Homeગુર્જર નગરીકેવડિયાને જોડતી 8 ટ્રેનને લીલીઝંડી, દિવસમાં એક લાખ લોકો આવશેઃ PM

કેવડિયાને જોડતી 8 ટ્રેનને લીલીઝંડી, દિવસમાં એક લાખ લોકો આવશેઃ PM

Team Chabuk-Gujarat Desk: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું ગૌરવ જેને સાપડ્યું છે તેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રત્યે દિવસે ને દિવસે પ્રવાસીઓનું આકર્ષણ વધી રહ્યું છે. નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ હજ્જારોની સંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ સાહેબની સૌથી ઉંચી પ્રતિમા ઉપરાંત પ્રવાસીઓ માટે અન્ય પણ આકર્ષણના સ્થળોનો વિકાસ કરવામાં આવ્યો છે. દેશ અને દુનિયાભરમાંથી પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા હોવાથી હવે રેલવે વિભાગે કેવડિયા સુધીની ટ્રેન શરૂ કરી છે. એ પણ એક બે નહીં પરંતુ કૂલ આઠ જગ્યાએથી ટ્રેન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તમામ આઠ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલીઝંડી આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે દેશના પ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાને ગુજરાતમાં રેલવેને લગતાં અન્ય કેટલાક પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં રેલવે મંત્રી પિયુષ ગોયેલ પણ વર્ચ્યુઅલ રીતે દિલ્હી રેલ ભવનથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

કેવડિયામાં બનેલું દેશનું પ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન

આ સેવાઓ શરૂ થઈ

કેવડિયા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા સાથે જોડતી કુલ 8 ટ્રેનને રવાના કરી હતી. આ ઉપરાંત 18 કિલોમીટરની ડભોઈ-ચાંદોદ ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઈન, 32 કિલોમીટરની ચાંદોદ-કેવડિયા નવી બ્રોડ ગેજ રેલવે લાઈન, 80 કિલોમીટરની પ્રતાપનગર- કેવડિયા નવું વિદ્યુતિકરણ રેલવે ખંડ અને ડભોઈ જંક્શન તથા ચાંદોદ સ્ટેશનની નવી ઈમારતોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કઈ ટ્રેનની શરૂઆત થઈ?

કેવડિયાથી દેશના અલગ અલગ સ્થળો વચ્ચે શરૂ થયેલી કુલ 8 ટ્રેન, કેવડિયાને વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રિવા, ચેન્નઈ અને પ્રતાપનગર સાથે જોડશે. આ ટ્રેનમાં અમુક ટ્રેન દરરોજ ઉપડશે તો અમુક સાપ્તાહિક અને દ્વિ-સાપ્તાહિક ટ્રેન પણ છે. આ 8 ટ્રેન કેવડિયાને દેશના 6 રાજ્ય સાથે જોડશે.

કેવડિયા આવવા-જવા માટે શરૂ થયેલી ટ્રેનના નામ નીચે મુજબ છે                                       

મહામાન એક્સપ્રેસ (સાપ્તાહિક)

કેવડિયાથી ઉપડશે અને વારાણસી પહોંચશે             

દાદર-કેવડિયા એક્સપ્રેસ (દૈનિક)

દાદરથી ઉપડશે અને કેવડિયા પહોંચશે

જનશતાબ્દિ એક્સપ્રેસ (દૈનિક)

અમદાવાદથી ઉપડશે અને કેવડિયા જશે

નિઝામુદ્દીન-કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (દ્વિ સાપ્તાહિક)

કેવડિયાથી ઉપડશે અને હઝરત નિઝામુદ્દીન સુધી જશે

કેવડિયા- રિવા એક્સપ્રેસ (સાપ્તાહિક)

કેવિડયાથી ઉપડશે અને રિવા જશે

ચેન્નાઈ-કેવડિયા એક્સપ્રેસ (સાપ્તાહિક)

ચેન્નાઈથી ઉપડશે અને કેવિડયા પહોંચશે

મેમુ ટ્રેન (દૈનિક)

પ્રતાપનગરથી ઉપડશે અને કેવડિયા પહોંચશે

મેમુ ટ્રેન (દૈનિક)

કેવડિયાથી ઉપડશે અને પ્રતાપનગર જશે

પ્રથમ વખત એક સાથે 8 ટ્રેનને લીલીઝંડી

કેવડિયાને દેશના અલગ અલગ સ્થળો સાથે જોડતી ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી હતી. વડાપ્રધાને કહ્યું કે, ભારતના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બની રહ્યું છે કે એક સાથે 8 ટ્રેનને રવાના કરવામાં આવી હોય. વડાપ્રધાને કહ્યું કે આ ટ્રેનોમાં વિસ્ટા ડોમ સ્ટ્રક્ચરની સુવિધા છે જેથી યાત્રિકો આસપાસનો નજારો જોઈ શકશે.

વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વાત કરતાં કહ્યું કે, કેવડિયા હવે કોઈ નાનુ-મોટુ શહેર નથી રહ્યું. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ વધુ લોકો સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે આવી રહ્યા છે. અત્યાર સુધી 50 લાખ લોકો અહીં આવી ચુક્યા છે. આવનારા દિવસોમાં અહીંયા એક દિવસમાં એક લાખ લોકો પણ આવશે તેવું અનુમાન હોવાનું વડાપ્રધાને કહ્યું. વડાપ્રધાને જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ આ જગ્યાની રૂપરેખા બદલી નાખી છે. આદિવાસીઓને અહીંયા રોજગારી મળી રહી છે.

રેલવે મંત્રી પિયુષ ગોયેલે પણ કહ્યું કે, આ ટ્રેનોની ડિઝાઈન ખૂબ જ શાનદાર છે. આ ટ્રેનોમાં યાત્રા દરમિયાન લોકો મા નર્મદાની આસપાસના મનોરમ્ય દ્રશ્યનો આનંદ લઈ શકશે.

કેવડિયામાં ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશન

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ ગ્રીન બિલ્ડિંગ રેલવે સ્ટેશનનું કેવડિયા ખાતે લોકાર્પણ કર્યું છે. આ રેલવે સ્ટેશન મુસાફરો માટે સ્થાનિક સુવિધાઓ અને આધુનિક સવલતોથી સુંદર રીતે બનાવવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશનને ગ્રીન બિલ્ડિંગનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશનથી નર્મદા નદીના આસપાસના અન્ય ધાર્મિક સ્થળો સાથે પણ જોડાણ વધશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments