Editors Gallary: આજથી 100 વર્ષ પહેલાં સ્પેનિશ ફ્લૂના કારણે ગંગા નદીમાં લાશો વહેતી હતી, લોકો સ્વજનોના અંતિમ સંસ્કારથી પણ ડરતાં હતા. આજે ફરીથી એજ સ્થિતિ આંખોની સામે આવીને ઉભી રહી છે. ગંગા માતા લાશોને તો તારી રહી છે પરંતુ નેતાઓ અને બાબુઓએ પ્રજાનો વિશ્વાસ ડૂબાડી દીધો છે. એક રાષ્ટ્ર તરીકે આપણે કેટલી નબળાઈઓનો સામનો કરી રહ્યા છીએ. અત્યારે સ્થિતિ એવી છે કે ખુદ આરોગ્ય ખાતુ જ બીમાર પડી ગયું છે. લોકો ટપોટપ મરી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ખુબ વધી રહ્યો છે તેનાથી સૌ અવગત છે. ગંગામાં લાશો તરી રહી છે તેનાથી પણ સૌ વાકેફ છીએ. આપણું હ્રદય ગંગામાં તરતી લાશોના ફોટા અને વીડિયો જોઈને દ્રવી ઉઠે છે તો વિચારો એ મૃતદેહને ધ્રૂજતા હાથે મા ગંગાને સોંપતી વખતે તેમના સ્વજનોની હાલત શું હશે ?
કોરોના અમીર-ગરીબમાં ભેદભાવ નથી રાખતો પરંતુ કોરોનાની સારવારમાં બહું મોટા ભેદભાવ થઈ રહ્યા છે. મૂડીપતિઓ, અભિનેતાઓ અને નેતાઓને હોસ્પિટલમાં તાત્કાલિક સારામાં સારી સારવાર મળી રહી છે પરંતુ ગરીબ દર્દી ઝૂંપડામાં જ દમ તોડી દે તો પણ એની નોંધ નથી લેવાતી. કદાચ આ ગંગામાં તરતા આ મૃતદેહ તેની જ સાબિતી આપી રહ્યા છે.
જો તમે અમીર છો તો તમને બેડ મળી જશે, ઈન્જેક્શન મળી જશે, સારી સારવાર મળી જશે, પૈસાદાર લોકો પૈસાના જોરે ઓક્સિજન ખરીદી લેશે પરંતુ ગરીબ દર્દીને એક-એક શ્વાસ માટે તડપવું પડી રહ્યું છે તે વાસ્તવિકતા છે. આ મરનારા ગરીબોમાં કેટલાક ફ્લેટ બાંધનારા મજૂરો છે, રસ્તા પર પાણીના રેલા જેમ દોડતી તમારી કારની મરમ્મત કરનારા કારીગરો છે તો કેટલાક તમારી થાળીમાં અન્ન મૂકનારા ખેડૂતો છે. આ મહેનતકશ લોકોનો વિશ્વાસ ડૂબી રહ્યો છે. ખાનગી હોસ્પિટલની સારવાર કેટલી મોંઘી હોય એક મહિનાનું રાશન ન લઈ શકનારા ગરીબ લોકો આવી મોંઘી સારવાર કેવી રીતે કરાવી શકે ?
ગુજરાતમાં રૂપાણી સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી કે મા કાર્ડથી તમે 50 હજાર રૂપિયાની મર્યાદામાં સારવાર મળશે પરંતુ આ જાહેરાત ખુબ મોડી થઈ છે. અત્યાર સુધીમાં હજારો લોકો ડરથી હોસ્પિટલ સુધી નથી પહોંચ્યા કે કોરોના કરતાં તેમને આર્થિક બોજ મારી નાખશે. ખેર, હવે મોડા-મોડા પણ સરકારની આંખો ખુલી છે તે સારી વાત છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત