Homeગુર્જર નગરીહાઈકોર્ટ ટકોર કરે પછી જ સરકાર નિર્ણયો લે છે એ ફરી સાબિત...

હાઈકોર્ટ ટકોર કરે પછી જ સરકાર નિર્ણયો લે છે એ ફરી સાબિત થયું

Team Chabuk-Gujarat Desk: સોમવારનો દિવસ સરકાર માટે અઘરો દિવસ બની રહ્યો. એક તરફ આજે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 6 હજારથી ઉપર કોરોનાના કેસ નોંધાતા સરકારની ચિંતા વધી ગઈ. જ્યારે બીજી તરફ બપોરે ગુજરાત હાઈકોર્ટે અનેક મુદ્દે સરકારની ઝાટકણી કાઢી, વિજય રૂપાણી સરકારને અનેક સૂચનો પણ કર્યા અને સરકાર હરકતમાં આવી ગઈ. હાઈકોર્ટે કરેલા અવલોકન અને સૂચનો બાદ સરકારે તેને અનુસરીને કેટલાક આકરા નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ થઈને ગુજરાતની જનતા સમક્ષ આ નિયમોનું ફરમાન કર્યું છે.

લગ્નમાં 50 લોકોને જ છૂટ

વિજય રૂપાણીએ જાહેર કરેલા આકરા નિયમોમાં સૌથી મોટો નિયમ લગ્નમાં માણસોની છૂટનો છે. અત્યાર સુધી 100 લોકોને લગ્ન સામરોહમાં છૂટ આપવામાં આવી હતી પરંતુ વિજય રૂપાણીએ કહ્યું કે 14 એપ્રિલથી રાજ્યમાં યોજાતા લગ્ન સમારોહમાં માત્ર 50 લોકો જ હાજર રહી શકશે. 50થી વધારે હશે તો તેઓની સામે પગલાં ભરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી જેના લગ્ન નજીક છે તે પરિવારજનોમાં મૂંઝવણ ઉભી થઈ છે. ઘણા પરિવારજનોએ તો આમંત્રણ પણ પાઠવી દીધા છે ત્યારે અચાનક સરકારે 50 લોકોની લિમિટ કરી દેતા ચિંતા વધી ગઈ છે.

જાહેરમાં તહેવારો ઉજવવા પર પ્રતિબંધ

લગ્ન બાદ બીજો નિર્ણય લેતા વિજય રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં એપ્રિલ મે સુધીના તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે જેવા તમામ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

દરેક દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર નથીઃ મુખ્યમંત્રી

રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે દરરોજ લોકો દોડધામ કરી રહ્યા છે ત્યારે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ‘રેમડેસિવિર ઇન્જેક્શન દરેક કોરોનાના દર્દી માટે નથી. ડોક્ટરો અને તજજ્ઞોએ પણ કીધું છે કે જેમને કો-મોર્બિડીટી છે અથવા તો શ્વાસની તકલીફ થાય છે તેમના માટે આ આવશ્યક છે. તેથી ઇન્જેક્શનની અછત હોવાથી સરકારે પણ પ્રાયોરિટી નક્કી કરી છે. ડોક્ટર પણ બિનજરૂરી રેમડેસિવિર ઇન્જેક્શનનું પ્રિસક્રિપ્શન ન લખે.’

મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘છેલ્લા 15 દિવસમાં 15 હજારથી વધુ બેડ ઉભા કર્યા છે. અમદાવાદમાં હાલ 11 હજાર બેડ કાર્યરત છે. આવનારા પાંચ-દસ દિવસમાં 750 બેડ નર્સિંગ હોસ્પિટલોમાં ઉભા કરવાના છીએ. અમદાવાદની વીએસ અને એલજી હોસ્પિટલમાં પણ 400 થી 450 બેડ ઉભા કરવાના છીએ.’ મુખ્યમંત્રીએ એવી પણ વાત કરી હતી કે, ‘જો કલ્પના કરો કે આજથી 15 દિવસ પહેલા અમદાવાદમાં આટલા બેડ ન હોત અને જો આટલા કેસ આવ્યા હોત તો લોકો ક્યાં જાત. સરકારે કર્યું છે માટે દર્દીઓને બેડ મળ્યા છે.’

હાઈકોર્ટની આ ટકોર સરકારે માની

ગુજરાત હાઈકોર્ટે આજે સુઓમોટો પર કરેલી સુનાવણીમાં સરકારને સરખી રીતે ઝાટકી હતી અને ઘણી બધી ટકોર કરી હતી. ગુજરાત હાઈકોર્ટની આ ટકોર બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેટલાક આકરા નિર્ણયો જાહેર કર્યા છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, લગ્ન સમારોહમાં 100 લોકોની મંજૂરીને ઘટાડવી જોઈએ. જેથી સરકારે હવે 100 લોકોની મંજૂરીની ઘટાડીને 50 કરી દીધી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે ઓફિસોમાં પણ સ્ટાફ ઘટાડી શકાય. જેથી મુખ્યમંત્રીએ પણ જાહેર કર્યું કે તમામ ઓફિસોમાં સ્ટાફ 50 ટકા કરી દેવામાં આવે. તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવા પણ હાઈકોર્ટે ટકોર કરી હતી જે બાદ હવે સરકારે પણ તમામ કાર્યક્રમ અને તહેવારની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે. આમ હાઈકોર્ટની ટકોર બાદ સરકાર જાગી છે અને આકરા નિયમો લાદવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી રૂપાણીએ એમ પણ કહ્યું કે, સરકારના દરેક વિભાગના કર્મચારીઓએ કામગીરી કરી છે. ઘણા કર્મચારીઓ અને અધિકારીઓ કોરોનાગ્રસ્ત પણ થયા છે. કેટલાકના મૃત્યુ પણ થયા છે. સરકાર દ્વારા કરાયેલી કામગીરીની એફિડેવિટ 14 એપ્રિલે સુનાવણી દરમિયાન રજૂ કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments