Team Chabuk-Gujarat Desk: સૂરજના તેવર બદલાયા છે અને અંગ દઝાડતી દાહક ગરમી જિલ્લામાં વરસી રહી છે. પાકી ડામરાઉ સડકો પર બપોરની બળબળતી ગરમીમાં મૃગજળના રેલા ઉતરવાના શરૂ થઈ ગયાં છે. વસંતનો ગ્રીષ્મ તરફનો પ્રવાસ રમ્ય નહીં આકરો રહેવાના એંધાણ છે. તેવા સમયે વડોદરા જિલ્લાના કર્મયોગી ખેડૂતોએ પરસેવાના રેલા વહાવીને ખેતરોમાં વિવિધ ઉનાળુ પાકો, ઘાસચારો અને શાકભાજીનું વાવેતર શરૂ કરી દીધું છે. તેના પગલે દઝાડતા તાપના કહેર વચ્ચે ખેતરો છૂટાછવાયા હરિયાળા ટાપુઓ જેવા દેખાઈ રહ્યાં છે.

વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ ૨૫૩૭૨ હેકટર જમીનમાં વિવિધ ઉનાળું પાકોનું વાવેતર થયું હતું તેવી જાણકારી આપતાં જિલ્લાના નાયબ ખેતી નિયામક નીતિન વસાવાએ જણાવ્યું કે આ વર્ષે પણ ઉપલબ્ધ જળ સ્ત્રોતો ના આધારે ઉનાળું પાકોનું વાવેતર ખેડૂતોએ શરૂ કરી દીધું છે અને અત્યાર સુધીમાં ૧૦૦૦૪ (દશ હજાર ચાર) હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે જે ક્રમશઃ વધવાની શક્યતા છે. વઢવાણા તળાવ અને નર્મદાના પાણીના પ્રતાપે જિલ્લામાં ૧૫૦૦ હેકટર જમીનમાં ઉનાળુ ડાંગરનું વાવેતર થયું છે તેવી જાણકારી આપતાં તેમણે કહ્યું કે આ પૈકી ડભોઇ તાલુકામાં ૧૦૩૧ હેકટર, વાઘોડિયામાં ૪૯૮ હેકટર તેમજ સાવલી અને વડોદરા તાલુકામાં ડાંગર વવાઈ છે.

જ્યારે તમામ તાલુકાઓમાં થઈને ૧૮૭૨ હેક્ટરમાં બાજરી પકવવામાં આવી રહી છે, જેમાં પાદરા તાલુકામાં ૮૭૮ હેકટર, સાવલીમાં ૨૯૨ હેકટર અને વાઘોડિયામાં ૨૩૫ હેક્ટરનો સમાવેશ થાય છે. જિલ્લામાં કરજણ એવો તાલુકો છે જ્યાં બાજરી,મકાઈ, મગ,અડદ,મગફળી,તલ,શેરડી અને શાકભાજીનું વિવિધતાભર્યું વાવેતર થયું છે અને આ તાલુકામાં બારમાસી બાગાયત પણ જોવા મળે છે. જિલ્લામાં ઉનાળુ મકાઈના ૯૨ હેકટર જેટલા વાવેતર પૈકી ૮૨ હેકટર કરજણમાં છે.કરજણમાં ૫૧ હેક્ટરમાં શેરડી,૦૨ હેક્ટરમાં અડદ,૦૧ હેક્ટરમાં મગફળી વવાઇ છે. તો ડુંગળીનું વાવેતર માત્ર વાઘોડિયા તાલુકામાં ૨૫ હેક્ટરમાં થયું છે.૬ તાલુકાઓમાં ૧૪૦ હેકટર જમીનમાં ઉનાળુ મગનું વાવેતર લહેરાય છે.

ઉનાળામાં પશુધનના નિભાવ માટે લીલો ઘાસચારો અગત્યનો બને છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ૪૨૫૦ હેક્ટરમાં ઘાસચારો વાવવામાં આવ્યો છે. જ્યારે શાકભાજીનું વાવેતર પણ તમામ તાલુકાઓમાં કુલ ૧૯૫૮ હેક્ટરમાં થયું છે, જેમાં શાકવાડી તરીકે જાણીતો પાદરા તાલુકો મોખરે છે. આમ, જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં પાદરામાં ૨૮૧૭,ડભોઇમાં ૨૨૭૪,વાઘોડિયામાં ૧૫૩૯ અને પાદરામાં ૧૩૫૬ જ્યારે બાકીના તાલુકાઓમાં ૧ હજાર હેકટરથી ઓછી જમીનમાં ઉનાળું પાકો લહેરાઈ રહ્યાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત