Homeગુર્જર નગરીસુરતઃ ઓક્સિજનની અછત વચ્ચે આશીર્વાદરૂપ બનશે આ પ્લાન્ટ

સુરતઃ ઓક્સિજનની અછત વચ્ચે આશીર્વાદરૂપ બનશે આ પ્લાન્ટ

Team Chabuk-Gujarat Desk: કોરોનાની બીજી લહેરમાં ચારે તરફ મોતનું તાંડવ દેખાય રહ્યું છે. ઓક્સિજન વગર દર્દીઓ તરફડી રહ્યા છે અને દર્દીના સગાઓ ઓક્સિજનની વ્યવસ્થા કરવા દિવસ રાત રઝળપાટ કરી રહ્યા છે. હોસ્પિટલોમાં પણ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. હવે તો સરકારી હોસ્પિટલ પણ કહી રહી છે કે અમને તંત્ર પાસેથી ઓક્સિજનનો પૂરતો જથ્થો મળતો નથી તેથી જો દર્દીને કંઈ થાય તો અમારી જવાબદારી નહીં. આ ઓક્સિજનની અછતની વચ્ચે સુરત સિવિલ હોસ્પિટલમાંથી એક સારા સમાચાર આવ્યા છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં હવામાંથી ઓક્સિજન મેળવીને સીધો જ દર્દીને આપવાનો પ્લાન્ટ શરૂ થઈ ગયો છે. દરરોજ 2 થી 3 ટન ઓક્સિજન દર્દીઓને સપ્લાય કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં હાલ આવા સ્વીન્ગ એડઝોપશન ટેકનોલોજીના આધારે પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં એર કમ્પ્રેશરની મદદથી હવાને એક ટેન્કમાં ભરવામાં આવે છે અને ફિલ્ટરેશન ટેન્કમાં આ હવામાંથી ઓક્સિજન જુદો પાડવામાં આવે છે. આ અલગ કરાયેલા  ઓક્સિજનને પાઇપ લાઇન મારફતે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને આપવામાં આવે આવે છે. આ પ્લાન્ટ દ્વારા દર મિનિટ બે હજાર લીટર અને દર 24 કલાકે 2 થી 3 ટન જેટલો ઓક્સિજન તૈયાર થાય છે.

કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં આવા 33 પ્લાન્ટ શરૂ કર્યા છે. આગામી મે મહિનાના અંત સુધીમાં બીજા 50 જેટલા પ્લાન્ટ કાર્યરત કરવાનું સરકારનું આયોજન છે. જો કે, હાલ સુરત સિવિલમાં રોજ 55 થી 60 ટન ઓક્સિજનની જરૂર છે જેની સામે આ પ્લાન્ટ ખુબ ઓછી જરૂરિયાત પૂરી પાડે છે. પરંતુ સારી વાત એ છે કે, ઓક્સિજન સિલિન્ડરના બદલામાં મેડિકલ ક્ષેત્રે એક નવો વિકલ્પ ઉભો થયો છે. આ પ્લાન્ટમાં ડેવલમેન્ટ કરીને વધુ એક્સિજન ઉત્પન્ન થઈ શકે તેવું પણ ભવિષ્યમાં આયોજન થઈ શકે છે.

આમ હવે સુરત સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થતાં દર્દીઓને અને તેમના પરિવારજનોને મદદની આશા બંધાઈ છે. પહેલાં જે અછત વર્તાતી હતી તેમાં થોડી ઘણી રાહત જોવા મળશે. આ પ્લાન્ટ શરૂ થતાં ઘણા દર્દીઓને આસાનીથી ઓક્સિજન પૂરો પાડી શકાશે. હોસ્પિટલ તંત્રને પણ આ પ્લાન્ટ શરૂ થવાથી ઓક્સિજનની અછતમાંથી મુક્તિ મળશે. હાલના સમયે વધુને વધુ અને ઝડપથી આવા ઓક્સિજન પ્લાન્ટ શરૂ થાય તેવી લોક માંગ પણ ઉઠી રહી છે. ઘણા નાના શહેરોમાં કે ગામડાઓમાં દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે ત્યારે મોટા શહેરો તરફ દોટ મૂકવી પડતી હોય છે. તેથી જો આવા ઓક્સિજન પ્લાન્ટ નાના શહેરો અને ગામડાઓમાં શરૂ થાય તો ઘણી રાહત મળી શકે એમ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments