Team Chabuk-Gujarat Desk: દેશભરમાં કોરોનાની બીજી લહેરે ભરડો લીધો છે. દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. હોસ્પિટલો ફૂલ થઈ રહી છે. રોજ ટપોટપ માણસો જીવ ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ગીર સોમનાથની વેરાવળ નગરપાલિકા અને વેપારી એસોસિએશને સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય લીધો હતો. જો કે, વેપારીઓનો મત લીધા વગર જ કરેલા આ નિર્ણયનો ફિયાસ્કો થઈ ગયો છે. લૉકડાઉનના નિર્ણય વિરૂદ્ધ વેપારીઓએ દુકાન શરૂ રાખી હતી અને રાબેતા મુજબ જ ધંધો કર્યો હતો.
વેપારીઓએ દુકાન ખુલ્લી રાખી
કોરોના સંક્રમણ અટકવવા વેરાવળ નગરપાલિકા અને વેપારી એસોસિએશને નિર્ણય કર્યો હતો કે, વેરાવળ શહેરમાં સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. સાંજે પાંચ વાગ્યા પછી વેપારીઓએ સ્વૈચ્છાએ દુકાનો બંધ કરવાની રહશે. જો કે, નક્કી કરેલા સમય બાદ પણ નાના વેપારીઓએ દુકાન ખુલ્લી રાખી ધંધો ચાલુ રાખ્યો હતો. નાના વેપારીઓનું કહેવું છે કે, ભાડે અથવા લોન પર લીધેલી દુકાનો હવે બંધ રાખીશું તો મોટો ફટકો પડશે. માટે અમને સોશિયલ ડિસ્ટંસિંગ સાથે વેપાર કરવા દેવામાં આવે.

“ફરી લૉકડાઉન પોષાય તેમ નથી”
વેરાવળમાં આવેલા સટ્ટા બજારમાં સાડીના વેપારી સાથે વાતચીત કરતા તેઓઓ જણાવ્યું કે, અમારે ગત વર્ષના લૉકડાઉન બાદ હજુ માંડ થોડો ધંધો વ્યવસ્થિત ચાલી રહ્યો છે. એવામાં હવે ફરીથી લૉકડાઉન સહન કરવાની સ્થિતિ અમારી નથી. જો દુકાન બંધ કરવાનો વારો આવે તો લોન પર લીધેલી આ દુકાનનો મહિનાનો 1.25 લાખ રૂપિયાનો હપ્તો કોણ ભરશે ? શું એના માટે પાલિકા કે એસોસિએશન મદદ કરશે ?
બસ સ્ટેન્ડ રોડ પર દુકાનો ખુલ્લી રહી
આ તરફ વેરાવળ શહેરના બસ સ્ટેન્ડ રોડ પર આવેલી દુકાનો તેમજ અન્ય બજારોમાં પણ ખુલ્લી જોવા મળી હતી. અહીના વેપારીઓએ પણ દુકાનો ખુલ્લી રાખીને પાલિકા અને વેપારી એસોસિએશનના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
વેપારીઓએ ઠાલવ્યો રોષ
કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહી દીધુ કે, ચૂંટણીની રેલીઓ બેફામ કરી ત્યારે નેતાઓને કોરોના ન નડ્યો. હવે સ્થિતિ આપણી સામે છે અને તેનો ભોગ નાના વેપારીઓનો બનવું પડી રહ્યું છે.

મત-ભેદ દૂર થશે ?
બીજી તરફ કેટલાક વેપારીઓએ દુકાનો બંધ રાખી પાલિકા અને વેપારી એસોસિએશનના નિર્ણયનું સમર્થન પણ કર્યું હતું. આમ, એક જ બજારમાં લૉકડાઉનના નિર્ણય અંગે મત-ભેદ પણ સર્જાયો છે. હવે આગામી સમયમાં વેપારી એસોસિએશન અને નાના વેપારી વચ્ચે વિવાદ વધુ વકરે તેવી પણ શક્યતા છે.
સંક્રમણ ઓછું થાય તે પણ જરૂરી
વેરાવળ શહેરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તે વાસ્તવિકતા છે. આજે વેરાવળમાં વધુ 12 કેસ નોધાયા છે. જ્યારે 15 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. છેલ્લા અઠવાડિયાથી શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સ્થિતી એવી છે કે , કોવિડ હોસ્પિટલ ફૂલ થઈ ગઈ છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં 50થી 60 હજાર રૂપિયા વસૂલી રહી છે. આવી સ્થિતિમાં કોરોનાની ચેઈન તુટે અને સંક્રમણ ઓછું થાય તે પણ જરૂરી છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ