Team Chabuk-Gujarat Desk: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં એક દુઃખદ ઘટના બની છે. પુત્રના લગ્નની થોડી ક્ષણો પહેલાં જ માતાનું કરુણ મોત નિપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે જાવંત્રી ગામમાં પુત્રના લગ્નની ધામધૂમપૂર્વક તૈયારી કરી રહેલા માતાનું વીજશોકના કારણે મોત થયું છે. પુત્રના લગ્ન પહેલાં જ માતાનું મોત થતાં પરિવારજનો અને મહેમાનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પુત્રની જાન નીકળવાની તૈયારી હતી તે પહેલા જ જરુરી તૈયારી કરી રહેલા વરરાજાના માતાને પંખામાં વીજશોક લાગતા મોત નિપજ્યું છે.
રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં રહેતા ભાનુભાઈ પરમારના પુત્ર અજય પરમારના લગ્ન હતા. આજે અજયની જાન પરણવા જવાની હતી. જેથી વહેલી સવારે અજયના માતા ધનીબેન જરૂરી તૈયારી કરી રહ્યા હતા. તે સમયે જ લગ્ન માટેના મંડપમાં રાખેલા પંખાને અડી જતા વીજશોક લાગ્યો હતો. વીજ શોક લાગતાં ધનીબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓને તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
માતાના મોતના કારણે પુત્રના લગ્ન અધૂરા ન રહે તે માટે પરિવારજનોએ ધનીબેનના મોત અંગે અજયને જાણ જ કરી ન હતી. ધનીબેનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાની વાત કરી હતી. પરિવારના કેટલાક સભ્યોએ હાજર રહી સાદગીથી લગ્નવિધિ પૂર્ણ કરી હતી. અજયના સાદગીથી લગ્ન પૂર્ણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અજય તેના ઘરે પહોંચતા જ તેના માતાના મોતની જાણ થઈ હતી. વરરાજા અને નવવધૂના ખુશીના પ્રસંગમાં માતમનો માહોલ જોવા મળ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા