Homeગુર્જર નગરીકોરોનામાં જે ગામડામાં શક્ય બને છે એ શહેરોમાં કેમ નથી બની શકતું...

કોરોનામાં જે ગામડામાં શક્ય બને છે એ શહેરોમાં કેમ નથી બની શકતું ?

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોનાએ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. હવે સ્ટેડિયમમાં એકત્રિત થયેલી ભીડ કે પછી ચૂંટણીના કારણે કોરોના ફેલાયો તેવા આક્ષેપ અને પ્રતિઆક્ષેપના દિવસોનો વીટો વાળી અંધારીયા કૂવામાં નાખી દેવાનો સમય પાકી ગયો છે. ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા 20 શહેરોમાં રાતના 8થી સવારના 6 સુધી રાત્રી કરફ્યૂ લાદવાની વાત ઉચ્ચારવામાં આવી. ઘણા લોકોએ આ વાતને વધાવી, મોટાભાગના લોકો એવા રહ્યા જેમને રાત્રી કરફ્યૂમાંથી કોઈ ઉકેલ નથી મળી રહ્યો. જોકે રાત્રી કરફ્યૂથી ફાયદો થાય છે કે નહીં તેનો ખ્યાલ તો ભવિષ્યમાં આવશે.

આ વચ્ચે ગામડાઓ ફરી એક વખત ગાંધીજીની વાતને યથાર્થ સિદ્ધ કરી રહ્યા છે કે, ‘સાચું ભારત એ ગામડાઓમાં વસવાટ કરે છે. ભારત દેશ ગામડાઓમાં વસે છે.’ ગામડાઓમાં ઓછી સંખ્યા એ એમની મૂડી છે. ઓછી સંખ્યા હોવાના કારણે કોરોના વ્યાપક પ્રમાણમાં ફેલાતો પણ નથી ઉપરથી સોશિયલ ડિસ્ટન્સ આપમેળે જ થઈ જાય છે. મોટાભાગના લોકો તો ખેતરનું જ કામ કરતા હોય એટલે એક આખા ખેતરમાં તો કેટલા વ્યક્તિઓ? ઉપરથી શહેરમાં કામ હોય ત્યારે જ જવાનું. હવે તો જોકે બધું મોબાઈલમાં જ આવી ગયું છે એટલે પહેલાની માફક વારંવાર શહેરના ધક્કા ખાવા નથી પડતા.

કેટલાક ગામડાઓએ કરેલા લોકડાઉનની વાત માંડીએ તો ભોગાત ગામમાં બપોરના એક વાગ્યા બાદ નિરવ શાંતિ સર્જાય જાય છે. ટાંચણી પડે એટલો પણ અવાજ નહીં! કલ્યાણપુરા ગામની વસતિ આઠેક હજાર જેટલી. અહીં કોરોનાના 15 કેસોએ દેખા દેતા ગામને સ્વયંભૂ બંધ કરી દેવાની ફરજ પડી. ઉપરથી આ નિર્ણય ગ્રામજનો દ્વારા જ લેવામાં આવ્યો હતો. નંદાણા ગામમાં પણ બપોરના એક વાગ્યા સુધી જ બજારો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જોડિયા તાલુકાના જસાપર ગામે પણ અગિયારથી ચાર જ દુકાનો ખુલ્લી રાખવામાં આવે છે. ત્યારબાદ સ્વૈચ્છિક બંધ પાળી દેવામાં આવે છે. જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળવું. બહાર ટોળે વળીને ન બેસવું. આવું ગામના લોકો જ સમજી ગયા છે.

સૌરાષ્ટ્રના જામનગરમાં મોટીબાણુગાર ગામમાં એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. જૂનાગઢના ટીકર અને ધંધૂસર ગામમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દેવામાં આવેલ હતું. ભૂજના સાંઅઘોઘા નામના ગામે ગ્રામપંચાયત દ્વારા 13 દિવસના આંશિક લોકડાઉનની જાહેરાત કરી હતી.

આ તો માત્ર નાની અમથી ઝલક છે પણ કોરોનાદૈત્યની સામે બે બે હાથ કરવા માટે ગુજરાતના ગામડાઓ સજ્જ બન્યા છે. ગત્ત વર્ષની વાત અલગ હતી. મોટાભાગના ગામડાઓમાં કોરોના પહોંચ્યો જ નહોતો, પણ નવી લહેર ભયજનક બનતા કોરોના હવે ગામડાઓને પણ ખૂંદી વળ્યો છે.

શહેરોમાં આ સિસ્ટમ લાગુ નથી કરી શકાતી કારણ કે ત્યાંની વસતિ પ્રમાણમાં વધારે છે અને લોકોની રોજગારી પર પણ મોટો સવાલ છે. નાઈટ કરફ્યૂના કારણે ઘણાનાં ધંધા રોજગાર ભાંગી પડ્યા છે. કંઈ કેટલાય રસ્તે આવી ગયા છે. આવી બધી પરિસ્થિતિઓ સામે પણ લડવાનું હોય છે. નાઈટ કરફ્યૂના કારણે જેમના ધંધા ભાંગી પડ્યા તેમનું આક્રંદ કરતાં દૃશ્યો સોશિયલ મીડિયામાં સૌએ જોયા જ હશે. શહેરની વાત જ અલગ છે. ગામડામાં વસતિનું પ્રમાણ ઓછું અને એકબીજાની સમજણના કારણે કેટલેક અંશે આવા આંશિક લોકડાઉન શક્ય બને છે. આવી મહામારીઓ સામે વસતિ ઓછી અને સમજણ વધુ તેમ જંગ તુરંત જીતો. જેમ કે ન્યુઝીલેન્ડ દેશ 48 લાખની જ વસતિ ધરાવે છે. ઉપરથી તેણે સમયસસર પગલાં પણ લીધા. સામે ભારત અને ચીન કરતાં પણ જેની વસતિ ઓછી છે તેમણે સમયસર પગલાં ન લીધા ત્યારે તેમનો કચ્ચરઘાણ નીકળી ગયો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments