Homeવિશેષજેમ્સ મનરો : જેને મરી ગયેલા બે રાષ્ટ્રપતિઓ બોલાવવા આવેલા

જેમ્સ મનરો : જેને મરી ગયેલા બે રાષ્ટ્રપતિઓ બોલાવવા આવેલા

એક અઠંગ રાજકારણીનો શીષ્ય ગુરૂના રસ્તે ચાલી યુવા રાજકારણી બન્યો. ગુરૂએ તેને બધુ શીખવાડ્યું હતું. એક દિવસ મંચ સ્થાનેથી જનતાને સંબોધન કર્યા પછી તે પત્રકારો સાથે વાતચીત કરવા, હકીકતે કેટલાક વિવાદિત નિવેદનો આપી સમાચારોમાં ચમકવા માટે ગયો. પત્રકારોએ તેને પૂછ્યું, ‘તમારા ગુરૂ ચાલીસ વર્ષ સુધી રાજકારણમાં સક્રિય રહ્યાં. શું તમે તમારા ગુરૂ પાસેથી કંઈ શીખ્યા છો ? અને તેમના જ માર્ગદર્શન તળે ચાલશો ?’

‘ના, એમના જેટલી નીચ કક્ષાનો હું નથી બનવા માગતો, મારું તો લક્ષ્ય જ અલગ છે.’

જેમ્સ મનરો પણ અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ થોમસ જેફરસનનો કાયદાનો વિદ્યાર્થી હતો. જેફરસનને કાયદામાં રસ નહોતો અને મનરોને તેની પાસે ભણવામાં રસ નહોતો. જેફરસનને ભણાવવું ન ગમતું એટલે તે રાષ્ટ્રપતિ બન્યો અને જેમ્સને ભણવું ન ગમતું એટલે તે પોતાના કાયદાના ગુરૂની જેમ રાષ્ટ્રપતિ બન્યો. ખરેખર રાજકારણની પોસ્ટ ભણેલા વ્યક્તિઓ માટે છે જ નહીં. ભણવા કરતાં રાજકારણી બની જવાય, જેનો ફાયદો એ કે ભવિષ્યમાં અઢળક ડિગ્રીઓ તમને મળી શકે.

સ્પેન્સ મુનરો નામના ખેડૂત કમ સુથારનો દીકરો પહેલાથી જાણતો હતો કે હું ભણવામાં ખાસ કંઈ ઉકાળી નહીં શકું એટલે તેણે 16 વર્ષની વયે જ ભણવાનું છોડી દીધેલું. નક્કી તે ક્લાસમાં તોફાની હોવો જોઈએ, કારણ કે તે અભ્યાસ છોડતો હતો ત્યારે તેનો કોઈ માસ્તર તેને રોકવા નહોતો આવ્યો. વિદ્યાર્થીઓ પણ તે જાય એમાં જ ક્લાસની ભલાઈ માનતા હતા.  

જેમ્સ 18 વર્ષનો હતો ત્યારે લ્યુટેનન્ટ બની ગયેલો. ડેલવારા નદીની નજીક તેને મોકલવામાં આવ્યો હતો. સૌમ્ય જોશીના પ્રતિષ્ઠિત મુક્તકની લીટી છે, ‘એક નદી મારા સુધી આવી અને ફંટાઈ ગઈ.’ આમ જીવનમાં ઘણી વસ્તુઓ મુનરોની નજીક આવી ફંટાઈ જતી. એક વખત ગોળી વાગતા વાગતા ફંટાઈ ગઈ અને તે મરતા મરતા બચી ગયો.

યુદ્ધ કૌશલ્યમાં તે માહિરી હતો. ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને પેન્સિલવેન્યામાં તેણે ઘણા દુશ્મનોનું કાસળ કાઢી નાખ્યું હતું. પેન્સિલવેન્યામાં તે હતો ત્યારે તેની બહાદુરીનું ગાણું થોમસ જેફરસનના કાને પડ્યું. થોમસ તેનાથી પ્રભાવિત થયો અને તેને ચૂંટણી લડવાની ટિકિટ મળી ગઈ.

બંધારણ ઘડાયું ત્યારે જેમ્સ વિરોધ કરવામાં આગલી હરોળમાં હતો. તેણે ઘણી વખત પૂર્વ રાષ્ટ્રપતિ મેડિસનને લોકોની હાજરી વચ્ચે ચર્ચા કરવાનો પડકાર પણ ફેંકેલો. પણ તે જેટલી વખત પડકાર ફેંકતો એટલી વખત હારી જતો હતો. હારી ગયા પછી તે અને મેડિસન બંન્ને હસી ખુશી મિત્રોની જેમ વાતો કરતાં હતા. પણ રાજકારણમાં બધા મિત્ર નથી હોતા. તેનો પ્રિય શત્રુ પ્રથમ રાષ્ટ્રપતિ શ્રીમાન જ્યોર્જ વોશિંગ્ટન જ હતો. જેણે એક વખત જેમ્સને તેની લાલિયાવાડીના કારણે પદચ્યુત કરી દીધેલો. આ કારણે જ તે થોમસ જેફરસનનો માનીતો બન્યો. ભલે તેણે તેની પાસેથી કાયદાનું જ્ઞાન ઢંગપૂર્વક ન મેળવ્યું, પણ રાજકારણમાં સૂરાપૂરા કેવી રીતે થવાય તે જેફરસને તેને બરાબરનું શીખવી દીધું હતું.

જ્યોર્જ વોશિંગ્ટને તેની નિમણૂંક ફ્રાન્સ અને બ્રિટનમાં કરી હતી. જેથી તે અમેરિકાના તેમની સાથે સંબંધ વિકસાવી શકે. એ ગાળામાં ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે યુદ્ધ ચાલતું હતું. બંન્ને વચ્ચે બાપે માર્યા વેર. જ્યાં હવે બોલવું ઉચિત ન હતું. તો પણ જેમ્સે સારું કામ કર્યું. કામ કરતાં કરતાં તેણે એવો પલીતો ચાપી દીધો કે અમેરિકા અને બ્રિટનના વાણિજ્ય સંબંધોમાં ખટાશ ઉમેરાય ગઈ. જ્યોર્જ વોશિંગ્ટનને આ પસંદ ન આવ્યું. તેણે સાસુમા બની જેમ્સ નામની વણમાગી વહુને પદ પરથી નિલંબિત કરી દીધી.

તેને પાછો ફ્રાન્સ મોકલવા માટે થોમસ જેફરસન દિવસ રાત એક કરવા લાગેલો. આ વાતની જ્યોર્જ વોશિંગ્ટનના જાસૂસોને પણ ખબર પડી ગયેલી કે થોમસ જેફરસન તેના શિષ્ય જેમ્સને પરત લાવવા માગે છે. તેણે જેમ્સને વર્જીનિયાનો ગવર્નર બનાવી દીધો. જેથી વોશિંગ્ટનની પોલિટિકલ કરિયરમાં જેમ્સને પરત ફરવાની એક તક મળી જાય. પણ તકને હડપવાની કાબેલિયત પણ આવડવી જોઈએ.

એને ફરી ફ્રાન્સનો કારભાર સોંપવામાં આવ્યો. એ ઉંદર હતો જ્યાં જતો ત્યાં ફરી એકવાર આટો મારી આવતો. તેના ખબરીઓએ તેને કહ્યું કે વિશ્વ વિજેતા નેપોલિયન બોનાપાર્ટ કેટલીક જમીન વેચવા માગે છે. તમારે જોતી હોય તો બોલો. 15 મિલિયન ડોલર થશે.

જેમ્સ મુનરો ગુપ્તચરની આ વાત સાંભળી ખુશ થઈ ગયો પણ પંદર મિલિયન ડોલર, એ પણ 1800ની સાલમાં હાજા ગગડાવી નાખે. પંદર મિલિયન સાંભળી તેને થોડી ક્ષણો માટે ચક્કર આવી ગયા. નેપોલિયને વેચવા કાઢેલી જમીનમાં લ્યુસિયાના, મિસિસિપી નદી, રોકી પહાડી અને મેક્સિકોની ગલ્ફનો સમાવેશ થતો હતો જે આજે કેનડા તરીકે સુવિખ્યાત છે. ખાંડ, ભુકી, દૂધ જેવા પ્રદેશો હતા જે ગમે તેને જોઈએ જ. જેમ્સે લાગવગ લગાવીને લ્યુસિયાના ખરીદી લીધું ને તેની દાળ ગળી ગઈ. કહેવાય છે કે એ દિવસે જ જ્યોર્જ વોશિંગ્ટનનો વધુ એક દાંત તૂટી પડેલો.

જેમ્સ મુનરો રાષ્ટ્રપતિ બન્યો અને એવો પ્રથમ રાષ્ટ્રપતિ બન્યો જેણે જનતા વચ્ચે જઈ વક્તવ્ય આપ્યું હોય અને શપથગ્રહણ કર્યા હોય. મારા ખ્યાલથી તો બ્રિટને અમેરિકામાં કરેલા હુમલાથી કદાચ તેને જનતાની વચ્ચે જઈ ભાષણ આપવું પડ્યું હશે અને ભૂખ્યા સિંહને હરણ શોધતા ભેંસ મળી ગઈ જેવો ઘાટ ઘડાયો હશે. રાજકારણીઓને પણ ત્યારે ખબર પડી કે પ્રેસિડેન્ટ તરીકે તમે લડતા હો તો જનતાની વચ્ચે જઈ બોલવાથી લોકપ્રિયતાની સડકનું નિર્માણ થાય છે.

રાષ્ટ્રપતિ બન્યા પછી બિચારો જેમ્સ વ્હાઈટ હાઉસ પણ ન જઈ શક્યો, કારણ કે તે ધ્વંસ થઈ ગયું હતું. તેને વોશિંગ્ટનની એક ગલીમાં રહેવું પડ્યું. વ્હાઈટ હાઉસ તૈયાર થયું ત્યાર સુધીમાં બે વર્ષ પેલી સાંકડી ગલીમાં જ નીકળી ગયા.

વિસ્તારવાદી રાષ્ટ્રપતિ તરીકે જેમ્સની ગણના થાય છે. નેપોલિયન પાસેથી લીધેલી જમીનથી તેના મગજમાં એક ખીલ્લો ઠોકાઈ ગયો હતો કે વધારે જમીન લઈ અમેરિકાનો વિસ્તાર બૃહદ કરવામાં આવે.

તેણે 5 મિલિયન ડોલરમાં ફ્લોરિડાની આસપાસની જમીન ખરીદી લીધી અને અમેરિકામાં ભેળવી દીધી. લોકોએ પણ ફ્લોરિડામાં જમીન ખરીદવા માટે દોટ મુકી. બેંકો ખૂબ ઊંચા વ્યાજદરે પૈસા આપતી હતી અને એ પૈસાથી સટોડિયાઓ લોકોને લૂંટતા હતા. ફ્લોરિડા અને તેની આસપાસની જમીનમાં વસવાટ કરવા માટે લોકો પોતાનો જીવ દાવ પર લગાવવા તૈયાર થયેલા. બેંકો લોકોને સમજાવતી ન હતી પણ વ્યાજના ચક્કરમાં મરાવતી હતી. જેના પરિણામે ભીષણ મંદી આવી ગઈ. અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર ઠપ્પ થઈ ગયો. મંદીનું આ વિષચક્ર ચાર વર્ષ સુધી ચાલ્યું.

તેના કાર્યકાળ દરમિયાન ઉત્તરના લોકોથી તે પ્રભાવિત થયો પણ દક્ષિણના લોકોએ તેનું માથુ પકાવી નાખ્યું. ઉતરના લોકોએ ગુલામી પ્રથા પર પ્રતિબંધ લાદી દીધો પણ દક્ષિણના લોકો તેને હજુ ચાલુ રાખવા માગતા હતા. 1818માં મિસૌરી સ્વતંત્ર રાજ્ય બનવા માગતું હતું પણ દક્ષિણ અમેરિકા કહેતું હતું કે તેને ગુલામ રાજ્ય ઘોષિત કરવું જોઈએ. જેમ્સે મિસૌરીને સ્વતંત્ર ગુલામ રાજ્ય ઘોષિત કર્યું. જેમાં બંને તરફથી માન સચવાય જાય. મિસૌરીને સ્વતંત્ર કરતાં જ અન્ય રાજ્યો તરફથી પણ માગો વધવા માંડી અને જેમ્સને ઉનાળામાં શરદી થઈ ગઈ.

જેમ્સ પાસેથી કામ કઢાવી શકાય છે આમ માની ને જ ઘણાએ તેને ફરી મત આપી રાષ્ટ્રપતિ બનાવી દીધો. બીજી ટર્મમાં ચૂંટાતા તેણે અમેરિકામાં ઓછું અને અમેરિકાની વિદેશનીતિ પર વધારે ધ્યાન આપ્યું. હવે તે અનુભવી બની ચૂક્યો હતો. પ્રથમ ટર્મ કરતાં તેની બીજી ટર્મ સારી રહી અને લોકોમાં પણ તે ચહીતો બન્યો. રાષ્ટ્રપતિ તરીકે વર્જીનિયામાં થોડો સમય કામ કર્યું અને પછી નિવૃત થયો. તેને થયું કે હવે પત્ની સાથે થોડું જીવન પસાર કરું, પણ વિધાતાને મંજૂર નહોતું. 1830માં ઈશ્વરે તેની પત્ની છીનવી લીધી.

પત્નીના મૃત્યુ પછી તે દીકરી પાસે રહેવા ન્યૂયોર્ક ચાલ્યો ગયો અને એક દિવસ થોમસ જેફરસન અને જ્હોન એડમ્સના વાવળ આવ્યા. જેમ્સ એ દિવસે જ ગુજરી ગયો જે દિવસે જેફરસન અને એડમ્સ ગુજરી ગયા હતા. જુલાઈ 4… ફક્ત ઈસવીસનનો ફર્ક પડ્યો, 1831. તેને તેના વતન વર્જીનિયામાં અંતિમ વિદાય આપવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments