Homeદે ઘુમા કેન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ તરખાટ મચાવતા આફ્રિકાની ટીમનું 95 રનમાં પડીકું વળી ગયું,...

ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ તરખાટ મચાવતા આફ્રિકાની ટીમનું 95 રનમાં પડીકું વળી ગયું, હેનરીએ 23 રન આપી 7 વિકેટ ઝડપી

Team Chabuk-Sports Desk: ભારત સામે ટેસ્ટ અને વનડે શ્રેણીમાં વિજય પ્રાપ્ત કરનારી દક્ષિણ આફ્રિકાની ટીમે 90 વર્ષ બાદ એક શરમજનક કિર્તીમાન રચ્યો છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરીએ 23 રન આપી સાત વિકેટ સાથે ઘર આંગણે હેગલે ઓવલમાં તરખાટ મચાવતા સાઉથ આફ્રિકાની અડધી ટીમને પવેલિયન ભેગી કરી દીધી હતી. કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા મેટ હેનરીએ આફ્રિકાનું 95 રનના સામાન્ય સ્કોરમાં પડીકું વાળીને રાખી દીધું હતું.

ન્યૂઝીલેન્ડે દિવસની રમત પૂર્ણ થતા ત્રણ વિકેટના નુકસાન પર 116 રનનો સ્કોર કરી લીધો છે. હાલ ટીમે 21 રનની લીડ પ્રાપ્ત કરી લીધી છે. વર્ષ 1932માં આફ્રિકાની ટીમે 100 રનની અંદર શરણાગતિ સ્વીકારી લીધાનો કિર્તીમાન રચ્યો હતો. 1932ની સાલમાં ઓસ્ટ્રેલિયા સામે મેલબર્ન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 36 રન પર ટીમ ધ્વંસ થઈ ગઈ હતી.

હેનરીનું પ્રદર્શન ઘર આંગણે સંયુક્ત રીતે શ્રેષ્ઠ પ્રદર્શન છે. રિચર્ડ હેડલીએ વર્ષ 1976માં વેલિંગ્ટનના મેદાન પર 23 રન આપી સાત વિકેટ ઝડપી હતી. એ પછી ન્યૂઝીલેન્ડના બોલર દ્વારા કરવામાં આવેલું આ બીજું ઉત્કૃષ્ટ પ્રદર્શન છે. ભારત માટે ઈરાપલ્લી પ્રસન્નાએ 1976માં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં 76 રન આપી આઠ વિકેટ ઝડપી હતી.

મેચમાં ન્યૂઝીલેન્ડના સુકાની ટોમ લેથમે પ્રથમ વખત ટોસ જીતી બોલિંગનો નિર્ણય લીધો હતો. લંચ સુધીમાં આફ્રિકાની ટીમની 44 રનમાં ચાર વિકેટ પડી ગઈ હતી. જેમાં એકલા હેનરીએ 16 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ટી બ્રેકના વિશ્રામ બાદ ફરી મેદાનમાં બંને ટીમ ઉતરી હતી. અહીં સાઉથ આફ્રિકાનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું હતું. ટીમ 25 મિનિટના અંતરમાં માત્ર 49.2 ઓવરમાં ઢેર થઈ ગઈ હતી. ટીમ તરફથી સર્વાધિક ઝુબેર હમજાએ 25 રનનું યોગદાન આપ્યું હતું. તેના સિવાય દક્ષિણ આફ્રિકાનો કોઈ બેટ્સમેન વીસના આંકડા સુધી પણ પહોંચી નહોતો શક્યો. મેટ હેનરીએ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 23 રન આપી સાત વિકેટ ઝડપી હતી. આ પૂર્વે હેનરીનો સર્વેશ્રેષ્ઠ ટેસ્ટ બોલિંગ સ્પેલ 93 રનમાં ચાર વિકેટ હતો.

મેટ હેનરી દ્વારા કરવામાં આવેલું પ્રદર્શન ન્યૂઝીલેન્ડના કોઈ બોલર દ્વારા કરવામાં આવેલું ત્રીજું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પૂર્વે એઝાઝ પટેલે 2021માં ભારત સામે 119 રન આપી 10 વિકેટ પોતાના નામે કરી હતી. 1985માં રિચર્ડ હેડલીએ 51 રનમાં 9 વિકેટ લીધી હતી. વાત જો દક્ષિણ આફ્રિકાના ન્યૂનતમ સ્કોરની કરવામાં આવે તો, 1932માં ઓસ્ટ્રેલિયા સામે 36 રન પર, 1912માં ઈંગ્લેન્ડ સામે 58 રન પર, 1889માં ઈંગ્લેન્ડ સામે 84 રન પર, 1912માં ફરી ઈંગ્લેન્ડ સામે 95 રન પર, 2022માં ન્યૂઝીલેન્ડની સામે 95 અને 1892માં ઈંગ્લેન્ડ સામે 97 રન પર ઓલઆઉટ થયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments