Homeગુર્જર નગરીપ્રસૂતિ વોર્ડના ચારે તરફ ભરાયેલા પાણી વચ્ચે સતત ત્રણ દિવસ ફરજ બજાવનાર...

પ્રસૂતિ વોર્ડના ચારે તરફ ભરાયેલા પાણી વચ્ચે સતત ત્રણ દિવસ ફરજ બજાવનાર ભાનુ સિસ્ટરની રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે પસંદગી

Team Chabuk-Gujarat Desk: સયાજી હોસ્પિટલ અને ખાસ કરીને સ્ત્રીરોગ અને પ્રસૂતિ વિભાગમાં દર્દીઓ અને સ્ટાફમાં તેઓ ભાનુ સિસ્ટરના હુલામણા નામે જાણીતાં છે.તેમનું આખું નામ ભાનુમતી સોમાભાઈ ઘીવાલા છે. ભારતીય ઉપચર્યા પરિષદ એટલે કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલે નર્સિંગ ના ક્ષેત્રમાં પદમશ્રી ગણાય તેવા, 2020ના ફ્લોરેન્સ નાઇટિંગેલ રાષ્ટ્રીય એવોર્ડ માટે તેમની પસંદગી કરી છે. જેનાથી સયાજી હોસ્પિટલ અને આખા ગુજરાતના નર્સિંગ પરિવારનું ગૌરવ વધ્યું છે.

નર્સિંગ પ્રોફેશનના આદ્ય સ્થપાક ગણાય તેવા અને જેમને આખી દુનિયા દયાની દેવી કે લેડી વિથ ધી લેમ્પના નામે ઓળખે છે તેવા ફ્લોરેન્સ નાઈટિંગેલનું નામ જેની સાથે જોડાયેલું છે તેવો આ એવોર્ડ કરુણા અને માનવતા,સહૃદયતા અને સંવેદનાથી મઘમઘતી સમર્પિત દર્દી સેવા માટે આપવામાં આવે છે. તેની પસંદગી રાષ્ટ્રીય સ્તરે થાય છે. ભાનુબેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગની તાલીમ પૂરી કરીને રાજ્યની આરોગ્ય સેવામાં રાપરથી કારકિર્દી શરૂ કરી હતી. તે પછી પાલનપુર અને વર્ષ 2000થી વડોદરામાં સેવા આપી રહ્યાં છે. ચંદીગઢમાં ગાયનેક નર્સિંગની વિશેષ તાલીમ મેળવી

તેમણે સરકારી આરોગ્ય સેવામાં રહીને ચંદીગઢમાં ગાયનેક નર્સિંગની વિશેષ તાલીમ મેળવી છે અને તે પછી એન.પી.એમ.ની લાયકાત પ્રાપ્ત કરી છે. તેમની પ્રસુતિને લગતી નર્સિંગ સેવાઓમાં નિપુણતા સલામત પ્રસૂતિ અને માતા અને નવજાત શિશુની સ્નેહ સાથે સારસંભાળ લેવાની ધગશને પગલે તેમને મોટેભાગે લેબર રૂમની ફરજો સોંપવામાં આવે છે. તેઓ કહે છે કે આ એક એવી ફરજ છે જે તબીબો, નર્સિંગ અને સહાયક સ્ટાફના સંપૂર્ણ સંકલન અને સહયોગ થી સફળ થાય છે. સયાજીમાં અમે એક ટીમ તરીકે કાર્ય કરીને અઘરામાં અઘરી પ્રસૂતિ અને બાળ સંભાળના પડકારોનો સફળ સામનો કરી શકીએ છે.

અલ્ટરનેટીવ બર્થિગ પોઝિશનની તાલીમ મેળવી

ભાનુબેન જણાવે છે કે, અમે મનમાં દૃઢ થઈ ગયેલી પરંપરાગત રીતે પ્રસૂતિ કરાવતા. આગે સે ચલી આતીની પ્રથાને અનુસરતા.જો કે 2019માં અલ્ટરનેટિવ બર્થિંગ પોઝિશનની તાલીમ લીધા પછી સગર્ભા/ પ્રસૂતાને ચલાવવી, બેસાડવી, લિકવિડ ખોરાક આપવો, કસરત કરાવવી જેવી બાબતોને અમારી કામગીરીમાં વણી લીધી છે.

પ્રસૂતિ વોર્ડના ચારે તરફ ભરાયેલા પાણી વચ્ચે સતત ત્રણ દિવસ ફરજ બજાવી

બે વર્ષ અગાઉ વિશ્વામિત્રીમાં આવેલા ઘોડાપૂર વખતે વોર્ડની ચારે તરફ પાણી ફરી વળ્યા હતા. મગરોને ફરતા જોઈ શકાતા.તે વખતે સતત ત્રણ દિવસ રેસિડેન્ટ તબીબો અને સહાયક સ્ટાફ સાથે બજાવેલી ફરજો આજે પણ યાદ આવે છે.

પ્રથમ કોરોનાગ્રસ્ત સગર્ભાની પ્રસૂતિ

સયાજી હોસ્પિટલમાં કોરોનાથી ચેપગ્રસ્ત પ્રથમ સગર્ભાની પ્રસૂતિની પડકારજનક કામગીરી સાથે તેઓ જોડાયેલા હતા. તે સમયે આ રોગ અંગે આખા રુક્મિણી ચેનાની પ્રસૂતિ ગૃહમાં ભયની લાગણી વ્યાપેલી હતી. માતા અને નવજાત બાળકને અલગ રાખવા પડ્યા ત્યારે માતાનું કલ્પાંત જોઈને ભાનુબેનનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેઓ બીજા દિવસે વહેલા હોસ્પિટલ પહોંચી ગયાં NICUમાં રાખવામાં આવેલા બાળકનો વrડિયો ઉતારી,માતાને મોબાઈલ કરી તેને આશ્વસ્ત કરી હતી. આ ઘટના પછી તેમણે સામે ચાલીને પ્રસુતાઓ માટેના કોરોના વોર્ડમાં ફરજો માંગી લીધી હતી.

ભાનુબેન અઠવાડિયાના 6 દિવસની સરકારી ફરજો પછી રવિવારે રામકૃષ્ણ મિશનના સેવક તરીકે કલાલી કેન્દ્રમાં ત્રણ કલાક બાળ આરોગ્ય સંભાળની સેવાઓ આપે છે. આમ,તેઓ લગભગ સપ્તાહના સાતેય દિવસ દર્દીઓની પરિચર્યામાં વ્યસ્ત રહેવાની સાથે પારિવારિક સારસંભાળની કાળજી સુપેરે લે છે.

ભાનુબેને કોરોનાથી જરાય ડર્યા વગર કોરોના કાળમાં જે ફરજો અદા કરી તેની પ્રશંસા કરતાં વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે, કોરોના સંક્રમિત સગર્ભાની સામાન્ય પ્રસૂતિ હોય કે સિઝરિયન હોય,પ્રસૂતિ પહેલા ચેપ લાગ્યો હોય કે પ્રસૂતિ પછી કોરોના થયો હોય, ભાનુબેને આવી માતાઓ અને તેમના બાળકોની સારસંભાળ લીધી છે. તેમની કોરોના વિભાગમાં ફરજ હોય કે ના હોય તેમણે દિવસમાં ઓછામાં ઓછું  એકવાર તો આ લોકોની ભાળ લીધી જ છે.

તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે તેમની આ એવોર્ડ માટે પસંદગીને સયાજી હોસ્પિટલ પરિવાર માટે ગૌરવપૂર્ણ ગણાવી છે. દર્દી સેવા માટેની તેમની આ કર્તવ્ય નિષ્ઠાની ઉપરોક્ત એવોર્ડ દ્વારા કદર થઈ છે. નર્સિંગ એવો વ્યવસાય છે જેમાં દર્દીઓના હિતમાં જરૂરી કડકાઈ અને શિસ્તનો આગ્રહ રાખીને ફૂલ જેવી કોમળતા સાથે કામ કરવું અને એ રીતે દર્દીનો વિશ્વાસ જીતવો જરૂરી છે. તેઓ આ તમામ કસોટીમાં ખરા ઉતર્યા છે અને આ પ્રતિષ્ઠિત એવોર્ડને પાત્ર બન્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments