Team Chabuk-Gujarat Desk: 2021ની વસ્તી ગણતરીની તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ તેમાં હજુ સુધી OBC વર્ગની માગને સમાવવામાં નથી આવી. જેથી OBC એકતા પરિષદ દરેક જિલ્લાઓમાં કલેક્ટર કચેરીએ આવેદન આપી રહ્યું છે.
કોરોનાના કારણે 2021માં થનારી વસ્તી ગણતરી પાછી ઠેલવાય તેવું લાગી રહ્યું છે. પરંતુ આગામી વસ્તી ગણતરી પહેલા OBC વર્ગ દરેક જિલ્લામાં કલેક્ટરને આવેદન પત્ર આપી રહ્યો છે. OBC એકતા પરિષદ જાતિવાર જનગણના કરવાની માગ કરી રહ્યો છે. જેથી સમાજના વિકાસ અને સરકારી યોજનાઓના લાભ દરેક લોકોને મળી શકે. સાથે OBC વર્ગના ભવિષ્ય માટે રોડ મેપ પણ તૈયાર થઈ શકે.
આજ દિન સુધી નથી થઈ OBCની જાતિવાર ગણતરી
OBC એકતા પરિષદનું કહેવું છે કે, દેશમાં જનગણના અધિનિયમના કાયદા મુજબ શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઈબલ તેમજ ધાર્મિક લઘુમતિની જનગણના કરવામાં આવે છે. પરંતુ દેશમાં સૌથી વધુ OBC સમુદાયની વસ્તી હોવા છતા આજ સુધી OBCની જાતિવાર જનગણના નથી કરવામાં આવી. મંડલ કમિશનના રિપોર્ટમાં પણ OBCની જનગણના કરવી જોઈએ તેવી ભલામણ કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી તેનો અમલ થયો નથી.

સુપ્રીમ કોર્ટે પણ મુક્યો છે વિશેષ ભાર
OBC એકતા પરિષદે કહ્યું કે, 2021ની થનારી વસ્તી ગણતરીના ફોર્મમાં OBCનું અલગ કોલમ ન હોવાથી સમાજના આગેવાનો આવેદનપત્ર આપી જાતિવાર જનગણના કરવા માગ કરી રહ્યા છે. નામદાર સુપ્રીમ કોર્ટે પણ OBCની જનગણના ઉપર વિશેષ ભાર મૂક્યો છે. એટલું જ નહીં રાજનાથસિંહ અગાઉ ગૃહમંત્રી હતા ત્યારે તેમણે પણ સંસદમાં જાતિવાર જનગણના કરવાની ખાતરી આપી હતી. છતા આગામી વસ્તી ગણતરીના ફોર્મમાં OBCની અલગ કોલમ નથી ઉમેરવામાં આવી.
OBCની જાતિવાર જનગણનાની માગ શા માટે ઉઠી ?
0BC એકતા પરિષદે કહ્યું કે, દેશમાં સૌથી વધુ OBC સમુદાયની વસ્તી છે. પરંતુ તેના ચોક્કસ આંકડા ન હોવાથી ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. નક્કર આંકડાકીય માહિતી ન હોવાથી બજેટમાં પર્યાપ્ત જોગવાઈ નથી થઈ શકતી. જેના કારણે OBC વર્ગના લોકોનો યોગ્ય વિકાસ નથી થઈ શકતો. OBCની કેટલી વસ્તી છે તેના આંકડા ન હોવાથી ભવિષ્યનું પ્લાનિંગ પણ યોગ્ય રીતે નથી થઈ શકતું. એટલા માટે જાતિવાર જનગણનાની માગ કરવામાં આવી છે.

જાતિવાર જનગણનાથી શું ફાયદા થશે ?
0BC એકતા પરિષદે કહ્યું કે, કોઈ પણ જાતિની સંખ્યા કેટલી છે તેના આધારે જ તમામ યોજનાઓ અને પ્લાનિંગ બનતા હોય છે. ત્યારે OBCની જાતિવાર જનગણના થશે તો OBC સમાજના વિકાસ માટે પણ નક્કર પ્લાનિંગ થઈ શકશે. બજેટમાં પણ OBC માટે ખાસ જોગવાઈ કરવામાં સરકારને સરળતા રહેશે. સાથે OBC સમાજના દરેક લોકો સુધી લાભ પહોંચાડવામાં પણ સફળતા મળશે. નીતિ પંચ પણ OBCની વસ્તીના સત્તાવાર આંકડા ના હોવાથી યોજના નથી ઘડી શકતું. જેથી જાતિવાર જનગણનાથી નીતિ પંચને પણ નક્કર આયોજન કરવામાં સરળતા રહેશે.
શું છે OBC એકતા પરિષદનો આગળનો પ્લાન ?
OBC એકતા પરિષદ સમાજના લોકોને તેના હક્ક પ્રત્યે જાગૃત કરી રહ્યું છે. સાથે તંત્રને રજૂઆત કરી યોજનાના લાભ તમામ લોકો સુધી પહોંચી શકે તેના માટેના પ્રયાસ કરી રહ્યું છે. લોકસંપર્ક અને સભા, સંમેલનથી લોકોને માર્ગદર્શન આપી રહ્યું છે. સાથે દરેક જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપી OBCની જાતિવાર જનગણનાની માગ કરી રહ્યા છે.
વાસ્તવિક આંકડા વગર વિકાસ કેવી રીતે થાય
OBC એકતા પરિષદનું કહેવું છે કે, યોજનાઓ બને છે પરંતુ સાચા આંકડા ન હોય તો તે યોજનાઓ કારગર સાબિત નથી થતી.આવું જ કંઈક OBC વર્ગ સાથે થઈ રહ્યું છે. OBCની વસ્તીના વાસ્તવિક આંકડા ન હોવાથી સાચી સ્થિતિનો ચિતાર નથી મળતો. કોના સુધી લાભ પહોંચે છે અને કોની કેવી સ્થિતિ છે તે અંગે સાચા આંકડાથી ખબર પડી શકે. જેથી જાતિવાર જનગણના OBCની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે ખુબ જ ઉપયોગી બનશે.
રાજધાની દિલ્હીમાં પણ કરી ચુક્યા છે રજૂઆત
OBC એકતા પરિષદે કહ્યું કે, તેઓ નવી દિલ્હી ખાતે ગુજરાતમાંથી જ નહીં સમગ્ર દેશમાંથી OBC સમાજના પ્રતિનિધિઓ એકઠા થયા હતા અને રેલી તેમજ પ્રદર્શનો કરી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને આ અંગે રજૂઆત કરી હતી.
હાલ ગુજરાતમાં OBC એકતા પરિષદના સ્થાપક વેરસીભાઇ ગઢવીની આગેવાનીમાં દરેક જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, દેશના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઓબીસીની જનગણના કરવાની માગ કરી ચુક્યા છે. જેથી સરકાર આગામી જનગણનાના ફોર્મમાં OBC માટે અલગ કોલમ બનાવી જાતિવાર ગણતરી કરે તેવી રજૂઆત કરી રહ્યા છીએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત