ગોવાબાપાઃ ચાબુક આજે ગુજરાત વિધાનસભામાં જે થયું છે તે થતું રહેવું જોઈએ. ગુજરાત વિધાનસભામાં આ ઘટના છેલ્લા 20 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે. થયું એવું કે પ્રથમ વખત વિપક્ષના સભ્યને પ્રોટેમ સ્પીકર બનાવાયા. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આ પહેલ કરી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો. અનીલભાઈ જોશીયારાને પ્રોટેમ સ્પીકર બનાવ્યા. આ ઘટનાથી કોંગ્રેસને સન્માન મળ્યું અને ભાજપનું માન વધ્યું. જો આ રીતે જ વિપક્ષ અને સત્તાપક્ષ એકબીજાને સન્માન આપીને કામ કરે તો જનતાલક્ષી કામો વધુ થાય.
વધતી ગરીબી
ગુજરાત વિધાનસભામાં જે આંકડા રજૂ થયા તે સરકારના વિકાસના દાવાની હવા કાઢનારા છે. વિકાસ મોડલ ગુજરાતની વાતો વચ્ચે રાજ્યમાં ગરીબ પરીવારોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે ચાબુક. ગરીબી દૂર કરવાની જગ્યાએ વધી રહી છે. 2019માં જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતમાં ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારોની સંખ્યા 30 લાખ 94 હજાર 580 હતી જે ડિસેમ્બર 2020ની સ્થિતિએ વધીને 31 લાખ 41 હજાર 231 થઈ ગઈ છે. રાજ્યની ત્રીજા ભાગની વસતી ગરીબી રેખાથી નીચે જીવન પસાર કરી રહી છે.
સુરતમાં માસ્ક પહેરવાનું કે નહીં ?
આ સુરતના મેયર ખરા છે હો ચાબુક. આપણે પુછીએ કઈક બીજું અને જવાબ પણ તેઓ બીજા આપે. દેશી ભાષામાં કહીએ તો ગાડીને ઉંધે પાડે ચડાવી દે. સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલા પાછા સમાચારોમાં આવ્યા છે. વાત એવી છે કે ગઈકાલે મેયર બેને કહ્યું હતું કે, સુરતમાં માસ્ક નહીં પહેરે તેની પાસેથી દંડ નહીં વસૂલીએ પરંતુ માસ્ક આપીશું. હવે આ અંગે સુરત પોલીસે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે આ નિર્ણય મહાનગરપાલિકા કે મેયરનો નહીં પણ પોલીસનો છે. સુરતમાં માસ્ક ન પહેરનારને દંડ થશે જ. ચાબુક આ બે નિર્ણયની વચ્ચે સુરતની જનતા સલવાણી છે. સુરતીઓ વિચારી રહ્યા છે કે માસ્ક પહેરવાનું કે નહીં.
તો આ તરફ વડોદરા પોલીસે પણ લોકોને રાહત આપતા કહ્યું છે કે, પ્રથમ વખત માસ્ક વિના કોઈ પકડાશે તો નિઃશુલ્ક માસ્ક અપાશે અને જો તે જ વ્યક્તિ બીજી વખત માસ્ક વિના પકડાશે તો 1000 રૂપિયા દંડ લેવામાં આવશે.
ખાનગીકરણ કરવાથી આવું થાય
દેશમાં ખાનગીકરણ થઈ રહ્યું છે. લોકો બુમાબુમ કરી રહ્યા છે. ખાનગીકરણનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ કેમ થઈ રહ્યો છે તેની પાછળનું એક કારણ સામે આવ્યું છે ચાબુક. તને તો ખબરને આપણા અમદાવાદ એરપોર્ટને સરકારે અદાણીને વેચી નાખ્યું છે. હવે આ ખાનગી કંપનીએ સુવિધાના નામે જનતાના ખિસ્સા ખંખેરવાનું શરૂ કરી દીધું છે. સમાચાર મળ્યા છે કે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જમાં 1લી એપ્રિલથી વધારો થઈ રહ્યો છે. ક્યા વાહન પાર્કિંગમાં કેટલો વધારો કર્યો છે એ જાણવા માટે નીચેનું કોષ્ટક જોઈ લો.
વાહનનો પ્રકાર | ભાવ | 30 મિનિટ સુધીના (રૂપિયા) | 2 કલાક સુધીના (રૂપિયા) | 24 કલાક સુધીના (રૂપિયા) |
કાર | હાલના ભાવ | 30 | 90 | 260 |
નવા ભાવ | 90 | 150 | 590 | |
ટુ-વ્હીલર | હાલના ભાવ | 10 | 20 | 70 |
નવો ભાવ | 30 | 80 | 190 | |
ટેમ્પો/મિનીબસ | હાલનો ભાવ | 30 | 100 | 300 |
નવો ભાવ | 300 | 500 | 1875 |
ભાવ વધારા પાછળ અદાણી જૂથના અધિકારીઓ સુવિધા વધશે તેવું બહાનું કાઢી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે પાર્કિંગ ચાર્જમાં વધારો થવાની સાથે સાથે સુવિધા પણ વધારવામાં આવશે. અધિકારીઓ કહી રહ્યા છે કે પાર્કિંગ એરિયામાં સુરક્ષા વધારાશે. ઉપરાંત પાર્કિંગની સાફ-સફાઈ કરાશે. ઓટો પાર્કિંગ માટે આરસીસી પાર્કિંગ બનાવાશે. બેસવા માટે શેડ બનાવાશે. વાહનનો રેકોર્ડ 6 મહિના સુધી સાચવીને રખાશે.
ચાબુક જે રીતે અદાણી જૂથના અધિકારીઓ કહી રહ્યા છે તે પ્રમાણે તો અત્યાર સુધી પાર્કિંગમાં કોઈ સુવિધા હતી જ નહીં, કોઈ પ્રકારની સુરક્ષા પણ નહતી. પાર્કિંગમાં સાફ-સફાઈ પણ નહતી થતી. હવે ચાર્જ વધારવાથી આ બધું થવા લાગશે. ખરું કહેવાય હો ચાબુક.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ