Homeતાપણુંરાજકોટ મનપા ચૂંટણીઃ ચારેય મત મહિલા ઉમેદવારોને જ આપવા પાટીદાર મહિલા આગેવાનની...

રાજકોટ મનપા ચૂંટણીઃ ચારેય મત મહિલા ઉમેદવારોને જ આપવા પાટીદાર મહિલા આગેવાનની અપીલ

Team Chabuk Political Desk: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ટિકિટ વહેંચણીને લઈને થયેલા નાના-મોટા વિવાદો બાદ હવે દરેક સમાજ, દરેક વર્ગ પોતપોતાનું વર્ચસ્વ સાબિત કરવા મહેનત કરી રહ્યા છે. ચૂંટણીમાં મહિલાઓને પણ સમાન હક મળવો જોઈએ તેવી માગ ભવિષ્યમાં ઉઠી છે અને વર્તમાનમાં પણ ઉઠી રહી છે. ત્યારે રાજકોટના મહિલા આગેવાન એવા શર્મીલાબેન બાંભણીયાએ મહિલા ઉમેદવારોને જીતાડવા માટે રણશિંગુ ફૂંક્યું છે.

શર્મીલાબેન બાંભણિયાના નામનો એક મેસેજ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેમાં મહિલા અને પુરુષ મતદારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તમારા વોર્ડમાં મહિલા ઉમેદવારોને જ જીતાડવા. કોઈપણ પાર્ટીનું ન વિચારી માત્ર મહિલા ઉમેદવારોને જ મત આપવા પર આ મેસેજમાં ભાર મૂકવામાં આવ્યો છે. શર્મીલાબેન બાંભણિયાના નામથી આ મેસેજ હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે ફેલાઈ રહ્યો છે.

શું છે મેસેજ

રાજકોટના મહિલા આગેવાન શર્મીલાબેન બાંભણિયાએ સોશિયલ મીડિયામાં એક મેસેજ વહેતો કર્યો છે. મેસેજમાં શર્મીલાબેન બાંભણિયાના નામથી લખવામાં આવ્યું છે કે, દરેક બહેનો વોર્ડ જોવે, તેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી આપણે ટોટલ 4 મત આપવાના હોય કોઈપણ ચાર તાકાતવાળી બહેનો પસંદ કરો અને તેને મત આપો. આખા રાજકોટમાં મહિલા તાકાતની ખબર પડશે. આવું દરેક બહેનો ઓટલા પરિષદમાં પણ બધાને કહે અને જો ભાઈઓ પણ આપણને મદદ કરે તો ખરેખર ચારમાંથી ચારે ચાર કોર્પોરેટરો મહિલા આવે અને રાજકોટ કોર્પોરેશનમાં જે ચાર-પાંચ ભાઈઓ બધી દાદાગીરી ચલાવે છે બંધ થાય. કરપ્શન ઘટે અને સમાજ વ્યવસ્થા હેલ્ધી બને- શર્મીલાબેન બાંભણિયા

શર્મીલાબેન બાંભણિયાએ આ મેસેજ અનેક મતદારોને એમાંય ખાસ કરીને મહિલાઓને મોકલ્યો છે. અને મેસેજ વડે તેઓ કહેવા માગે છે કે પક્ષને ભૂલીને તાકાતવાળી મહિલાઓને મત આપો. પુરુષ ઉમેદવારોની જગ્યાએ મહિલાઓનું વર્ચસ્વ મનપામાં વધારો. શર્મીલાબેન બાંભણિયા રાજકોટ કોર્પોરેશનમાં ચાર-પાંચ ભાઈઓ દાદાગીરી ચલાવતા હોવાનું પણ કહી રહ્યા છે. શર્મીલાબેન બાંભણિયાના આ મેસેજથી હાલ રાજકારણમાં ગણગણાટ શરૂ થયો છે.

મહિલાઓને ટિકિટ આપવાની કરી હતી વાત

રાજકોટના પાટીદાર આગેવાન એવા શર્મીલાબેન બાંભણિયાએ ટિકિટ વહેંચણી પહેલાં પણ મહિલાઓને ટિકિટ આપવાની માગ કરી હતી. શર્મીલાબેને તમામ પાર્ટીઓના પ્રદેશ પ્રમુખ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સુધી ટ્વિટ કર્યા હતા. જેમાં શર્મીલાબેને કહ્યું હતું કે, 50 ટકા મહિલા અનામત આપી મહિલા સશક્તિકરણ કરવા માંગતા હોય તો સક્ષમ મહિલાને ટિકિટ આપવી જોઈએ, ન કે આગેવાન ભાઈઓની પત્નીને. શર્મીલાબેનનું કહેવું છે કે સશક્ત મહિલાઓની જગ્યાએ આગેવાન કે કાર્યકરોની પત્નીને ટિકિટ આપી દેવામાં આવે છે અને ચૂંટાયા બાદ વહીવટ તેઓના પતિ કરતાં હોય છે. ત્યારે આવું ન કરીને જે સશક્ત મહિલા હોય તેઓને જ ટિકિટ આપવામાં આવે.

કેટલી મહિલાઓને મળી છે ટિકિટ

રાજકોટમાં મહાનગર પાલિકામાં કુલ 18 વોર્ડની 72 બેઠક માટે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે રાજકોટ મનપાની ચૂંટણીને લઈને ભાજપે જાહેર કરેલા કુલ 72 ઉમેદવારોમાં 36 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. એટલે કે ભાજપે 50 ટકા મહિલાઓને રાજકોટ મનપાની ચૂંટણી માટે ટિકિટ આપી છે. ભાજપે રાજકોટ મનપાના તમામ 18 વોર્ડમાં બે પુરુષ ઉમેદવાર અને 2 મહિલા ઉમેદવાર જાહેર કરીને સંતુલન જાળવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments