Homeગુર્જર નગરીમુખ્યમંત્રી કિસાન સહાય મામલે ગુજરાત કિસાન કોંગ્રેસ સરકાર સામે લડી લેવાના મૂડમાં

મુખ્યમંત્રી કિસાન સહાય મામલે ગુજરાત કિસાન કોંગ્રેસ સરકાર સામે લડી લેવાના મૂડમાં

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અમલ બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ મેદાને પડ્યું છે. આ બાબતે સરકારને તુરંત સહાય ચૂકવવા રજૂઆત કરાઈ છે અને જો માગ નહિ પૂરી થાય તો હાઈકોર્ટમાં પીટીશન કરીને જન આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાત કિસાન કોંગ્રેસે આ બાબતે અગ્ર સચિવ, કૃષિ, નાણાં સચિવ, મહેસુલ સચિવને નોટિસ મોકલી છે. મુખ્યમંત્રી, કૃષિમંત્રી, મહેસુલ મંત્રી, નાણાં મંત્રી, તમામ કલેકટર, તમામ સંસદસભ્યોને પણ પત્ર લખ્યો છે. 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર વચ્ચે જે 17 તાલુકામાં 2 ઇંચ થી વધારે વરસાદ નોંધાયો ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવા માગ કરી છે.

અતિવૃષ્ટિમાં 25 ઇંચથી વધારે ખંભાળિયા તાલુકામાં વરસાદ નોંધાયો તેને પણ આ યોજનામાં સમાવેશ કરવા માગ કરાઈ છે. કલ્યાણપુર, અંજાર, ગાંધીધામ, ભુજ, કોટડા સાંગાણી, ગોંડલ, ધોરાજી, ધ્રોલ, સિહોર, રાણાવાવ, બાબરા, ગીર ગઢડા, વિજાપુર, નેત્રાંગ, વ્યારા, બારડોલી તાલુકામાં યોજનાનો અમલ કરવા માગ કરવામાં આવી છે.

ગુજરાત કિસાન કોંગ્રેસના જણાવ્યા અનુસાર, પાકવીમાનાં પર્યાય તરીકે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લોન્ચ કરાઈ હતી. સરકારે કહ્યું હતું કે ખેડૂતોને SDRF અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બન્નેનો લાભ મળવાપાત્ર હશે તો મળશે.

‘હવે ખેડૂતો પ્રીમિયમ ભર્યા વગર કિસાન સહાય યોજના મારફત પાકવીમો મેળવશે’ આવી જાહેરાતો સરકારે કરી હતી. પરંતુ ઘણા તાલુકામાં ખેડૂતોને લાભ મળ્યો નથી.

ગુજરાત કિસાન કોંગ્રેસે સરકાર સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત પછી અમલ કરવામાં સરકાર કેમ પીછેહઠ કરી રહી છે ? જો સરકાર અમલ નહિ કરે તો આ 17 તાલુકામાં  કિસાન કોંગ્રેસ જન આંદોલન કરશે. જન આંદોલનથી પણ સરકાર નહિ સમજે તો કિસાન કોંગ્રેસ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરશે. ખેડૂતોને પાક નુકસાનીનું વળતર નિયમોનુસાર મળવાપાત્ર છે. તાત્કાલીક વળતર ચુકવવામાં આવે તેવી માગ કરાઈ છે.

જો નિયમોનુસાર અમલ કરવાપાત્ર ન હોય તો સરકાર પ્રેસ કોંફરન્સ કરી કારણો જાહેર કરે તેવું પણ જણાવ્યું છે. ગુજરાત કિસાન કોંગ્રેસ 18 નવેમ્બર ધ્રોલ, 20 નવેમ્બર નેત્રાંગ, 23 નવેમ્બર રાણાવાવ, 24 નવેમ્બર કલ્યાણપુરમાં આવેદનપત્ર આપશે.

ચાલુ વર્ષે રાજ્ય સરકારે 10 ઓગસ્ટના દિવસે જાહેરાત કરી કે આ ખરીફ સીઝનમાં પ્રધાનમંત્રી પાકવીમા યોજના નાબૂદ કરીએ છીએ અને તેની જગ્યાએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરીએ છીએ એ જાહેરાત મુજબ આ યોજના ચાલુ વર્ષના ખરીફ સિઝન પૂરતી જ અમલમાં રહેશે. પ્રધાનમંત્રી પાકવીમા યોજના નાબૂદ કરવાના કારણો આપતા મુખ્યમંત્રીએ કહેલું કે, આ વર્ષે ખાનગી પાકવીમાં કંપનીઓએ ટેન્ડર બહુ જ ઊંચા ભર્યા છે જે રાજ્ય સરકારને પોસાય તેમ નથી માટે પ્રધાનમંત્રી પાકવીમા યોજના નાબૂદ કરી છે. ખેડૂતોને જોખમ સામે નુકશાન ન જાય તેની રાજ્ય સરકારે પુરી કાળજી રાખી છે એટલે પ્રધાનમંત્રી પાકવીમા યોજનાની જગ્યાએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં લાવીએ છીએ આ યોજના ચાલુ વર્ષની ખરીફ ઋતુ પૂરતી અમલમાં રહેશે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શું છે

આ યોજના મુજબ તેના ત્રણ ભાગ છે

1) દુષ્કાળ

2) અતિવૃષ્ટિ

3) માવઠું

1) દુષ્કાળ : સિઝનનો 10 ઇંચ કરતા ઓછો વરસાદ અથવા સતત 4 અઠવાડિયા વરસાદ ન પડે.

2) અતિવૃષ્ટિ : દક્ષિણ ગુજરાત માં સતત 48 કલાકમાં 35 ઇંચ તેના સિવાય મધ્ય, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં સતત 48 કલાકમાં 25 ઇંચ વરસાદ પડે તો અતિવૃષ્ટિ ગણાય.

3) માવઠું : ગુજરાતના કોઈપણ તાલુકા મથકે રેઇનગેજમાં 15 ઓકટોબર થી 15 નવેમ્બર વચ્ચે સતત 48 કલાકમાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તો તેને માવઠું ગણવામાં આવશે.

યોજનાનો અમલ કેવી રીતે ?

નિયમોનુસાર કોઈપણ તાલુકામાં વરસાદ પડે તો કલેકટર દ્વારા 7 દિવસમાં તેની દરખાસ્ત કરવાની હોય છે ત્યારેબાદ 7 દિવસમાં રાજ્ય સરકારે ડીડીઓને જાણ કરવાની ત્યારબાદના 15 દિવસમાં ડીડીઓએ સર્વે કરી તેનો અમલ કરવાનો હોય છે. જો યોજનાનો અમલ થાય તો ખેડૂતોને

પાક નુકસાનીનું વળતર કેવી રીતે અને કેટલું મળે ?

આ યોજનામાં નક્કી કરેલા નિયમોનુસાર વરસાદ નોંધાયો હોય તો ડીડીઓ દ્વારા ખેડૂતને થયેલ પાક નુક્શાનીનું સર્વે કરવાનું હોય છે જો ખેડૂતને 33% થી 60% સુધી નુકશાન હોય તો પ્રતી હેકટર 20,000 રૂપિયા મળવાપાત્ર છે વધારેમાં વધારે 4 હેકટર સુધીનું (4×20,000 = 80,000) વળતર મળવાપાત્ર છે. જો નુકશાન 60% થી વધારે થયું હોય તો પ્રતી હેકટર 25,000 રૂપિયા મળવાપાત્ર છે વધારેમાં વધારે 4 હેકટર સુધીનું(4×25,000=1,00,000) વળતર મળવાપાત્ર છે

અતિવૃષ્ટિમાં સતત 48 કલાકમાં ક્યાં 25 ઇંચ વરસાદ નોંધાયો

દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં તારીખ 6 જુલાઈના રોજ 487 મિલિમિટર અને 7 જુલાઈના રોજ 235 મિલિમિટર વરસાદ નોંધાયો હતો. જે સતત 48 કલાકમાં 28.5 ઇંચ વરસાદ નોંધાયો તેમ છતાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખંભાળિયા તાલુકામાં લાગું કરવામાં આવી નથી.

આ યોજના મુજબ ક્યાં ક્યાં માવઠું થયું છે ?

કચ્છના ગાંધીધામ તાલુકામાંમાં તારીખ 18 ઓક્ટોબર ના રોજ 65 મિલિમિટર, અંજાર તાલુકામાં 18 ઓક્ટોબરના રોજ 78 મિલિમિટર અને ભુજ તાલુકામાં 20 ઓક્ટોબરના રોજ 20 મિલિમિટર અને 21 ઓક્ટોબરના રોજ 60 મિલિમિટર વરસાદ નોંધાયો, 

રાજકોટ તાલુકાના કોટડા સાંગાણી તાલુકામાં 19 ઓક્ટોબરના રોજ 51 મિલિમિટર, ગોંડલ તાલુકામાં 19 ઓક્ટોબર ના રોજ 63 મિલિમિટર, ધોરાજી તાલુકામાં 19 ઓક્ટોબર ના રોજ 56 મિલિમિટર વરસાદ નોંધાયો.

પોરબંદરના રાણાવાવ તાલુકામાં 21 ઓક્ટોબરના રોજ 69 મિલિમિટર વરસાદ નોંધાયો. ભાવનગરના સિહોર તાલુકામાં 19 ઓક્ટોબરના રોજ 92 મિલિમિટર વરસાદ નોંધાયો, જામનગરના ધ્રોલ તાલુકામાં 19 ઓકટોબરના રોજ 109 મિલિમિટર વરસાદ નોંધાયો. દેવભૂમિ દ્રારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 20 ઓક્ટોબર ના રોજ 30 મિલિમિટર અને 21 ઓક્ટોબર ના રોજ 43 મિલિમિટર વરસાદ નોંધાયો.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં 21 ઓક્ટોબરના રોજ 54 મિલિમિટર વરસાદ નોંધાયો. અમરેલી જીલ્લાના બાબરા તાલુકામાં 20 ઓક્ટોબરના રોજ 39 મિલિમિટર અને 21 ઓક્ટોબર ના રોજ 12 મિલિમિટર વરસાદ નોંધાયો. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં 18 ઓક્ટોબરના રોજ 51 મિલિમિટર વરસાદ નોંધાયો. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં 18 ઓક્ટોબરના રોજ 66 મિલિમિટર વરસાદ નોંધાયો. ભરૂચ જિલ્લાના નેત્રાંગ તાલુકામાં 18 ઓક્ટોબરના રોજ 54 મિલિમિટર વરસાદ નોંધાયો અને મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં 18 ઓક્ટોબરના રોજ 51 મિલિમિટર વરસાદ નોંધાયો.

વરસાદના કારણે નિયમોનુસાર નુકશાન થયું છે તો અમલ કેમ નહિ ?

ગુજરાત કિસાન કોંગ્રેસે જણાવ્યું કે, પાકવીમા યોજના નાબૂદ કરી તેની જગ્યાએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં આવી તો સરકાર એનો અમલ શા માટે નથી કરતી? ઉપરોકત 17 તાલુકાઓને આ યોજનામાં નિયમોનુસાર સમાવેશ કરી ખેડૂતોને નુકસાનીનું વળતર આપવું જોઈએ પણ સરકાર પાણીમાં બેસી ગઈ છે.

SDRF અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બન્નેના લાભ મળવાપાત્ર છે

જેવી રીતે પાક નુકસાની સમયે પ્રધાનમંત્રી પાકવીમા યોજના અને SDRF બન્ને યોજનાનો લાભ ખેડૂતોને મળતો હતો તેવી જ રીતે SDRF અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એમ બન્ને યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજના અંગે સરકારે જાહેર કરેલ પરિપત્રના “ઘ” ની કલમ 9 માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ” આ યોજના ઉપરાંત જે ખેડૂતોને SDRF ના લાભ મળવાપાત્ર હશે તો મળશે” એટલે લાભ મળવાપાત્ર નથી એ સરકારની દલીલ ખોટી છે.

તારીખ 13 નવેમ્બર 2020ના રોજ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ રાજ્યના અગ્ર સચિવ, કૃષિ સચિવ, નાણાં સચિવ અને મહેસૂલ સચિવને એક નોટિસ આપી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો ઉપરોક્ત 17 તાલુકામાં અમલ કરવા વિનંતી કરી છે. જેમાં કહ્યું છે કે ઉપરોક્ત 17 તાલુકાઓ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત અમલને પાત્ર છે તેમ છતાં રાજ્ય સરકારે આ તાલુકાઓમાં આ યોજનાનો અમલ ન કરી ખેડૂતોને મોટું નુકસાન કરવામાં આવ્યું છે ત્યારે તેનો તાત્કાલિક અમલ કરવામાં આવે અન્યથા અમારે ન છૂટકે જન આંદોલન અને નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાની ફરજ પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments