Homeગામનાં ચોરેતેજસ્વીને કોંગ્રેસ પર વિશ્વાસ મુકવો ભારે પડી ગયો

તેજસ્વીને કોંગ્રેસ પર વિશ્વાસ મુકવો ભારે પડી ગયો

બિહારની જનતાએ પોતાનો ફેંસલો આપી દીધો છે. જનાદેશ મુજબ નીતિશ કુમાર ફરી સત્તાની દોર સંભાળશે. ચૂંટણી બહુ રસાકસી ભરી રહી. મતગણતરીમાં ક્યારેક NDA તો ક્યારેક RJDનું પલડું ભારે રહ્યું, પરંતુ 18 કલાકના અંતે આખરે 243માંથી NDAના ખાતામાં 125 અને મહાગઠબંધનના ખાતામાં 110  સીટ ગઈ છે. જ્યારે અન્યના ખાતામાં 07 સીટ ગઈ છે. એટલે કે NDAને બિહારમાં સ્પષ્ટ બહુમતી મળી છે. વહેલી સવારે મતગણતરીનો ફાઈનલ આંકડો આવ્યો. જેને લઈને નીતિશ કુમાર સહિત NDAના જીવમાં જીવ આવ્યો.

NDAમાં સૌથી વધુ સીટ ભાજપને મળી છે. ભાજપે 74 સીટ પોતાના નામે કરી લીધી છે. ત્યારબાદ JDU બીજા ક્રમે છે. JDUને 43 સીટ આ ઉપરાંત VVIPને 4, HAMના ખાતામાં 4 સીટ ગઈ છે.

બીજી તરફ મહાગઠબંધનમાં RJDના ખાતમાં 75,  કોંગ્રેસને 19,  CPI(ML)ને 12, CPI(M)ને 2 અને CPIને 2 સીટ મળી છે. આમ, મહાગઠબંધને NDAને ટક્કર તો આપી જ છે. મહાગઠબંધનમાં જો કોંગ્રેસે સારૂં પ્રદર્શન કર્યું  હોત તો પરિણામ કદાચ અલગ હોત. બિહારમાં કોંગ્રેસ 70 સીટો પર ચૂંટણી લડી છે. જેમાંથી  તેને માત્ર 19 સીટ જ મળી છે.

કોંગ્રેસ માટે આ ખરેખર ચિંતાનો વિષય છે. એવી ચર્ચા છે કે, કોંગ્રેસને 70 સીટ ફાળવવી એ તેજસ્વી યાદવની ભૂલ હતી. તેજસ્વીના કોંગ્રેસ પર વિશ્વાસના કારણે જ તે મુખ્યમંત્રી બનતા બનતા રહી ગયા.

પરિણામોમાં ચોંકાવનારી વાત એ પણ છે કે, ચિરાગ પાસવાનની પાર્ટી LJPને માત્ર એક સીટથી સંતોષ માનવો પડ્યો છે. જ્યારે ચિરાગ પાસવાનને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કંઈક આવું કહ્યું, ‘‘જેવું મે કહ્યું હતું, કોઈને હરાવવા કે જીતાવવા કરતા મારું લક્ષ્ય એ હતું કે બિહારમાં એક વિકાસના વિચારવાળી સરકાર બને. ભારતીય જતના પાર્ટી એક મોટા ભાઈની ભૂમિકામાં છે. મને વિશ્વાસ છે કે બિહાર આગળ સારું પ્રદર્શન કરશે.’’

આ ઉપરાંત બિહારમાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પર પણ સૌની નજર હતી. AIMIMએ બિહારમાં આશા કરતા વધુ સારૂં પ્રદર્શન કર્યું છે અને પાંચ સીટ પોતાના નામે કરી લીધી છે.

સતત સાતમી વાર નીતિશ કુમાર સત્તાની દોર સંભાળવા માટે તૈયાર છે. પરિણામ આવ્યા બાદ થોડી ચર્ચા એવી પણ થઈ હતી કે કદાચ બિહારમાં ભાજપમાંથી કોઈ મુખ્યમંત્રી પદ સંભાળે.

જોકે, આ અટકળોનો તુરંત અંત પણ આવી ગયો છે. આ મુદ્દાને આમ જોઈએ તો કોઈ સ્થાન નથી, કારણ કે પહેલાંથી જ બિહારમાં NDA નીતિશ કુમારના ચહેરા સાથે ચૂંટણી લડી છે. પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ અને જે.પી.નડ્ડા આ વાત પોતે જ કહી છે. તો બિહારની જનતા પણ એવું માની રહી છે કે બિહાર અને નીતિશ એકબીજાના પર્યાય છે. જો કે, હવે નજર એના પર રહેશે કે નીતિશ કુમારની નવી ટીમમાં કોણ કોણ સામેલ થશે ?

કોરોના વાયરસના સંકટે મતગણતરી પર પણ અસર કરી. પરિણામમાં પણ થોડી વાર લાગી. પરંતુ પરિણામના કારણે ઈતિહાસ સર્જાઈ ગયો છે. મતગણતરીમાં સમય લાગવાનું એક કારણ VVPETને પણ માનવામાં આવી રહ્યું છે.

નીતિશ કુમારે પ્રચાર દરમિયાન કહ્યું હતું, આ મારી અંતિમ ચૂંટણી છે. અંત ભલા તો સબ ભલા. બિહારની જનતાને કદાચ નીતિશ કુમારની આ જ વાત કાને વળગી ગઈ અને ખોબલે-ખોબલે મત આપ્યા.

બીજી તરફ આ વખતે બિહારની ચૂંટણીની જવાબદારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખુદ સંભાળી રહ્યા હતા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ પ્રચારમાં કોઈ કસર છોડી નથી. એટલે જ ભાજપે જીતનો સંપૂર્ણ શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને આપ્યો છે. દિવાળી બાદ નીતિશ કુમાર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે.

પરિણામ આવતાની સાથે જ ભાજપ કાર્યાલય બહાર નીતિશ કુમારના પોસ્ટર્સ લાગી ગયા હતા. નીતશ કુમારને 24 કેરેટ સોના જેવા બતાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય પોસ્ટર્સમાં વિવિધ સૂત્રો દ્વારા નીતિશ કુમારના મન મુકીને વખાણ કરવામાં આવ્યા છે.  

ક્રિકેટ જેવી રસાકસી બાદ જીત NDAની થઈ છે. હવે આગામી પાંચ વર્ષ સુધી બિહારમાં નીતિશ ફરી એક વખત રાજ કરશે. લોકોને આશા છે કે નીતિશ કુમારની આગેવાનીમાં બિહાર વિકાસના પાટા પર બુલેટ ટ્રેનની ગતિથી ચાલશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments