Homeગુર્જર નગરીએક્ઝામ ફ્રોમ કોવિડ સેન્ટરઃ કોરોનાની સારવાર લઈ રહેલા વિદ્યાર્થીએ કોવિડ સેન્ટરમાં પરીક્ષા...

એક્ઝામ ફ્રોમ કોવિડ સેન્ટરઃ કોરોનાની સારવાર લઈ રહેલા વિદ્યાર્થીએ કોવિડ સેન્ટરમાં પરીક્ષા આપી

Team Chabuk-Gujarat Desk: કોરોના સંક્રમણને કારણે હાલ ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ છે. જો કે શાળા-કોલેજો દ્વારા ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે અને પરીક્ષાઓ પણ ઓનલાઈન યોજાઈ રહી છે. તેવા સમયે એક વિદ્યાર્થીએ કોરોનાની સારવાર દરમિયાન કોવિડ સેન્ટરમાંથી પરીક્ષા આપી છે. કોરોના સામેનો જંગ લડી રહેલા આ વિદ્યાર્થીએ હિંમત હાર્યા વિના બેડ પર બેઠાં બેઠાં પેપર લખ્યું હતું.

હાલ કોરોનાનો નવો વેરિઅન્ટ યુવાનોને પણ ટાર્ગેટ બનાવી રહ્યો છે. અનેક યુવાનો આ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેવામાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પણ પ્રભાવિત થઈ રહ્યું છે. જો કે મોરબીમાં એક યુવાને પોતાના બુલંદ હોંસલા અને હિંમતના બળે કોરોનાકાળમાં પણ પોતાનું શિક્ષણકાર્ય પ્રભાવિત થવા ન દીધું અને કોવિડ સેન્ટરમાં ચાલુ સારવારે પરીક્ષા આપી હતી.

મોરબીના જોધપર ગામે કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. આ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા એક યુવાને હિંમતથી કોરોનાથી ડર્યા વિના ચાલુ સારવારે એન્જિનિયરિંગની પરીક્ષા આપી અન્યને પણ અનોખી પ્રેરણા પૂરી પાડી છે. મૂળ મોરબીના દેરાળા ગામના અને હાલ સુરેન્દ્રનગર રહેતા યશ પ્રવિણભાઈ સેરસીયાનો કોરોના રિપોર્ટ થોડા દિવસ પહેલાં પોઝિટિવ આવ્યો હતો.

યશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેનું શિક્ષણકાર્ય પ્રભાવિત થશે તેવી ચિંતા શરૂઆતમાં થઈ હતી. એવામાં તેને મોરબીના જોધપર ગામે કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોલેજ દ્વારા લેવાતી તેની એન્જિનિયરિંગની પરીક્ષા પણ આવી હતી. એક તરફ કોરોનાની સારવાર અને બીજી તરફ પરીક્ષા. એવામાં યશે મક્કમ મને પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું અને ચાલુ સારવાર બેડ પર બેઠાં બેઠાં પેપર આપ્યું હતું.

પીડીયુની એપ્લિકેશન પરથી અઢી કલાકમાં પેપર લખીને પરત આપવાનું હોય છે. જે અંતર્ગત યશ સેરસીયાએ કોરોનાની ચાલુ સારવારે આ પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી હતી અને હિંમતભેર પેપર પૂરું કર્યું હતું. પરીક્ષા આપતો યશનો વીડિયો પણ સામે આવ્યો છે. યશ ઓક્સિજન સપોર્ટ પર કોરોનાની સારવાર લઈ છે. તેમ છતાં તેણે પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને ઓક્સિજન સાથે તેણે પરીક્ષા આપી હતી.

આમ આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ઉચ્ચ કારકિર્દી બનાવવા ઉત્સુક એવા યશ સેરસીયાએ પરીક્ષા આપીને અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પૂરી પાડી છે. પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોય પરંતુ તેની સામે મક્કમ મન અને હિંમત દાખવીને ઘ્યેય સિદ્ધ કરવા માટે યશ સેરસીયાએ જે રીતે પરીક્ષા આપી છે તેની સરાહના થઈ રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments