Homeસાહિત્યજિપ્સીની એપ્લિકેશન લોન્ચ: જે કામમાં આનંદ-સંતોષ ન મળે તે ન કરવું અને...

જિપ્સીની એપ્લિકેશન લોન્ચ: જે કામમાં આનંદ-સંતોષ ન મળે તે ન કરવું અને જેમાં એ બંને ભારોભાર મળે તેમાં પાછું વાળીને ન જોવું

Team Chabuk-Literature Desk: ગુજરાતમાં એક બાજુ ફક્ત પત્રકારત્વ થાય છે અને એક બાજુ એવું પત્રકારત્વ થાય છે જેમાં વાચક તરીકે ગળાડૂબ થાવ તો નીકળવાનું નામ ન લો. આજે પણ વિજયગુપ્ત મૌર્યના વાચકોની કમી નથી. એમની જંગલકથાઓ અને સાહસકથાઓ વાંચી એક આખી પેઢી ઉછરી છે અને આજે નવી પેઢી પણ ઉછરી રહી છે. એ પછી એક મોટો પડાવ આવ્યો. એ પડાવને ઈતિહાસ કહીએ તો અતિશ્યોક્તિ નથી. તેમનું નામ છે ધ ગ્રેટ નગેન્દ્ર વિજય. નગેન્દ્ર વિજયે જે રીતે જ્ઞાન-વિજ્ઞાનનું ઉતુંગ શિખર સર કર્યું અને તેમની સાથે સાથે તેમના ભાવકો અને વાચકોને પણ સર કરાવ્યું એ એવરેસ્ટ કરતા જરા પણ ઓછું નથી. બે મહાન હસ્તીઓને આપણે જોઈ. આપણા દાદા વટથી કહેતા કે કહે છે કે અમારા સમયમાં વિજયગુપ્ત મૌર્યની બોલબાલા હતી. આપણા પિતા પણ વટથી કહે છે કે અમારા સમયમાં નગેન્દ્ર વિજય છે અને આપણે પણ કહી રહ્યા છીએ. બાદમાં આપણા સમયમાં એવું મોટું નામ હર્ષલભાઈ પુષ્કર્ણા બનીને ઊભર્યા.

બે દિવસ પહેલા હર્ષલભાઈએ મુકેલી ફેસબુકની પોસ્ટને જ વાંચી જાવ. જેમાં તેઓ પત્રકારત્વમાં 31 વર્ષ પૂર્ણ કરે છે. આ રહ્યા એમના શબ્દો.

‘‘અર્થપૂર્ણ પત્રકારત્વમાં ૩૧ વર્ષની કારકિર્દીમાં બે બાબતોમાં આજ દિન સુધી ક્યારેય બાંધછોડ કરી નથી.

(૧) ક્વોલિટી એટલે કે ગુણવત્તા

(૨) વર્ક ડિસિપ્લીન અર્થાત કાર્યશિસ્ત

આ બન્ને સ્વભાવગત લાક્ષણ‌િકતાએ મને ઘણું બધું આપ્યું છે, તો ઘણી વાર આર્થિક રીતે નુકસાન પણ કરાવ્યું છે. જેમ કે, એપ્રિલ 2021માં જ્યારે દેશના ઘણા ખરા સામયિકોએ અંકનું પ્રકાશન બંધ રાખ્યું ત્યારે ‘જિપ્સી’નો અંક બજારમાં સમયસર આવી ગયો હતો. આર્થિક રીતે નુકસાન થયું, પણ ‘જિપ્સી’ની કાગડોળે રાહ જોતા વાચકોની જ્ઞાનભૂખ સંતોષાઇ એ મારો સંતોષ! વળી અંક સમયસર વાચકોના હાથમાં પહોંચવો જોઇએ તે કાર્યશિસ્ત જળવાઇ તેનો પણ આત્મસંતોષ ખરો. (તા.ક. જે કામમાં આનંદ-સંતોષ ન મળે તે ન કરવું અને જેમાં એ બંને ભારોભાર મળે તેમાં પાછું વાળીને ન જોવું એ સ્વભાવ બની ચૂક્યો છે. આથી તેની સામે ધંધાકીય સમીકરણો ગૌણ બની જાય છે.)’’

ગુજરાતી પત્રકારત્વમાં સામાયિકો, અખબારો, લેખકોનાં સમાચાર કોઈ નથી આપતું. જિપ્સીની એપ્લિકેશન લોન્ચ થઈ તેની ખબર પણ કદાચ નહીં જ છપાય. આજે જિપ્સીના તંત્રી હર્ષલભાઈ પુષ્કર્ણા સાંજના પાંચ વાગ્યે પોતાના ફેસબુક પરથી લાઈવ થયા હતા. કુલ 33 મિનિટ સુધી તેમણે જિપ્સીથી લઈને ડિજીટલ માધ્યમોની ચર્ચા કરી હતી. આજે ડિસ્કવરીથી લઈને નેશનલ જ્યોગ્રોફી જેવા માતબર સામાયિકોનું સરક્યુલેશન ઘટી ગયું છે તેની વાત પણ તેમણે સામે મૂકી હતી. ઉપરથી એ જ ડિસ્કવરી મેગેઝિન જેની મેગેઝિનનું વેચાણ ઘટી ગયું છે, તેને ઈન્સ્ટાગ્રામ પર 17 કરોડ લોકો ફોલો કરે છે. તેની વાત હર્ષલભાઈ લાવ્યાં હતાં.

હર્ષલભાઈનો કહેવાનો ઉદ્દેશ્ય સાફ છે કે સમયની સાથે બદલવું જોઈએ. જિપ્સી પણ સમયની સાથે બદલી ગયું છે. દેવ ગઢવીના કાર્ટૂને તેમને જિપ્સી મેગેઝિન પ્રકાશિત કરવા કેવી રીતે સ્પાર્ક આપ્યોથી લઈને, કેવી રીતે બેંગ્લોર એર શો દરમિયાન 2001માં મળેલા એક ભાઈ એપ્લિકેશનમાં નિમિત્ત બને છે તેની વાત પણ અંતમાં કરી હતી.

33 મિનિટના ફેસબુક લાઈવમાં હર્ષલભાઈની એક વાત સૌએ યાદ રાખવા જેવી છે. કોઈ માધ્યમ ખરાબ નથી હોતું, તેનો ઉપયોગ કઈ જગ્યાએ અને કેવી રીતે થાય છે એ જોવાનું હોય છે. તેમણે ઉદાહરણ તરીકે યુરેનિયમને ગણાવ્યું હતું. જે માનવને ભલે બીજી ઘણી બધી જગ્યાએ મદદરૂપ થતું હોય, પણ તેમાંથી વિનાશ વેરતો રાક્ષસ એટલે કે પરમાણુ બોમ્બ પણ બને છે.

કોઈ પણ એપ્લિકેશન પરફેક્ટ નથી હોતી. કોમેન્ટ સેક્શનમાં પ્રતિભાવો મળે છે એ રીતે દરેક એપ્લિકેશન ધીમે ધીમે વાચકોની માગ પ્રમાણે બદલતી જાય છે અને બાદમાં એક પરફેક્ટ સ્વરૂપ આપણી સામે આવે છે. જિપ્સીની એપ્લિકેશન પણ લોન્ચ થઈ ચૂકી છે. અહીં જિપ્સી સામાયિક વિશે આટલા ભારપૂર્વક લખવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે એ માત્ર હરવા ફરવા માટેનું મેગેઝિન નથી. એ બીજું સફારી જ છે. વિશ્વની ભૂગોળ સમજવી હોય તો જિપ્સી વાંચવી જોઈએ. માહિતપ્રદ પ્રવાસ લેખન કેવી રીતે થાય આ માટે વાંચવું જોઈએ. કાંઈ નહીં તો ખૂદના વિકાસ માટે તો વાંચવું જ રહ્યું.  

હવે સામાયિકોના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. સામાયિકો એક સમયે ઉચ્ચ સિંહાસન પર બિરાજતા હતા. એમાં કામ કરવા માટે પત્રકારોની પડાપડી થતી હતી. આજે એ સામાયિકો જ હાંફી ગયા છે. કેટલાક સામાયિકો સમયની સાથે ન બદલ્યાં તે ગબડી પડ્યા અને કેટલાકે સમયની સાથે ખૂદને ઢાળી દીધા. હર્ષલભાઈ પુષ્કર્ણા અને જિપ્સીને એપ્લિકેશન માટે ટીમ ચાબુક તરફથી ખૂબ ખૂબ અભિનંદન.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments