Homeગુર્જર નગરીજૂનાગઢઃ વિસાવદરમાં લગ્નમાં નિયમોનો ભંગ થતાં પોલીસ વરરાજાને માંડવામાંથી ઉઠાવી ગઈ

જૂનાગઢઃ વિસાવદરમાં લગ્નમાં નિયમોનો ભંગ થતાં પોલીસ વરરાજાને માંડવામાંથી ઉઠાવી ગઈ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસના કેસ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યો. બીજી તરફ રાજ્યમાં હજુ પણ કેટલાક લોકો બેદરકાર બની રહ્યા છે. લોકો માસ્કના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે, સોશિયલ ડિસ્ટંસિંગ માટે કેટલાક લોકો હજુ પણ જાગૃત નથી થઈ રહ્યા. તો સામાજિક પ્રસંગોમાં પણ લોકો ભીડ એકઠી કરીને નિયમોના લીરેલીરા ઉડાવી રહ્યા છે. જો કે, આવા લોકો પર તંત્રની સીધી નજર છે અને કડક કાર્યવાહી પણ કરી રહ્યું છે.
જૂનાગઢના વિસાવદરમાં લીમધરા ગામે આવેલી જાનને લગ્નના માંડવાની જગ્યાએ પોલીસ સ્ટેશને જવું પડ્યું હતું. લગ્નના બંધનમાં બંધાયેલા વરરાજાને પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવ્યો હતો.

મંજૂરી વગર લગ્ન ભારે પડ્યા

જૂનાગઢના વિસાવદરના લીમધરા ગામે લગ્નપ્રસંગ હતો. જો કે, વરરાજા કે કન્યા પક્ષ તરફથી આ અંગે મંજૂરી લેવામાં આવી ન હતી. એટલું જ નહીં લગ્નપ્રસંગમાં 150થી વધુ લોકો પણ હાજર હતા. આ બાબતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જાનૈયાઓ અને માનૈયાઓને નિયમોનું ભાન કરાવ્યું હતું.

વરરાજા, કંદોઈ, ફોટોગ્રાફરને પોલીસ લઈ ગઈ

પોલીસે લગ્નપ્રસંગમાં અચાનક રેડ કરતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ પોલીસે વરરાજા, વરરાજાના પિતા અને કન્યાના પિતાની અટકાયત કરી હતી. આ ઉપરાંત પોલીસે લગ્ન કરાવનારા પંડિત, લગ્નમાં હાજર ફોટોગ્રાફર, કંદોઈની અટકાયત કરી હતી અને જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી હતી. આમ, વાજતે-ગાજતે આવેલી જાનનું સ્વાગત પોલીસે જ કર્યું હતું.

લગ્નપ્રસંગમાં માત્ર 50 લોકોને જ છે છૂટ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધી રહેલાં કેસના પગલે રાજ્ય સરકાર ઉપરાંત જિલ્લા તંત્રએ પણ જાહેરનામુ બહાર પાડ્યું છે. જે મુજબ લગ્નપ્રસંગમાં માત્ર 50 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ પહેલાં ફરજિયાત નોંધણી કરાવવા પણ કહેવાયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments