Team Chabuk-Gujarat Desk: ૪૮૧૫ ધાત્રી માતાઓએ વર્ષ દરમિયાન ૫૪૯ લીટર અમૃતતુલ્ય ધાવણ( દૂધ) પૂરું પાડ્યું જે ૧૫૭૮ શિશુઓ માટે જીવનશક્તિનો સ્રોત બન્યું… સયાજી હોસ્પિટલના રૂક્ષ્મણી ચેનાની પ્રસૂતિ ગૃહના ત્રીજા માળે માતાની સ્નેહધારા જેવી એ સંસ્થાની અધિકૃત ઓળખ આમ તો comprehensive lactation management center એટલે કે સર્વગ્રાહી ધાવણ વ્યવસ્થાપન કેન્દ્ર એ પ્રકારની છે પણ આમ આદમીની ભાષામાં એને માતાના દૂધની બેંક જેવી સરળ ઓળખ મળી છે.
નવરાત્રી એટલે મમતામયી માનો ઉત્સવ. ૨૦૧૯ની નવરાત્રિમાં ૧૪મી ઓકટોબરના રોજ માની ગરજ સારે એવી ઉપરોક્ત સંસ્થાની સ્થાપના સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં નવજાત શિશુઓના માતાના દૂધના પ્રથમ અધિકારની સુરક્ષા કરવા માટે રાજ્ય સરકારના સહયોગથી થઈ હતી. રાજ્ય સરકારે તેના માટે જરૂરી અનુદાન અને દૂધને જંતુરહિત, શુદ્ધ કરવા માટે પેશ્ચ્યુરાઈઝર ઇકવિપમેંટ, માતાના દૂધના દોહન માટે જરૂરી બ્રેસ્ટ મિલ્ક પંપ, સંગ્રહ અને સાચવણીમાં ઉપયોગી ફ્રીજર, ડીપ ફ્રિજર જેવી પાયાની સાધન સુવિધા આપવાની સાથે સ્ટાફને જરૂરી તાલીમ આપી હતી. અને મમતાની સરવાણી જેવી આ સંસ્થાએ તાજેતરમાં પૂરી થયેલી નવરાત્રિમાં શિશુ સેવાના યશસ્વી બે વર્ષ પૂરાં કર્યા છે. તેની કામગીરીનું સરવૈયું માંડીએ તો વિગત વર્ષમાં ૪૮૧૫ ધાત્રીઓ (માતાઓ) એ આ બેંકમાં ૫૪૯ લીટર અમૃત થી અદકેરું ધાવણ(દૂધ) જમા કરાવ્યું જે ૧૫૭૮ ભૂલકાઓ માટે જીવનશક્તિનો સ્રોત બની રહ્યું.
આ ઉપરાંત ક્યારેક એવા સંજોગો સર્જાય છે જ્યારે માતાને પૂરતું ધાવણ આવતું હોય તેમ છતાં નવા જન્મેલા બાળકને માતા સીધેસીધી ધવડાવી શક્તિ ન હોય. દાખલા તરીકે માતાની સર્જરી થઈ હોય,અન્ય કોમ્પલિકેશનને લીધે માતા આઈસીયુમાં સારવાર હેઠળ હોય અને સ્વસ્થ બાળક વોર્ડમાં હોય,બાળક અધૂરાં માસે,ખૂબ ઓછા વજનનું જન્મ્યું હોય અને તે જાતે ધાવી શકે એવી સ્થિતિમાં ન હોય ત્યારે તાલીમબદ્ધ સ્ટાફ એવી માતાનું ધાવણ બ્રેસ્ટ મિલ્ક પંપના ઉપયોગ થી મેળવી, પેશ્ચ્યુરાઈઝ કરી તેના બાળકને આપે છે. ૫૩૦૪ બાળકોને mother’s own milk એટલે કે પોતાની જ માતાનું દૂધ અહીં આ રીતે સુલભ બનાવવામાં આવ્યું હતું. યાદ રહે કે સયાજી હોસ્પિટલની આ દૂધ સેવા સંસ્થા દેશમાં માતૃ દૂધ બેંકિંગની પ્રણેતા સંસ્થાઓ પૈકીની એક છે.

આ માત્ર દૂધ બેંક નથી ધાવણ વ્યવસ્થાપન સંસ્થા છે
બાળ સારવાર વિભાગના વડા અને સ્થાપના વખતથી જ આ સંસ્થા સાથે જોડાયેલા છે એવા,બાળ સારવાર વિભાગના વડા ડો.શીલા ઐયર જણાવે છે કે,અમારી સંસ્થા માત્ર માતૃ દૂધ બેંક નથી,ધાવણ વ્યવસ્થાપન સંસ્થા છે. અમે પ્રથમ વખતની માતાને બાળકને કેવી રીતે તેડવું,કેવી રીતે ધાવણ આપવું એની તાલીમ આપીએ છે.દરેક બાળકને એની માતાનું જ દૂધ મળી રહે એ અમારી પ્રથમ કોશિશ હોય છે.તે માટે અમે ધાવણ સરળ બનાવવા માતાઓને મદદ કરીએ છે. માતા સ્વસ્થ હોય,સારું ધાવણ આવતું હોય પણ બાળક આઇ.સી. યુ.માં હોય તો તેની પોતાની જ માતાનું દૂધ મેળવી તેને પહોંચાડવાની વ્યવસ્થા કરીએ છે.એટલે અમારી સંસ્થા માત્ર માતૃ દૂધ બેંક નથી પણ તેના થી ખૂબ વ્યાપક,સર્વગ્રાહી ધાવણ વ્યવસ્થાપન કેન્દ્ર છે.
દૂધનું દાન કરવા થી ધાત્રીના શરીરને કોઈ નુકશાન થતું નથી
કુદરતની કરામત અકળ છે.ક્યારેક કોઈ માતાને ધાવણ ખૂબ ઓછું,પોતાના બાળકની ભૂખ પણ ન સંતોષી શકે એટલું ઓછું આવતું હોય છે.તો ઘણી માતાઓને પોતાનું બાળક ધરાઈ જાય તો પણ વધે એટલું વિપુલ ધાવણ આવતું હોય છે.ત્યારે મમતા જેવા દૂધની સરવાણી વહેતી હોય એવી માતાઓ પોતાના બાળકને પૂરતું ધાવણ આપ્યાં પછી વધારાના ધાવણનું જે બાળકો કોઈપણ કારણસર માતાના દૂધથી વંચિત છે,તેમના માટે દાન કરી શકે છે એટલે કે આ બેંકમાં જમા કરાવી શકે છે.યાદ રહે કે રકતદાનની જેમ જ દૂધની દાતા માતાના શરીરને તેનાથી કોઈ જ નુકશાન થતું નથી. માતાના દૂધનું દાન રક્તદાન જેટલું જ અમુલ્ય છે.

બાળકોને સુરક્ષિત દૂધ ઉપલબ્ધ કરાવવાની કાળજી
માતાની જરૂરી આરોગ્ય તપાસ,એને એચ.આઇ.વી.કે અન્ય જોખમી રોગો નથી તેની સઘન તપાસ કર્યા પછી ધાવણ દાન સ્વીકારવામાં આવે છે.તે પછી આ દૂધનું માઇક્રોબેક્ટેરિયલ ટેસ્ટિંગ કરીને,તે સલામત હોવાની ખાત્રી કરવામાં આવે છે અને પેશ્ચ્યુરાઈઝ કર્યા પછી જ શિશુઓ માટે તે ઉપયોગમાં લેવામાં આવે છે.
ત્યજી દેવાયેલા બાળકોને ધાવણ દ્વારા માં ની મમતાની અનુભૂતિ
કોઈ નવજાત કે થોડું મોટું બાળક ત્યજાયેલી હાલતમાં મળી આવે ત્યારે તેને એકાદ બે સપ્તાહ સુધી સયાજી હોસ્પિટલમાં રાખવામાં આવે છે.તે દરમિયાન આવા નમાયા શિશુઓને આ બેંકમાં જમા થયેલું માતૃ દૂધ આપવામાં આવે છે જેના લીધે તેમના વિકાસને વેગ મળે છે. જે બાળકની માતા પ્રસૂતિમાં અવસાન પામી હોય તેવા નમાયા શિશુઓ માટે પણ સંસ્થા માતાનું દૂધ પૂરું પાડે છે.

કોઈપણ સ્વસ્થ માતા જેને વિપુલ ધાવણ આવતું હોય તે દૂધ દાન કરે
ડો.શીલા જણાવે છે કે, માતા પ્રસૂતિ માટે ભલે સયાજીમાં દાખલ ન થઈ હોય પણ વિપુલ ધાવણ આવતું હોય,પોતાના બાળકની ભૂખ સંતોષાય તે પછી પણ વધતું હોય તો કોઈ માતાના દૂધ થી વંચિત બાળક માટે ધાવણ દાન કરે તે ઈચ્છનીય છે. તેના માટે ઉદાર દિલ રાખી અમારી સંસ્થાનો સંપર્ક કરી શકે છે.
૧૯૮૯માં મુંબઈની નાયર હોસ્પિટલથી શરૂ થઈ આ પ્રવૃત્તિ
ભારતમાં પ્રથમ માતૃ દૂધ બેંક ૧૯૮૯માં મુંબઈની નાયર હોસ્પિટલમાં સ્થાપિત થઈ. તે પછી ઘણી હોસ્પિટલોમાં તેની સ્થાપના થઇ, કેટલીક ચાલી, કેટલીક શરૂઆત પછી બંધ પડી ગઈ. તે જ અરસામાં વડોદરાની કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં પણ આવી માતૃ દૂધ બેંક સ્થપાઈ એની નોંધ લેવી ઘટે. ભારત સરકારે પ્રત્યેક જિલ્લાની મોટામાં મોટી સરકારી હોસ્પિટલમાં આવી માતૃ દૂધ બેંક સ્થપાય તેવી નીતિ અપનાવી છે. તેના ભાગરૂપે જ સયાજી હોસ્પીટલમાં આ સંસ્થા શરૂ કરવામાં આવી છે.વધુમાં વધુ ધાત્રી માતાઓ પોતાના બાળકની જરૂરિયાત કરતાં વધારાનું દૂધ આ સંસ્થામાં જમા કરાવે એવો અનુરોધ ડો.શીલા ઐયરે કર્યો છે.
હોસ્પિટલ બહાર કોઈ બાળકને જરૂર હોય તો અહીં થી દૂધ મળે ખરું?
ડો.શીલા કહે છે કે આવી પૂછપરછ અવાર નવાર થતી હોય છે પરંતુ હાલમાં અમારી પાસે અમારાં પ્રસૂતિ ગૃહમાં જન્મેલા અને માતાના દૂધથી કોઈપણ કારણસર વંચિત બાળકોને પૂરું પાડી શકાય એટલું જ દૂધ છે. એટલે આ વાત શક્ય નથી. સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે અમારી આ શિશુ સંભાળ સંસ્થા ખૂબ સારી કામગીરી કરી રહી છે. જે ધાવણ દાન કરે છે એ માતા સામે કર્ણનું કવચ કુંડળનું દાન પણ ઝાંખું પડે.અરે! કર્ણ પોતે જ ધાત્રી માતાના દૂધ પર ઉછર્યો હતો.આ દૂધનું દાન નથી સ્નેહની સરવાણીનું જીવનદાન છે.

જ્યારે ધાવણ દાન કરવા એક માતાનો ફોન આવ્યો
સયાજી હોસ્પિટલના રૂક્ષ્મણી ચેનાની પ્રસુતિગૃહ ના ત્રીજે માળે કાર્યરત માતૃ દૂધ બેંકને જ્યારે એક શહેરી મહિલાએ ફોન કર્યો ત્યારે એની પૃચ્છા સાંભળીને સહુ આનંદ મિશ્રિત આશ્ચર્યમાં મૂકાઈ ગયા. એ ધાત્રી માતાને જાણવું હતું કે એ પોતાનું વધારાનું ધાવણ બેંકમાં જમા કરાવી શકે ખરી? એનું કહેવું હતું કે એને પોતાના બાળકની જરૂર કરતાં વધુ દૂધ આવે છે અને એ આ દૂધ કોઈ માતાના દૂધથી વંચિત બાળકને મળે એ માટે દાનમાં આપવા ઈચ્છે છે.આ મમતાની અમુલ્ય સોગાદ આપવાની અનોખી દરખાસ્ત હતી.
એ મહિલાએ સલામત રીતે ધાવણ દાન માટે જરૂરી તમામ ટેસ્ટ કરાવ્યા અને સ્ટરીલાઇઝ રીતે કલેક્ટ કરેલું દૂધ જ્યારે જમા કરાવ્યું ત્યારે સહુના મનમાં એમના માટે અહોભાવ જાગ્યો. કોરોના કાળમાં હોસ્પિટલમાં કાર્યરત એક નર્સિંગ સિસ્ટરની અહીં પ્રસૂતિ થઈ.એમને પણ બાળકની જરૂર કરતાં વધુ ધાવણ આવતું હતું. એમણે તબક્કાવાર ૯ લીટર જેટલું માતૃ દૂધ જમા કરાવ્યું જે વંચિત શિશુઓની પ્રાણ શક્તિનો સ્રોત બન્યું.
આ માતાઓ આખા સમાજના અભિવાદન અને વંદનાને પાત્ર છે. આ અંગે ડો.શીલા ઐયર જણાવે છે કે,ફક્ત જેમની સુવાવડ સયાજીમાં થઈ હોય એવી બહેનો જ માતૃ દૂધનું દાન કરી શકે એવું નથી. જે ધાત્રી માતાઓની અન્યત્ર સુવાવડ થઈ હોય,ધાવણ તેમના બાળકની જરૂર કરતાં વધુ આવતું હોય અને વધારાનું દૂધ વંચિત બાળકો માટે આપવું હોય,તેઓ અમારો સંપર્ક કરીને,માતૃ અમૃતનું દાન કરે એ ઇચ્છનીય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત