Homeગુર્જર નગરીવંથલીના સામાજિક કાર્યકરે સીએમને પત્ર લખી કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને સહાય આપવા...

વંથલીના સામાજિક કાર્યકરે સીએમને પત્ર લખી કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને સહાય આપવા માગ કરી

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોનાનાથી મૃત્યુ પામનારના આંકડાઓ અંગે અનેક વિસંગતતાઓ છે. વિપક્ષ પણ મૃતકોના આંકડાઓને લઈને સરકાર પર અનેક વખત આરોપ લગાવી ચૂકી છે. સરકાર કોરોનાથી મૃત્યુ પામનારના સાચા આંકડા ન જાહેર કરતી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વંથલી તાલુકાના પ્રમુખે પણ સરકાર સામે આ અંગે સવાલો ઉભા કરીને મૃતકોને સહાય આપવાની માગણી કરી છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ પ્રવિણ ચૌહાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઈ-મેઈલ મારફતે પત્ર પાઠવીને રજૂઆત કરી છે.

ગાંઠિલાના પ્રવિણ ચૌહાણે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે, 10 એપ્રિલ થી 18 મે 2021ના સમય દરમિયાન અંદાજે ગુજરાતમાં લગભગ કોરોના વાઇરસથી 2 લાખ લોકો મૃત્યુ પામ્યા હશે. જ્યાં જુઓ ત્યાં હૈયાફાટ રુદન હતું. ભલભલાનું કાળજું ફાટી જાય તેવા દ્રશ્યો હતા. એક સાદું ગણિત માંડીએ તો સરેરાશ ગુજરાતના એક ગામ દીઠ 5 લોકોના મૃત્યુ થયા હશે અને શહેરી વિસ્તારમાં 1 હજાર ઉપર મૃત્યુ થયા હશે. પરંતુ સરકારી ચોપડે આ આંકડો કદાચ નોંધાયો નહીં હોય. આ સમયગાળા દરમિયાન હોસ્પિટલમાં વેઇટિંગ હતું. ડોક્ટર-સ્ટાફ મહેનતમાં હતો. તેઓએ બનતી કોશિશ કરી હતી.

પ્રવિણ ચૌહાણે આગળ રજૂઆત કરતાં લખ્યું કે, કોરોનાકાળ દરમિયાન કોઈએ રૂપિયા ગુમાવ્યા છે. સાથે ઘરના મોભી, કુટુંબના વ્યક્તિને પણ ગુમાવ્યા છે. તેથી દરેક ગામે ગામે જઈને સર્વે કરાવવામાં આવે. આ સમયગાળા દરમિયાન કોરોનાથી મૃત્યુ પામેલા દરેક મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયાની રોકડ સહાય કરવામાં આવે અને પરિવારજનોને ઉદ્યોગ-ધંધો સ્થાપવામાં મદદ કરવામાં આવે તેવી મારી માગણી છે. ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારના લાખોના બિલ થયા છે તે લોકો આર્થિક રીતે ભાંગી ગયા છે. તેથી તેઓને આપના સાથની અને હૂંફની જરૂર છે.

રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારને સહાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા પણ સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા હાલ ગુગલ ફોર્મ બહાર પાડી અને ઘેર ઘેર જઈ કોરોનાથી મૃત્યુ પામનારની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. કોંગ્રેસે પણ સરકાર સમક્ષ માગ કરી છે કે કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને 4 લાખની સહાય કરવામાં આવે. જો કે હાલ કોરોનાથી મૃત્યુ પામનારને સરકાર દ્વારા કોઈ પ્રકારની સહાય ચૂકવવામાં આવતી નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments