Homeગુર્જર નગરીવિશ્વ ચેર સંરક્ષણ દિવસ: આ છે ખારા પાણી અને કાદવિયા જમીનમાં...

વિશ્વ ચેર સંરક્ષણ દિવસ: આ છે ખારા પાણી અને કાદવિયા જમીનમાં ઉગતી એક માત્ર વૃક્ષ પ્રજાતિ

Team Chabuk-Gujarat Desk: મધ્ય ગુજરાતના કે ગીર જેવા જંગલોમાં સાગ,મહુડો,બહેડો, કલમ જેવા ઇમારતી કે બળતણ ઉપયોગી, ગૌણ વન પેદાશો આપતાં અનેક પ્રકારના વૃક્ષો ઊગે છે.જ્યારે દરિયા કાંઠાની મુખ્યત્વે છાજલી વાળી,ખારા પાણી અને દલ દલ ધરાવતી જમીનમાં એક માત્ર મેંગ્રૌવ એટલે કે ચેર નામની વનસ્પતિ પ્રજાતિ ઉછરી શકે છે.ગુજરાત ખૂબ લાંબો દરિયા કિનારો ધરાવે છે અને આ ચેરના જંગલો દરિયા કાંઠાના રક્ષણમાં ઢાલ કે કવચનું કામ કરે છે. તે દરિયાઈ જીવ સૃષ્ટિ અને યાયાવર પક્ષીઓ માટે ઘોડિયાઘર નું કામ કરે છે.દરિયા ના તોફાની મોજા થી થતું કાંઠાનું ધોવાણ અટકાવે છે. સુનામી કે દરિયાઈ આફતો સામે રક્ષણ દીવાલ ની ગરજ સારે છે.

એટલે દરિયા કાંઠા અને સજીવ સૃષ્ટિના રક્ષણ માટે ખૂબ અગત્યના ચેરના જંગલોની સુરક્ષાની જાગૃતિ કેળવવા, તેમાં લોક સહયોગ જોડવા અને લોકોને તેની અગત્યતા અને અમુલ્યતા સમજાવવા દર વર્ષે ૨૬મી જુલાઇના રોજ ઇન્ટરનેશનલ ડે ફોર ધી કંઝરવેસન ઓફ ધી મેન્ગ્રૌવ ઇકો સિસ્ટમ એટલે કે વિશ્વ ચેર સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે. આજે આ દિવસે ગુજરાતીમાં તંવર તરીકે પણ ઓળખાતી આ ખૂબ અગત્યની દરિયાઈ વનસ્પતિના રક્ષણ માટે સંકલ્પબદ્ધ બનવું જરૂરી છે.સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનો દ્વારા યુનેસ્કોના માધ્યમથી ૨૬મી જુલાઇના રોજ તેની ઉજવણી ૨૦૧૬થી કરવામાં આવી રહી છે.આ વર્ષે સોમવાર તા.૨૬મી જુલાઇના રોજ વિશ્વ ચેર સંરક્ષણ દિવસ કેર અવર અર્થ એટલે કે આપણી ધરતી માતાની કાળજી લઈએના હાર્દ રૂપ વિષય હેઠળ ઉજવાયો.

ચેરના જંગલો દેખાવમાં ભવ્ય હોય છે અને દરિયા કાંઠાને લીલી આભા આપે છે. વિશ્વના કુલ જંગલોના માત્ર ૦.૪ ટકા વિસ્તારમાં આવેલા, દરિયા કાંઠાના આ સંરક્ષક જંગલો જળ વાયુ પરિવર્તન અટકાવવામાં ખૂબ ઉપયોગી છે એવો નિષ્ણાતોનો મત છે. આણંદ જિલ્લાના, ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ચેર જોવા મળે છે અને ઉછેરના પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે.

વન વિભાગ અને ગુજરાત ઇકોલોજી કમિશન જેવી સંસ્થાઓએ દરિયા કાંઠાની જમીનોમાં ચેરના ઉછેરના પ્રોજેક્ટ હાથ પર લીધા છે એવી જાણકારી આપતાં સુરતના નાયબ વન સંરક્ષક પુનિત નૈયરે જણાવ્યું કે, સુરતના દરિયા કાંઠાના વિસ્તારોમાં અંદાજે સાત હજાર હેક્ટરમાં ચેરનો ઉછેર હાથ ધરવામાં આવ્યો છે. વન વિભાગે છેલ્લા ઘણાં વર્ષોથી ચેર ઉછેર અને સંરક્ષણની યોજનાઓ અમલમાં મૂકી છે જેના સારા પરિણામો મળ્યાં છે અને આ કામમાં લોક ભાગીદારી જોડી શકાઇ છે.

ભારત સરકારના ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દર બે વર્ષે ચેરના જંગલોના ઉછેરમાં મળેલી સફળતાનું આકલન કરવામાં આવે છે. અને તેમાં ગુજરાતમાં સારો વિકાસ થયો છે એવી નોંધ લેવાઈ છે. રાજ્યનો વન વિભાગ તેને લગતી બુકલેટ પણ પ્રકાશિત કરે છે.તેમણે જણાવ્યું કે એક નવી પહેલના રૂપમાં સુરત વિભાગમાં ઉદ્યોગોના સહયોગથી પી.પી.પી.મોડેલ હેઠળ લગભગ અઢી હજાર હેકટર કાંઠા વિસ્તારની જમીનમાં ચેરના વાવેતર અને ઉછેરનો પ્રોજેક્ટ ગ્રામ કક્ષાએ સમિતિઓ બનાવીને વન વિભાગના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે.વર્કશોપ,સેમિનાર યોજીને, ગ્રામ પર્યાવરણ સમિતિઓના માધ્યમથી ચેરના વાવેતર,ઉછેર અને સંરક્ષણની લોક જાગૃત્તિ કેળવવામાં આવી રહી છે.

દરિયા કાંઠાના પાણીમાં ઓટલા બેડ બનાવીને ચેર ઉછેરવામાં આવે છે. આ ઉછરેલા ચેરના બીજ ઓટના જળ પ્રવાહની સાથે દરિયામાં જાય છે.એટલે દરિયા તરફ નવા વૃક્ષો આપો આપ ઊગે છે અને વધે છે. એવો અંદાજ છે કે દર વર્ષે ૫ થી ૭ ટકા રિજનરેસન થાય છે.એટલે ચેર ના વાવેતર,ઉછેર અને સંરક્ષણમાં લોકો સહભાગી બને તો રક્ષા કવચ જેવું આ જંગલ ઝડપ થી વિકસે છે.ચેરનું અદભૂત સૌન્દર્ય માણવું હોય તો કચ્છના સિરિક્રિકની ખાડીમાં અથવા અંદામાનના પોર્ટ બ્લેરથી લગભગ ૬ કલાકના અંતરે આવેલી લાઇમ કેવ કે ચૂનાની ગુફાઓનો હોડી પ્રવાસ કરવો જોઈએ.

ચેરના જંગલો અને તેને આધારિત ઇકો સિસ્ટમ અદભૂત,ભવ્ય,વિશેષ અને થોડા નુકશાન થી જોખમમાં મુકાય તેવી નાજુક છે.ભારતમાં પશ્ચિમ બંગાળ પછી ગુજરાત આ ચેર જંગલોની સારી એવી સંપદા ધરાવે છે. ગુજરાતમાં કચ્છમાં તે સહુથી વધુ પ્રમાણમાં છે. સુરતના કાંઠે એવિસેના મરીના અને સંલગ્ન પ્રજાતિઓ જોવા મળે છે.દરિયાકાંઠા માટે આ વનસ્પતિ સુરક્ષા કવચનું કામ કરે છે. ધરતી પરના જંગલો જેટલા જ અગત્યના આ દરિયાઈ જંગલો છે જેની સાચવણી ખૂબ જરૂરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments