Homeસાહિત્યસંદેશમાં કુન્દનિકા બહેનની વાર્તા ‘જવા દઈશું તમને…’ ના ફકરે ફકરા કોપી

સંદેશમાં કુન્દનિકા બહેનની વાર્તા ‘જવા દઈશું તમને…’ ના ફકરે ફકરા કોપી

Team Chabuk-Literature Desk : ભૂલ થાય. કોઈ મોટી વાત નથી. આપણે ઈશ્વર થોડા છીએ. માણસ છીએ. રોબોટને કામે લગાવશો તો રોબોટમાં પણ ખામી આવી જતા એ પણ ભૂલ કરશે. એને બનાવ્યા તો માણસે જ છે! કાળામાથાના માનવીએ.

પણ આટલી મોટી ભૂલ ? માની શકીએ કે સંપાદક દ્વારા મૂળ વાર્તાનો અભ્યાસ કરવામાં નહીં આવ્યો હોય. તેણે વાંચી નહીં હોય. પત્રકારત્વમાં કામ કરનારા દરેક વ્યક્તિ સાહિત્યના અભ્યાસુ નથી હોતા. આ ભૂલ સંદેશ અખબાર કરતા વધારે એ નકલખોર દીપક ચટણીસની છે જેણે કુન્દનિકા બહેન કાપડિયાની ટૂંકી વાર્તા ‘જવા દઈશું તમને’ ની બેઠી કોપી કરી નાખી. ખાલી ફકરામાં શબ્દો ઊંધા ચત્તા કરી નાખ્યા. એક પાત્રની તો ઉંમર પણ નથી બદલી. ટાગોર પણ એમનેમ રાખ્યા છે.

આ અમારે લખવું નહોતું પણ ઉપરા ઉપરી બે વખત બન્યું એટલે લખવું પડે છે. આ જ અઠવાડિયે દિવ્ય ભાસ્કર અખબારના કવિતા કોર્નરમાં કવિ અનિલ ચાવડાની કવિતા અવિશ દવેના નામે છપાઈ ગઈ હતી. આપણને દરેકને કવિતા કંઠસ્થ નથી હોતી. જેથી આવી ભૂલ થવી સ્વાભાવિક છે. કવિતા સુધી તો સમજ્યા આ તો આખેઆખી વાર્તાની નકલ છે.

Sandesh

સંદેશ એક વિશ્વસનીય અખબાર છે. અમે પણ વાંચીએ છીએ. દેવેન્દ્ર પટેલ જેવા પત્રકારોની કટારની અમે પણ રાહ જોઈએ છીએ. તેમની કભી કભીની સોમવારે પ્રતીક્ષા કરતા હોઈએ છીએ. રવિવારે રેડ રોઝમાંથી અમને પણ શીખવા મળે છે. જોકે ભૂલ એ ભૂલ અને કુન્દનિકા બહેન કાપડિયા એ કોઈ નાના સર્જક તો નથી. ગુજરાતી સાહિત્યનું એક મોટું નામ છે. અને ખૂદને લેખકડો ગણતો કોઈ તેમની જ વાર્તાની ઉઠાંતરી કરી ગયો અને સંદેશ જેવા મોટા અખબારની આંખ નીચેથી એ પસાર પણ થઈ ગયું. આપના સ્ટાફમાંથી એક પણ વ્યક્તિ સાહિત્યનો અભ્યાસુ નથી? કોઈએ પ્રૂફ કર્યું જ નહીં?

આજે અહીં નહીં લખીશું તો આવતીકાલે તમને જ કોઈ બીજા સર્જકની વાર્તાની નકલ કરી મોકલશે. લેખકડે એ વાર્તાની કેવી રીતે નકલ કરી છે એ તમને દર્શાવીએ. ખાલી પાત્રોના નામ બદલ્યા છે. ઘણી જગ્યાએ તો પ્રાકૃતિક વર્ણન પણ એક સરખું જ છે. કોઈએ વાર્તા વાંચી હોય પણ યાદ ન હોય છતાં એન્ડ તેને યાદ હોય તો ખડખડાટ હસી જ પડે, કારણ કે નકલમાં અકલ નથી હોતી. અમે તમારી સામે એન્ડનો ફકરો જ રાખી દઈએ છીએ અને દીપક દ્વારા પ્રગટાવવામાં આવેલા રાગનો સ્ક્રિનશોટ પણ…

આ ઓરિજનલ વાર્તામાં કુન્દનિકાબેને લખ્યું હતું એ…

લીમડાની પાછળથી ચંદ્રની શ્વેત કિનારી દેખાઈ. મારિયાએ રૂમની બત્તી ઓલવી નાખી. એકસામટાં ઘણાં ધોળાં ફૂલોથી ડાળીઓ ભરાઈ ગઈ હોય એમ લાગ્યું. તેણે મારિયાનો હાથ પકડી ચંદ્ર તરફ ઇશારો કર્યો… લૂક, શી ઇઝ બિંડિંગ ફેરવેલ…

મારિયાએ તેના કપાળ પર હળવેથી હાથ ફેરવ્યો… મૅ યોર જર્ની બી પીસફુલ.

તેના મોં પર રતૂમડી આભા પથરાઈ રહી.

અને આ કોપી મારેલું… જેમાં તે ગુજરાતીનો અભ્યાસુ હોય તેમ લાગે છે. ગુજરાતીના શબ્દો આમથી તેમ કરી નાખ્યા પણ અંગ્રેજી ન કરી શક્યો. ખાલી વચ્ચે એક શબ્દ ઉમેરી દીધો. ઈટર્નલ.

Copy 1

વાર્તાની શરૂઆતમાં તો તમે પકડી જ ન શકો કે આ વાર્તા ઉઠાંતરી કરેલી છે. વાર્તાના અભ્યાસુ હોય તો તમને ફકરા અને ઘટનાઓ મારફતે ખબર પડી જાય કે આ તો રિમેક પણ નથી. આ તો સીધું રિબુટ છે. વધારે એક નમૂનો જુઓ. પહેલા કુન્દનિકાબેનના ફકરાને જુઓ…

સૌંદર્યની આવી સેંકડો અનુભૂતિઓથી પોતાનું જીવન રચાયું હતું. કોઈ સાંજ વેળાએ તે લીમડા નીચે બેસી રિલ્કેનાં કાવ્યો વાંચતી : ‘વી, ધ વેસ્ટર્સ ઑફ સૉરોઝ… આપણે આપણા શોકને વેડફી નાખીએ છીએ – દુઃખથી છુટકારાની રાહ જોવામાં…’ એનો પતિ ચુપચાપ સાંભળતો. જીવનના આવાગમન પાછળ રહેલા કોઈક મર્મની અલપઝલપ ઝાંખી થતી. દુઃખને એક ગંભીર સમજથી સ્વીકારી શકાતું. વેદનાઓમાં ગુપ્ત રહેલા અર્થને થોડોઘણો પામી શકાતો.

હવે ઉઠાંતરી કરનારના ફકરાને જુઓ… જેમાં તેણે રિલ્કેની લાઈન કાપી નાખી છે. શરૂઆતમાં એકદમ સેમ ટુ સેમ.

copy 4

કુન્દનિકાબેને જ્યાં ઓરિજનલમાં ઉંમર રાખેલી એ જ ઉંમર આ વાર્તામાં પણ છે.

અને હવે એક નવી સ્ત્રી ઘરમાં આવી રહી છે. માંડ ૨૩–૨૪ વર્ષની હશે. દીપંકરે લગ્ન વખતે ફોટા મોકલેલા. પણ ફોટામાંથી ને તેયે લગ્ન સમયના ફોટામાંથી – વ્યક્તિનો પરિચય કેમ મળે? તેને કુતૂહલ હતું. દીપંકરે પસંદ કરેલી એ છોકરી કેવી હશે?

copy 5

હવે વધારે એક ફકરામાં જુઓ. કુન્દનિકાબહેન કાપડિયા વાર્તામાં લખે છે…

‘અજ્ઞાતનો…’ મારિયા ધીમા સ્વરે બોલી, ‘બધું પરિચિત છોડી શૂન્યમાં સરી જવાનો. આર યુ અફ્રેઇડ?…’

હવે નીચે મહાન લેખકને જુઓ….

copy 6

આ ફકરો પણ જુઓ અને નીચેનો લેખકે લખેલા ફકરાનો સ્ક્રિનશોટ પણ જુઓ. અહીં આવ્યા સુધી તો તમને સમજાઈ ગયું હશે કે આ થોડી અમથી નહીં પણ ઘણી બધી મોટી સાહિત્યિક ચોરી છે. આ દાયકાની સૌથી મોટી ચોરી.

મા પાસે બધાં વારાફરતી આવી જતાં. દવા લીધી, મા? ઊંઘ બરોબર આવી હતી ને? રાત કેવી ગઈ? તેઓ મચ્છરદાનીના છેડા સરખા કરતાં, વળેલી ચાદર ખેંચતાં, માના પલંગ પાસે ટેબલ પર તાજાં ફૂલ મૂકતાં, છોકરાંઓ અવાજ કરતાં આવે તો બહાર કાઢી મૂકતાં. માની બધી રીતે કાળજી રાખતાં.

copy 7

અહીં સુધી તમને લાગશે કે કો-ઈન્સિડન્સ છે. હવે કુન્દનિકા બેનનો આ ફકરો વાંચો. શું આ પણ કો-ઈન્સિડન્સ છે?

અચાનક મારિયા યાદ આવી. એને અહીં ગમશે? અહીંનો ઉનાળો, ગરમી, અહીંની ગંદકી, અહીંના લોકોની ટેવો – આ બધું તે શી રીતે સહી શકશે? તેને આ દેશની સાચી પરિસ્થિતિઓની જાણ હશે કે કોઈ ભાવમુગ્ધતામાં તે ડૂબેલી હશે ને અહીં આવતાં નિર્ભ્રાન્ત થઈ જશે?

Copy 2

એટલું જ નહીં આ લેખક નથી ઈચ્છતા કે મૂળ કૃતિમાંથી ઉઠાવેલી આપણી વાર્તામાં પણ રવીન્દ્રનાથ ટાગોરનું નામ ભૂંસાય. રવીન્દ્રનાથ ટાગોર તેમના અત્યંત પ્રિય લેખક લાગે છે. તેઓશ્રીએ એ લેખકને ઉઠાંતરી વાર્તામાં પણ સ્થાન આપ્યું છે. રવીન્દ્રનાથના ધન્ય ભાગ્ય બીજું તો અમે શું કહીએ. ગીતાંજલીના લેખક ઉપર રડતા હશે. પહેલા વાંચો કુન્દનિકા બહેનનો ફકરો.

મારિયાએ ફરી કહ્યું : ‘અમારાં લગ્ન વખતે તમે મને ટાગોરની કવિતાનું પુસ્તક મોકલેલું તે મને ખૂબ ગમેલું. કેટલીય વાર વાંચ્યું. ઘણી કવિતા તો મોઢે થઈ ગઈ છે.’ તે હસી, અને માના હાથ પર હાથ પસવાર્યો. ‘આઇ લવ્ડ ફૉર ધૅટ બુક. ઇટ વૉઝ વન્ડરફુલ, ટુ લવ ધ વર્લ્ડ વિથ ઑલ ઇટ્સ પીપલ ઇન સચ અ બ્યૂટિફુલ વે…’ અને પછી… ‘તમને હજુ યાદ છે એ કાવ્યો?’

ઉઠાંતરી લેખકનો રવીન્દ્રનાથ પ્રેમ…

અમે કોઈ અખબારને અહીં ઝાટકી નથી રહ્યા. અમે તો અમારું કામ કરી રહ્યા છીએ. જેમ અખબારો અને ચેનલનું કામ ‘‘ઈમ્પેક્ટ’’ પાડવાનું હોય છે. સંદેશ અખબારે વર્ષોથી પોતાની પ્રતિષ્ઠા જાળવી છે. કંઈ કેટલાય સારા લેખકોએ સંદેશ અખબારમાં કલમ ચલાવી વાંચકોને નવું આપ્યું છે નવું શીખવ્યું છે. કહેવાની વાત તો ખાલી એટલી જ છે કે, લોકો સારા કામ યાદ નથી રાખતા. લોકો ખરાબ કામ યાદ રાખે છે. વર્ષો પહેલા તમારા અખબારની પૂર્તિમાં આ લેખકે આટલો સરસ આર્ટિકલ લખ્યો હતો એ કોઈ યાદ નહીં રાખે. આ જમાનામાં લોકો આજે જે આપના અખબારમાં છપાયું એ જ યાદ રાખશે. અમને આશા છે કે આવું ભવિષ્યમાં કોઈ દિવસ નહીં થાય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments