Team Chabuk-Gujarat Desk: અધૂરા માસે જન્મતા નવજાતના મૃત્યુ પામ્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ જામનગરમાંથી સામે આવેલો આ કિસ્સો કોઈ ચમત્કારથી ઓછો નથી. જામનગરમાં માત્ર સાડા પાંચ મહિને જન્મેલી એક બાળકીએ સતત ચાર મહિના સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા બાદ સ્વસ્થ થઈને ઘરે પહોંચી છે. સાડા પાંચ મહિનાના અવિકસિત ગર્ભમાંથી અધૂરા માસે જન્મેલી બાળકીનું વજન માત્ર 575 ગ્રામ જ હતું. તેમ છતાં આ બાળકી સ્વસ્થ થતાં તબીબી જગત પણ આશ્ચર્ય ચકિત છે.
જામનગરમાં હિપલ ચંદ્રવડીયાના ઘરે અધૂરા માસે બાળકીનો જન્મ થયો હતો. માત્ર સાડા પાંચ મહિને બાળકીને જન્મ થતાં પરિવાર પણ શરૂઆતમાં ચિંતાતૂર બન્યો હતો. પરંતુ આ બાળકીને સતત ચાર મહિના સુધી જામગનર શહેરની આયુષ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. આ સમયગાળ દરમિયાન બાળકી 79 દિવસ સુધી વેન્ટીલેટર પર તથા 125 દિવસ સુધી આઈસીયુમાં રહી હતી. બાળકીના તમામ અંગોમાં રહેલી ઉણપના કારણે તબીબો સામે પણ આ બાળકીને બચાવવી એક પડકારજનક કામ હતું. પરંતુ ડોક્ટરોની આવડત અને નવજાતની હિંમત અને પરિવારની હૂંફના કારણે સતત ચાર માસની સારવાર બાદ બાળકી બે કિલો વજન સાથે સ્વસ્થ થઈને ઘરે પરત ફરી છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ વય જૂથ માટે સૌરાષ્ટ્રમાં કદાચ આ પ્રથમ બાળકી હશે જેણે આટલા બધા દિવસો સુધી NICUમાં રહીને સારવાર લીધી હોય. અધૂરા માસે જન્મતા બાળકોમાં જોવા મળતી તમામ મુશ્કેલીઓ આ બાળકીમાં જોવા મળી હતી. પરંતુ ડોક્ટરોની ચાર મહિનાની મહેનતના કારણે 575 ગ્રામ સાથે જન્મેલી આ બાળકી 2200 ગ્રામ વજન સાથે ઘરે પરત ફરી હતી.
આયુષ હોસ્પિટલના ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ બાળકીમાં જન્મ બાદ ફેફસાંની તકલીફ, હૃદયની નળી ખુલી રહેવી, આંતરડાની તકલીફ, શ્વાસ ફૂલવી, ચેપ લાગવો, મગજનો યોગ્ય વિકાસ ન થવો, આંખનો વિકાસ, લોહીના આવશ્યક તત્વોમાં ફેરફાર તેમજ ઉણપ વગેરે ખામી જોવા મળી હતી. જે ડોક્ટરો માટે પણ પડકારજનક હતું. પરંતુ હોસ્પિટલની ટીમે આ પડકારને મ્હાત આપી છે. બાળકીના પિતાની ધીરજ અને ડોક્ટર પરનો વિશ્વાસ પણ ખૂબ જ સરાહનીય હતો. આવા કોરોનાના કપરા કાળમાં દર્દીઓ પાંચ-પંદર કે 20 દિવસ વેન્ટીલેટર પર રહેતા હોય છે ત્યારે આ બાળકીએ 79 દિવસ સુધી વેન્ટીલેટર પર રહીને મોતને મ્હાત આપી છે.
બાળકીના પિતા હિપલ ચંદ્રવડીયાએ જણાવ્યું હતું કે, અધૂરા માસે જન્મતા બાળકોની જો સમયસર સારવાર કરવામાં આવે તો તેને નવું જીવન મળી શકે છે. અધૂરા માસે જન્મતા આવા બાળકોને બચાવવા માટે થોડી લોકજાગૃતિ કેળવાય અને સમયસર સારવાર થાય તેવી હું લોકોને અપીલ કરું છું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત