Homeગામનાં ચોરેઅસ્થિર : યુરોપમાં ધડાધડ ત્રણ દેશોના પ્રધાનમંત્રીઓના રાજીનામા

અસ્થિર : યુરોપમાં ધડાધડ ત્રણ દેશોના પ્રધાનમંત્રીઓના રાજીનામા

Team Chabuk-International Desk : યુરોપના દેશો હંમેશાંથી વિનાશની થપાટો ખમતા આવ્યા છે. પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ અને ભૂતકાળમાં કોરોના કરતા પણ બિહામણા આવેલા વાયરસોએ તેની પથારી ફેરવી નાખવામાં કંઈ બાકી નથી રાખ્યું. કોઈ પણ દેશમાંથી આવતી મહામારી સૌથી વધારે નિકંદન યુરોપનું કાઢે છે. મૃતકોની સંખ્યા પણ ગણતરીના દિવસોમાં અઢળક થઈ જાય છે. સંક્રમણ પણ વધારે ફેલાય છે. અર્થવ્યવસ્થાને અસર પણ પહોંચે છે. પાડોશી દેશો પાસેથી મદદ માગીને શું કરે જેના પાડોશીઓને જ ખાટલે મોટી ખોડ હોય. ઈટાલીયનો દ્વારા એક સમયે ટ્વીટર પર એશિયામાં કોરોના ભારે તબાહી મચાવશે તેવી નાસ્ત્રેદમસ આગાહીઓ કરવામાં આવી હતી. હવે એ જ યુરોપના ત્રણ ત્રણ દેશોની રાજકીય સ્થિતિ જળસમાધિ લઈ ચૂકી છે.

કોરોનાના કારણે એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ રાષ્ટ્રો પ્રભાવિત થયા છે. જેના ફળ સ્વરૂપે રાજનૈતિક અસ્થિરતાનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે અહીં વાત તો ભ્રષ્ટાચાર અને  વિખૂટા પડવાની છે. યુરોપમાં એક બાજુ જ્યાં જનતા કોરોના વાઈરસના કારણે ખરા બપોરે તારા જોઈ રહી છે ત્યાં બીજી બાજુ નેતાઓ રાજકારણમાંથી વ્યસ્ત નથી. રાજા વિનાની પ્રજા જેવી સ્થિતિઓ યુરોપના ત્રણ દેશોમાં ઊભી થઈ ગઈ છે.

એક અઠવાડિયાની અંદર જ બે દેશોના પ્રધાનમંત્રીઓ ભ્રષ્ટાચારના અજગર ભરડામાં સપડાઈ જતા રાજીનામું આપવું પડ્યું છે. જેમાંથી એક દેશના પ્રધાનમંત્રીએ તો સમસ્ત કેબિનેટની સાથે બોરિયા બિસ્ત્રા બાંધવાના વારા આવ્યા છે. ત્રીજા દેશના પ્રધાનમંત્રીને રાજીનામું આપવા માટે વિરોધ પક્ષ દ્વારા ધક્કો મારવામાં આવી રહ્યો છે.

વધારે રાહ ન જોવડાવતા આપણા માટે અપરિચિત એવા દેશોના નામ સામે લાવી દઉં. એસ્તોનિયા. આ દેશના પ્રધાનમંત્રી જૂટી રટાસે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામું આપવાની વાત વહેતી મુકી છે. જેથી યુરોપના એસ્તોનિયામાં કોરોનાની સાથે રાજકીય અસ્થિરતાનું સંકટ પણ આવી ગયું છે.

એસ્તોનિયાની સરકાર કેમ તૂટી ?

જૂટી રટાસે પ્રધાનમંત્રી પદ પરથી એટલા માટે રાજીનામું આપવું પડ્યું કારણ કે તેના વરિષ્ઠ અધિકારીઓ કૌભાંડમાં સપડાયા હતા. કૌભાંડ ઉજાગર થઈ જતા તેમના પર વિરોધ પક્ષ દ્વારા દબાણ લાદવામાં આવી રહ્યું હતું. લોક અભિયોજક કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમની પોર્ટે ફ્રેંકો રિઅલ સ્ટેટ કેસમાં તેમના પાંચ લોકો પર શંકા છે.

ફેસબુક પર રાજીનામાની જાહેરાત કરતા પહેલા રટાસે દાવો પણ કહ્યો હતો કે, તેમણે કંઈ પણ ખોટું નથી કર્યું. ફેસબુક પર તેમણે લખ્યું કે, ‘હું રાજનીતિક જવાબદારી લેવા છતાં મારા પક્ષને કહી શકું છું કે, પ્રધાનમંત્રીના રૂપે મેં કોઈ પણ દુર્ભાવનાપૂર્ણ અથવા તો જાણી જોઈને ખોટો નિર્ણય નથી કર્યો.’ એ નવેમ્બર 2016ની સાલથી પ્રધાનમંત્રી પદ પર હતા.

જોકે તેમના રાજીનામાનો અર્થ એ નથી સરી રહ્યો કે દેશમાં પુન:ચૂંટણી પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે. ત્રણ પક્ષ, સેન્ટર પાર્ટી, નેશનલિસ્ટ ઈકેઆરકે પાર્ટી અને કંઝર્વેટિવ ફાધરલેન્ડ પાર્ટીના સહયોગથી બનેલી ગઠબંધનની પાર્ટી હવે નવી સરકાર બનાવી શકે તેવી વાતો થઈ રહી છે. હવે દેશનું નેતૃત્વ કાજા કલાસના હાથમાં સોંપવામાં આવ્યું છે. સામાન્ય જ્ઞાન જેવો ઉત્તર એ છે કે એસ્તોનિયાની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હવે કાજા કલાસ હશે.

નેધરલેન્ડમાં કેબિનેટ સાથે રાજીનામું

નેધરલેન્ડમાં સુપડા સાફ થઈ ગયા. કોઈ ચૂંટણીમાં એક જ પક્ષ તમામ સીટ જીતે અને એકનો પરાજય થાય તેમ આખી કેબિનેટને રાજીનામું આપવાની નોબત આવી પડી હતી. ડચ પ્રધાનમંત્રી માર્ક રુટે અને તેમની સમગ્ર કેબિનેટ 15 જાન્યુઆરીના રોજ રાજીનામું આપવું પડ્યું છે. ડચ કેબિનેટ બાળ કલ્યાણની સાથે સંકળાયેલા કૌભાંડમાં રાજનીતિક જવાબદારી સ્વીકારતા રાજીનામું આપવું પડ્યું હતું. આ કૌભાંડમાં હજ્જારો માતા-પિતાઓને છેતરપિંડી કરી સામેલ કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય સમાચારમાં રાજીનામું આપતા પ્રધાનમંત્રી માર્ક રુટ્ટેએ કહ્યું કે, ‘તેમણે પોતાના નિર્ણય વિશે રાજા વિલયમ એલેક્ઝેન્ડરને સૂચિત કરી દીધા હતા અને વાયદો કર્યો હતો કે સરકાર પ્રભાવિત માતા પિતાને જલ્દીથી જલ્દી ચૂકવણું કરશે અને કોરોના મહામારી વિરૂદ્ધ લડવાને લઈને કામ વેગવંતુ રાખશે.’

નેધરલેન્ડમાં 2 મહિના બાદ ચૂંટણી થવાની છે. 17 માર્ચના રોજ ચૂંટણી પછી ગઠબંધન બનવા સુધી સરકાર કાર્યવાહકના રૂપે કામ કરશે.

ઈટાલી : અલ્પમતમાં સરકાર

કોરોના સંકટ અને અર્થવ્યવસ્થા વચ્ચે ઈટાલી સંઘર્ષ કરી રહ્યું છે. ઈટાલીમાં પણ રાજનીતિક સંકટ ચાલુ છે. પ્રધાનમંત્રી જ્યૂસેપ કોન્ટેની ગઠબંધન સરકાર પર ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. જેથી આવનારા સમયમાં તેમના અસ્તિત્વ પર ખતરો છે. કોરોના સંકટની વચ્ચે જ્યૂસેપ કોન્ટેની સરકાર સહયોગી પાર્ટીથી અલગ થઈ જવા પર રાજનીતિક સંકટની સ્થિતિમાંથી પસાર થઈ રહી છે.

ગત્ત અઠવાડિયે પૂર્વ પ્રધાનમંત્રી મોતિયો રેન્જીની ઈટાલીની વીવા પાર્ટીની સરકારે, અર્થવ્યવસ્થા સંભાળવાને લઈને જે યોજના ઘડી હતી તેમાં અસહમતી દર્શાવી હતી. જે પછી ગઠબંધન પાર્ટી વચ્ચે ખટરાગ વધતા આખરે છૂટાછેડા લેવાની જાહેરાત કરી દીધી છે. આ પછી પાર્ટીના સિનિયર નેતાઓ હવે દોરડાને એકજૂટ રાખવાના ભગીરથ કાર્યમાં જોતરાઈ ગયા છે. રેન્જીએ બુધવારે જ જાહેરાત કરી કે તેમની પાર્ટી ગઠબંધન સરકારથી અલગ થઈ રહી છે.

કોન્ટેની ગઠબંધન સરકારમાં સામેલ દળોમાં સૌથી નાની પાર્ટી છે. આ પાર્ટીના બે કેબિનેટ અને એક જૂનિયર મંત્રીએ રાજીનામું આપી દીધું છે. સમર્થન પરત લેવાના કારણે સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. હવે પ્રધાનમંત્રી જ્યૂસેપ કોન્ટેએ સરકારને ગબડતી બચાવવા માટે સમર્થન એકઠું કરવું પડશે નહીં તો સરકાર પડી જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments