Homeગુર્જર નગરીગુજરાતમાં લોકડાઉન થવા અંગે શું બોલ્યા નીતિન પટેલ ?

ગુજરાતમાં લોકડાઉન થવા અંગે શું બોલ્યા નીતિન પટેલ ?

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વધતા કોરોનાના કેસની વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે વડોદરા પહોંચ્યા હતા. વડોદરા પહોંચેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કોરોનાની હાલની પરિસ્થિતિને લઈને વડોદરા સર્કિટ હાઉસ ખાતે મેરેથોન બેઠક યોજી હતી. બેઠકમાં નીતિન પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વધતા જતાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા અંગે વિચાર વિમર્શ કરીને જરૂરી સૂચના આપી હતી અને સાથે જ કેટલાક મહત્વના નિર્ણયો પણ આ બેઠકમાં લેવાયા હતા.

સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠક આશરે 4 કલાક સુધી ચાલી હતી. આ મેરેથોન બેઠકમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને આગામી દિવસોમાં કઈ રીતે આગળ વધવું તે સહિતના અલગ અલગ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદમાં નીતિન પટેલે જણાવ્યું કે, કોરોનાના દર્દીઓ એક સમયે ઓછા થઈ ગયા હતા પરંતુ હાલમાં દેશભરમાં એક સાથે કોરોનાના કેસ વધવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં પણ કેસ વધી રહ્યા હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું.

હાલની પરિસ્થિતિની વિધાનસભામાં પણ ચર્ચા

વડોદરામાં પત્રકાર પરિષદ દરમિયાન નીતિન પટેલે કહ્યું કે, ચાલુ વિધાનસભા સત્ર દરમિયાન પણ કોર ગ્રુપની બેઠક મળતી હતી અને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચાઓ થતી હતી. દરેક જિલ્લામાંથી રાજ્ય સરકાર માહિતી મેળવી રહી છે. 700થી ઓછા આવતા કેસ 2300 સુધી પહોંચી ગયા છે. વડોદરામાં પણ કેસમાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. બેઠકમાં વડોદરાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું નીતિન પટેલે જણાવ્યું.

…તો હોસ્પિટલ સામે કાર્યવાહી થશે

કોરોનાકાળમાં ઘણી બધી ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી રૂપિયા ખંખેરવા માટે જરૂર ન હોવા છતાં દાખલ કરીને રાખતી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠતી રહી છે. ત્યારે આ મામલે નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. વડોદરામાં નીતિન પટેલે કહ્યું કે, ખાનગી હોસ્પિટલોમાં તપાસ માટે તજજ્ઞ ડોક્ટરોની ટીમ બનાવવામાં આવશે. આ ટીમ હોસ્પિટલોમાં જઈને તપાસ કરશે. ટીમ દ્વારા દર્દીઓના રિપોર્ટની પણ ચકાસણી કરવામાં આવશે અને જો દર્દીઓને ખોટી રીતે રાખવામાં આવ્યા હશે તો હોસ્પિટલ સામે એપિડેમિક એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

લોકડાઉન અંગે સ્પષ્ટતા

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે લોકોમાં લોકડાઉન થવાનો ભય પેસી ગયો છે. મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યમાં પણ ઘણા શહેરોમાં આશિંક લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં લોકડાઉન થશે કે કેમ તે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વડોદરામાં સ્પષ્ટતા કરી હતી. લોકોના મનમાં રહેલી અસમંજસ અને ભય દૂર કરતાં નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં લોકડાઉન કરવા અંગેની કોઈ વિચારણા નથી. લોકો નિયમોનું પાલન કરશે તો લોકડાઉન વિના કોરોનાનું સંક્રમણ અટકાવીશું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકડાઉન કરવાની વાતને નકારી દીધી હતી.

વડોદરામાં વધી રહેલા કોરોનાના કેસને નિયંત્રણમાં લેવા માટે RT-PCR ટેસ્ટ વધારવાની વાત પણ નીતિન પટેલે કહી હતી. નીતિન પટેલે ઉમેર્યું કે, ટેસ્ટીંગ વધારવા માટે વિધાનસભા દીઠ 2 કેમ્પ શરૂ કરવામાં આવશે. જેમાં દરેકને નિઃશુલ્ક ટેસ્ટ કરી આપવામાં આવશે. ઉપરાંત વડોદરામાં અતિથિગૃહમાં કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવશે તેવું નીતિન પટેલે જણાવ્યું હતું. આ કોવિડ સેન્ટરમાં એવા દર્દીઓને રાખવામાં આવશે જેઓના ઘરે અલગથી રહેવાની સુવિધા નથી અથવા અન્ય વ્યવસ્થા નથી. આ કોવિડ સેન્ટરમાં દર્દીઓને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments