Homeગુર્જર નગરીજૂનાગઢઃ આ રીતે થઈ રહી છે મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારી

જૂનાગઢઃ આ રીતે થઈ રહી છે મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારી

Team Chabuk-Gujarat Desk: ગરવા ગિરનારની ગોદમાં યોજાનાર ભવનાથના મેળાને લઈને તડામાર તૈયારી થઈ રહી છે. ૨૫ ફેબ્રુઆરીથી શરૂ થનાર ભજન ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમાન આધ્યાત્મિક મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડશે. ભાવિકોઆ મેળો મન ભરીને માણી શકે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન આરોગ્ય વિષયક પગલા લેવાયા છે.

કોવિડ માર્ગદર્શિકાના પાલન સાથે ભાવિકો મેળામાં જોડાઈ ત્યારે તેમને આરોગ્ય વિષયક સવલત આપવા ૮ એમ્બ્યુલન્સ ગિરનાર દરવાજાથી ભવનાથ ક્ષેત્રના દાયરામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, રામટેકરી, રોપવે અને સક્કરબાગ ઝૂ ખાતે વેક્સિનેશન તેમજ સર્વેલન્સ અને ટેસ્ટિંગ માટે આરોગ્ય ટીમ સતત ફરજ બજાવશે. ભવનાથ મેળા ક્ષેત્રને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ઝોનલ ઓફિસ, ભવનાથ નાકોડા પીએચસી, ભારતી બાપુના આશ્રમ ખાતે આઇસીયુ સાથે એમ ત્રણ દવાખાના શરૂ કરાશે. જેમાં ચોવીસ કલાક મેડિકલ ઓફીસરો ફરજ બજાવશે. જેથી કોઈ પણ મેડિકલ ઇમરજન્સીને પહોંચી શકાય.

જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, હેલ્થ વિભાગ તેમજ સિવિલ હોસ્પિટલના સંકલનથી જિલ્લા કલેકટરશ્રી રચિતરાજ, મ્યુનિસિપલ કમિશનર આર.એમ.તન્નાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આરોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે.

એસ.ટી.નિગમ એકસ્ટ્રા બસો દોડાવશે

મહાશિવરાત્રી મેળામાં એસ.ટી. નિગમ દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ ખાતે એકસ્ટ્રા સંચાલન ૫૦ મીની બસોથી કરવામાં આવશે. બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી સિટી સંચાલન મીની બસોનું હાથ ધરવામાં આવશે. જેનું ભાડું નિયમ મુજબ રૂપિયા ૨૦ રાખવામાં આવેલ છે.

સૌરાષ્ટ્રના યાત્રાધામો માટે સ્પેશિયલ બસ

મેળા દરમિયાન ગુજરાતના અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના,મહુવા, ભાવનગર, અમરેલી વગેરે મુખ્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોનું પણ એકસ્ટ્રા સંચાલન આ વિભાગની ૨૨૫ મોટી બસો તેમજ રાજકોટ , જામનગર, અમરેલી તેમજ ભાવનગર વિભાગની ૭૫ બસો આમ કુલ ૩૫૦ બસો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવશે. ઉપરાંત વધારે ટ્રાફિક પ્રમાણે યાત્રાળુઓની સુવિધા માટે વધારે બસોનું પણ આયોજન કરવામાં છે.

ઓનલાઈન બુકિંગ

તેમજ મુસાફર જનતાની વધુ સુવિધા માટે ભવનાથ ખાતે સવારે ૬ કલાકથી રાત્રીના ૧૦ કલાક સુધી અને જૂનાગઢ બસ સ્ટેશન ખાતે રાઉન્ડ ધ ક્લોક ઓનલાઇન બુકીંગની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ દ્વારા મહાશિવરાત્રી મેળા-૨૨ના એકસ્ટ્રા બસ સંચાલન અંગેના બુથનું ઉદ્દઘાટન તા.૨૫મી ફેબ્રુઆરીએ સવારે ૧૦-૩૦ કલાકે એસ.ટી. બસ સ્ટેશન જૂનાગઢ ખાતેથી કરવામાં આવનાર છે.

એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટની નિમણૂક કરાઈ

મહાશિવરાત્રીના મેળા દરમ્યાન કાયદો વ્યવસ્થા જાળવવા, કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોવિડ ગાઇડલાઇના પાલન માટે જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્રવારા પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. આ એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે. આ એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને ફરજ બજાવવા માટે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ જૂનાગઢ દ્રવારા હુકમ કરવામાં આવેલ છે. જેઓ પોલીસ ખાતાના સંકલનમાં રહી એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે ભવનાથ ક્ષેત્રમાં ચાંપતી નજર રાખવા સાથે વિવિધ સ્થળોએ ફરજ બજાવશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments