવું શક્ય નથી. એ બિચારો 950 રૂપિયાનો નારંગીનો કટ્ટો અને 60, 70 કે 80નો નાળિયેરનો ત્રોફો કેમ કરીને લે. આ વિચારે જ આપણો તો જીવ હલબલી જાય અને જો ન હલબલે તો સમજવું કે તમારી અંદર હવે હ્રદય રહ્યું નથી.
સરકાર પર પુરતા દોષારોપણ થયા. સરકાર ચૂંટણીના તાયફાઓમાં વ્યસ્ત અને થોડી દેર મસ્ત સો જાતા હું કરીને ઊંઘી ગઈ અને બીજી બાજુ કોરોનાની બીજી લહેર બુલેટ ટ્રેનની સ્પીડે ઘુસી ગઈ. પછી શું થયું એ આપણે બધાએ જોયું છે. અહીં તેના વિષે વિસ્તૃત છણાવટ કરી આત્મા બાળવાનો વખત નથી. હાથ તો બળ્યા જ છે.
હવે સરકારને તો કેટલો દોષ દેવો. સોશિયલ મીડિયાએ મન ભરીને દોષ દીધો. કેટલાક પત્રકારો અને સાહિત્યકારોએ સરકારને કરવો જોઈએ અને હોવો જ જોઈએ એવો જ વિરોધ નોંધાવ્યો તો કેટલાક પત્રકારો એવા પણ હતાં જે આ સમયમાં પણ સરકારની કામગીરીની પ્રશંસા કરતાં હતાં. એમના માટે ઉચિત સમયે બે મિનિટનું મૌન રાખવામાં આવશે!
આજ સવારમાં ઉઠ્યો અને ફેસબુકમાં જોઉં તો રવીશ કુમારે અમદાવાદના કોઈ વિજયભાઈ પારેખનો સ્ક્રિનશોટ અપલોડ કરેલો. એ ભાઈએ પીએમ કેયર્સ ફંડમાં અઢી લાખ રૂપિયા જમા કરાવ્યાં હતાં. હવે તેમના માતાને જ હોસ્પિટલમાં ખાટલો ન મળ્યો. એમણે વધુમાં લખ્યું એ સો આના સત્ય છે. લખ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે, જણાવો આ વખતે કેટલું દાન કરીએ તો ખાટલો મળી જાય. આ વાંચ્યા પછી પણ કોઈને લાગતું હોય કે તંત્ર જોરદાર કામ કરી રહ્યું છે તો એમને હવે કોઈ પાછા વાળી શકે તેમ નથી.
સરકાર તો બધી રીતે બુઠ્ઠી સાબિત થઈ. કોંગ્રેસ શાસિત રાજ્યોની પણ અને ભાજપ શાસિત રાજ્યોની પણ. આટલી મોટી જનસંખ્યાને તેઓ સંભાળી ન શક્યા. જાણે કોઈ સરપંચને અચાનક દેશનાં એકાદ રાજ્યની કમાન સોંપી દીધી હોય. બીજી લહેર સામે તેઓ પરાજીત થયા. એને તો કહીએ એટલું ઓછું પણ જનતાને ય કહીએ એટલું ઓછું. બસ સ્ટેન્ડ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. એમણે આજની તારીખે પણ માસ્ક નથી પહેર્યા. ખબર નહીં એ માસ્કને ક્યાં સાચવી રાખે છે. દયા આવે છે આવા લોકો પર, આપણને થઈ જાય છે કે એક માસ્ક ખરીદીને આવા ગરીબ લોકોને દાનમાં દઈ દઈએ. જે બસની મુસાફરીમાં દોઢસો રૂપિયા આરામથી આપી દે છે પણ પચાસ રૂપિયાનું માસ્ક નથી ખરીદી શકતા.
હવે તો બસમાં પણ પચાસનું માસ્ક વીસ રૂપિયામાં વેચવાવાળા લોકો આવે છે. એક માસ્ક ખરીદવા પર એક ફ્રી પણ આપે છે અને છતાં ગુજરાતની એસટી બસોમાં બેસેલા લોકોમાંથી કેટલાકે કાં તો માસ્કને ગળા નીચે ઘરેણું બનાવીને રાખ્યું હોય છે. કાં તો નાકની નીચે જાણે એને એની મૂછ સંતાડવી હોય એવી રીતે લટકાવીને રાખ્યું હોય છે.
બીજી લહેર બાદ તો બે માસ્કની સિઝન આવી ગઈ છે. જે લોકો ઝપેટમાં આવી ગયા છે કે જેમના સ્વજનો ઝપેટમાં આવી ગયા છે તે શા માટે બે માસ્ક પહેરે છે એમને કોઈ વખત જઈ માસ્ક ન પહેરનારાએ પૂછવું. કેવી યાતનાઓમાંથી એ પસાર થયા છે. ન માસ્ક પહેરનારા ખૂદ તો ફસાય જ છે પણ બીજાને પણ સરખી રીતના સલવાડતા જાય છે!
બસમાં ચડ્યા બાદ તો જાણે હું રાજા રાખેંગાર આખા ગામનો ધણી અને મને કોઈ કહી ન શકે એમ માની માસ્ક ખેંચીને કાઢી નાખે છે. પછી માસ્ક ગળામાં લંગોટની જેમ લટકતું હોય છે અથવા તો ખિસ્સામાં રૂમાલની ગરજ સારતું હોય છે. આવા અસંખ્ય માસ્કવીરો તમારી આસપાસ આટા ફેરાં મારતા હશે. તમે ધ્યાન રાખજો. સરકારે હજાર રૂપિયા દંડ પેટે ઉઘરાવવાનું શું કામે રાખ્યું હોય? સરકાર ખોટી નથી. સરકાર સાચી જ છે. રૂપિયા સિવાય આ જનતા કાબુમાં ન આવે. જો દંડ ન હોત તો આજે ભયાનક સ્થિતિ હોત. છે એનાં કરતાં પણ વધારે વણસી ગઈ હોત.
ભણેલા લોકોને બસમાં સોશિયલ ડિસ્ટન્સના છોતરા ઉડાવતા અને એક સીટ માટે ધક્કા મુક્કી કરતા જોઈએ છીએ ત્યારે થાય છે કે જે મહારાજા રાજ ચાલ્યું ગયું એમનો પુન: જન્મ થયો લાગે છે. ક્યાંક ફરી તેમની ગાદી કોઈ છિનવી ન લે, પણ આટલા બધા મહારાજા. માસ્ક નહીં પહેરી અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના લીરેલીરા ઉડાવી જે લોકો બસમાં ચડી રહ્યાં છે એમને કોરોના ભરખી ગયો તો કઈ સીટ માટે લડવાનું?
હવે સરકારની ભૂલ કાઢવાનો વખત ગયો. સરકારનો વાંક બધાએ કાઢી લીધો અને વાંક હતો તે સપાટી પર પણ આવી ગયો. હવે વારો જનતાનો છે. એ જનતાનો જે માસ્ક ન પહેરીને કેટલાયના જીવ જોખમમાં મૂકી રહી છે. મહેરબાની કરો અને માસ્ક પહેરો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત