ઝાલાવાડી જલજીરા: આ વાતથી પેનિક ન થઈ જતા. શ્વાસ અદ્ધર ન કરી લેતા. દંડો હાથમાં ન લઈ લેતા, કારણ કે આ તો બસ લેખ જ છે. બાકી હોળી થોડી અપશુકનિયાળ હોય. હોળી રંગોનો તહેવાર છે. આપણા બધાનો તહેવાર છે. બોલિવુડનો ખાસ તહેવાર છે, કારણ કે હોળીના સમયે ફિલ્મને રિલીઝ કરવામાં આવે તો પહેલાથી એકાદ હોળીનું ગીત ઉમેરી દેવામાં આવે. જેથી તહેવારનો તહેવાર પણ સચવાઈ જાય અને ઓડિયન્સને મેકર્સે સમય સાચવી લીધા જેવું લાગે પણ ખરું. કોરોનામાં તો ક્યાં ફિલ્મનાં નેઠા છે. હવે તો હોળીનું ગીત ઉતારવું પણ મોંઘુ પડી જાય. એક ને કોરોના હોય ને ક્યાંક બધાયને…
હોળીની વાત આવે એટલે આપણને સૌ પ્રથમ ગબ્બર સિંહ યાદ આવે. તેણે કાલિયા સહિતના તેના બે સાગીર્દોને ભડાકે દીધા પછી પૂછેલું કે ક્યારે છે હોળી ? હોળી તો હોળીના દિવસે જ હોયને! રંગોની નહીં પણ લોહીની હોળી રમવા માટે ગબ્બર તૈયાર થાય છે અને જાય છે. ગજબ ખેલ ખેલાય છે. શોલેની હોળીની ભલે શુભ શરૂઆત થઈ હોય પણ તેનો અંત અપશુકનિયાળ સાબિત થાય છે.
ડર ફિલ્મમાં જુહી ચાવલા અને સન્ની દેઓલ ધ ન્યૂ કપલ અંગ સે અંગ લગાના ગીત ગાતા હોય છે. એકબીજાને મનભરીને રંગ લગાવતા હોય છે. ઢોલ શાહરૂખ ખાન વગાડતો હોય છે. એમાં ગીત પૂર્ણ થતા સન્ની દેઓલને શાહરૂખ ખાનની પાછળ દોડવું પડે છે. ખુશીની અને રંગોની હોળી અપશુકનમાં ફેરવાઈ ગઈ. અક્ષય કુમાર ટોયલેટ એક પ્રેમકથા ફિલ્મમાં સંડાસ માટે રિસાઈને ગયેલી પત્નીને રિજવવા માટે હોળીનું ગીત ગાઈ છે. મોહે લઠ્ઠ માર. નાયિકા નાયકને રોષે ભરાઈને ઢીબી પણ નાખે છે. અહીંયા પણ શુકન નથી દેખાતું.
ક્યાંય એવું બોલિવુડમાં થયું છે કે હોળીને પ્રેમ સાથે ન જોડવામાં આવે. મોટાભાગે તો દિગ્દર્શકો કરતાં જ નથી. બાગબાનમાં અમિતાભ અને હેમા માલિનીની વચ્ચે સિકવન્સ રાખી દીધી. હોલી ખેલે રઘુબીરા. અક્ષય અને પ્રિયંકા ચોપરા વચ્ચે ડુ મી અ ફેવર લેટ્સ પ્લે હોલી, તો એમાં પણ પ્રેમ છે. અક્ષય કુમાર અને હુમા કુરૈશી વચ્ચે ગો પાગલમાં પણ પ્રેમ છે. અરે આ અક્ષય કુમારે બધી ફિલ્મો હોળીમાં જ કરી લાગે છે!
કટિ પતંગમાં રાજેશ ખન્ના આજના છોડેંગે ગીત ગાઈ નાયિકાને ગમે તે ભોગે રંગેથી રંગી દેવા માગે છે. આપ કિ કસમમાં જય જય શિવશંકર ગીત ગાઈ રાજેશ ખન્ના અને મુમતાઝ હોળી રમે છે. હોળી રમવા કરતા ભાંગ વધારે પીવે છે. શાહરૂખ ખાનની જ મહોબ્બતેમાં પણ ધડાધડ અહીંથી ત્યાં પ્રેમ ચાલી રહ્યો છે. કોઈ રિસાયું છે, કોઈ પ્રેમથી રમી રહ્યું છે, કોઈની પ્રિયતમા કોઈ બીજા સાથે પ્રણયના ફાગ ખેલી રહી છે.
રામલીલામાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લહુ મૂ લગ ગયાથી એકબીજાની સામે પ્રેમની અભિવ્યક્તિ કરે છે. મંગલ પાંડેમાં આવી જ કેમેસ્ટ્રી આમિર ખાન અને રાણી મુખર્જીની હોય છે. બલમ પિચકારીમાં રણબીર અને દીપિકાની હોય છે. રાંઝણામાં સોનમ ધનુષને પ્રેમથી રંગ લગાડે છે.
અર્થાત્ હોળી એ બોલિવુડમાં કોઈ દિવસ પ્રેમ વગર સંભવ નથી બનતી. હોળીનું ગીત પૂર્ણ થયા પછી નાયિકાના પિતાને ભાંગ ચડી જાય અને નાયિકાને ખેંચીને ઘરે લઈ જાય, અને આખી ફિલ્મમાં નાયક અને નાયિકા ભેગા જ ન થાય તો ઠીક છે. બાકી હોળીનું એક ગીત તો પ્રેમી પંખીડાએ સાથે રમવાનું જ. યુગલોએ એકબીજાને રંગ ઉડાવવાના.
હિન્દી સિનેમામાં હોળી આ છે. પ્રેમનું ગીત હોય તો દીલ, જીગર, નજર, ઈશ્ક, મહોબ્બત જેવા શબ્દો આવવા જ જોઈએ તેવી જૂની મીથનો હમણાં છેક આપણે ભાંગીને ભૂક્કો કર્યો તેમ હોળીના ગીતો માત્ર બે યુગલોના નહીં પણ બધાના બને તેવું પણ કંઈક વિચારીએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત