Homeગુર્જર નગરીરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, હજુ પણ ભારે વરસાદના પગલે...

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, હજુ પણ ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં અષાઢ અને શ્રાવણ મહિનામાં વરસાદની જે ઘટ હતી તે હવે પૂર્ણ થતી દેખાઈ રહી છે. ભાદરવા મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ મેઘરાજા મહેરબાન થતાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ સારા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 226 તાલુકમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં 10 ઈંચ ખાબક્યો છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વદુ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો, જિલ્લાના માણાવદરમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. માંગરોળમાં 7 ઈંચ, વંથલીમાં 6.5 ઈંચ વરસાદ, વિસાવદર અને માળિયામાં 5-5 ઈંચ, કેશોદમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સારો વરસાદ પડ્યો છે. દ્વારકામાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે અને ભાણવડમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પોરબંદર જિલ્લાના કુતિયાણા અને રાજકોટ જિલ્લાના ગોંડલમાં પોણા 6 ઈંચ વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના બાબરામાં 5 ઈંચ અને ખાંભામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના કડાણામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 17 તાલુકામાં 4 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 34 તાલુકામાં 3 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજ્યના 54 તાલુકામાં 2 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 101 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આજે ગુરુવારે પડેલા વરસાદની વાત કરીએ તો, રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના લાલપુરમાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

ઝોન પ્રમાણે અત્યાર સુધીના વરસાદની સ્થિતિ

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ જોઈએ તો કચ્છમાં અત્યારસુધીમાં 249 મિ.મી. (56.18 ટકા), ઉત્તર ગુજરાતમાં 325 મિ.મી. (44.93 ટકા), મધ્ય ગુજરાતમાં 388 મિ.મી. (48.12 ટકા), સૌરાષ્ટ્રમાં 426 મિ.મી. (60.87), જ્યારે દક્ષિણ ગુજરાતમાં 443.31 મિ.મી. (52.78 ટકા) વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં અત્યારસુધી સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં સિઝનનો કુલ 474.68 મિ.મી. (56.51 ટકા) વરસાદ થયો છે.

તંત્ર એલર્ટ

રાજ્યમાં હજુ પણ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લામાં, મધ્ય ગુજરાતના વડોદરા, ખેડા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડ જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે, જેથી અગમચેતીનાં પગલાંરૂપે રાહત બચાવકાર્ય અંગે જરૂર પડે NDRF અને SDRFની ટીમો આ જિલ્લાઓમાં એલર્ટ રહે એ અંગે સૂચના આપવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments