Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકામાં આવેલી ગ્રાન્ટેડ HMV કોલેજ મુદ્દે વિવાદ સર્જાયો છે. ઊનાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયંક જોશીએ દાવો કર્યો છે કે, HMV કોલેજનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. તેમનો આરોપ છે કે, કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ અને હાલના ડાયરેક્ટર નલિની ભટ્ટના નેતૃત્વમાં આ આયોજન થઈ રહ્યું છે. જો કે, HMV કોલેજના પ્રિન્સિપાલ નલિની ભટ્ટે આ વાતને પાયાવિહોણી ગણાવી છે. તેમણે ટીમ ચાબુકને સ્પષ્ટ કહ્યું કે, કોલેજનું ખાનગીકરણ થવાનું નથી અને જો અમે આવું કરવાનું વિચારતા હોઈએ તો કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા શા માટે વધારીએ ? આ અમને બદનામ કરવાનું એક ષડયંત્ર છે.
ખાનગીકરણ થશે તો કોર્ટમાં જઈશુઃ રસિક ચાવડા
કોલેજના ખાનગીકરણની વાત સામે આવતા ઉનાના કોળી સમાજના યુવા આગેવાને પણ આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે, જો HMV કોલેજનું ખાનગીકરણ થયું તો તેઓ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન પર ઉતરશે. સાથે સાથે કોલેજના સંચાલકોને કોર્ટમાં લઈ જવામાં આવશે. તેમણે કહ્યું કે, ગમે તે થાય પરંતુ કોલેજનું ખાનગીકરણ તો નહીં જ થવા દેવામાં આવે.
શું છે સમગ્ર મામલો ?
ઊનાના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયંક જોશીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નરસિંહ મહેતા યુનિવર્સિટી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરી કોલેજનું ખાનગીકરણ ન થવા દેવા રજૂઆત કરી છે. આ ઉપરાંત કોલેજમાં અગાઉ કેટલાક કૌભાંડ પણ થયા છે જેની તપાસ કરવાની પણ માંગણી કરી છે.
ટીમ ચાબુકે ઊના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયંક જોશી સાથે વાત કરી હતી. મયંક જોશીએ ટીમ ચાબુકને કહ્યુ હતું કે, મારી રજૂઆતને ધ્યાને લેવાઈ છે અને આ અંગે તપાસના આદેશ પણ અપાયા છે. આગામી સમયમાં ઊનાના વિદ્યાર્થીઓનું ગેરહિત ઈચ્છનારા લોકો ખુલ્લા પડશે. મયંક જોશીએ કહ્યું કે, પૂર્વ પ્રિન્સીપાલને 48 લાખ રૂપિયાનો દંડ પણ થયો હતો જે બાબત પણ તપાસનો વિષય છે.
મયંક જોશીએ કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ અને હાલના ડાયરેક્ટર નલિની ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. નલિની ભટ્ટ જ્યારે કોલેજના પ્રોફેસર હતા ત્યારે વગર રજાએ વિદેશ જતા રહ્યા હતા જેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જેમ તેમ ગોઠવણ કરીને તેઓ કોલેજમાં હાજર થયા હતા. આ ઉપરાંત જ્યારે તેઓ પ્રિન્સીપાલ બન્યા બાદ પણ કોલેજના હિસાબોમાં ગોટાળો કર્યો હોવાનો આરોપ છે. આરોપ છે કે, પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે ડાયરેક્ટર બની ગયા છે.
બીજી તરફ પોતાના પર લાગેલા આરોપને નલિની ભટ્ટે ફગાવ્યા હતા. અને તમામ બાબતોને પાયાવિહોણી ગણાવી છે. સાથે જ કહ્યું હતું કે, આ સમગ્ર મુદ્દે તેમને અને કોલેજને બદનામ કરવાનું ષડયંત્ર છે. નલિની ભટ્ટે દાવો કર્યો છે કે, હાલ કોલેજને ઓછા સ્ટાફે પણ સુચારુ રૂપે ચલાવી રહ્યા છે. જ્યારે જ્યારે ઉચ્ચ શિક્ષણ વિભાગની કચેરી તરફથી ઘટતા સ્ટાફની વિગતો માગવામાં આવી છે ત્યારે ત્યારે કોલેજ તરફથી એ વિગતો આપવામાં આવી છે. આ ઉપરાંત 48 લાખ રૂપિયાના દંડ મુદ્દે નલિની ભટ્ટે કહ્યું કે, તેમણે અગાઉ આ મુદ્દે જવાબ રજૂ કરી દીધો છે. નલિની ભટ્ટે એવો પણ દાવો કર્યો કે, હાલ કોલેજના બે પ્રોફેસરો તેમની વિરુદ્ધ ચાલી રહ્યા છે જેમણે આ સમગ્ર મુદ્દાને ઉભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાના પૂર્વપ્રમુખ મયંક જોશીના પિતા પણ HMV કોલેજના ડાયરેક્ટર રહી ચુક્યા છે.
કોલેજમાં છેલ્લા કેટલાય સમયથી પ્રિન્સીપાલ નથી
નલિની ભટ્ટે કહ્યું કે, “પ્રિન્સીપાલ ડૉ.કે.જે વાળાનું અકસ્માતે નિધન થયા બાદ ઈન્ચાર્જ પ્રિન્સીપાલની જવાબદારી જેમને સોંપવામાં આવી હતી તેમણે સ્વીકારી નથી.” ઈનચાર્જ પ્રિન્સીપાલ ન હોવાના કારણે કોલેજનું સંચાલન ખુદ નલિની ભટ્ટ કરી રહ્યા છે. કોલેજમાં વહીવટી કર્મચારીઓ સાથે પ્રોફેસરની પણ છેલ્લા કેટલાય સમયથી ઘટ છે. કોલેજમાં હાલ માત્ર કુલ 4 પ્રોફેસરો જ છે.
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં HMV આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સારી છાપ છે. એ એટલાં માટે કે અહીંનું તંત્ર પહેલાંથી જ કડક છે. નલીની ભટ્ટ પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારથી જ અહીં વિદ્યાર્થીઓ શિસ્તના પાઠ ભણ્યા છે. પરીક્ષા દરમિયાન અહીં કોઈ છોકરાની હિંમત ન હતી કે ગેરરિતી કરી શકે. જે કોઈ વિદ્યાર્થીએ આવુ સાહસ કર્યું છે તેમના વિરૂદ્ધ કોપી કેસ પણ થયા છે.

જો ખાનગીકરણ થાય તો મધ્યમવર્ગને ફટકો
જો HMV કોલેજનું ખાનગીકરણ થાય તો ઊના અને આસપાસના તમામ ગામડાઓના વિદ્યાર્થીઓ ઉપરાંત દીવના વિદ્યાર્થીઓને પણ નુકસાન થશે. જો કોલેજનું ખાનગીકરણ થશે તો અત્યારે ફી છે તેના કરતાં 10 ગણી ફી વિદ્યાર્થીઓએ ચુકવવી પડશે. જે ઊનાના મોટાભાગના લોકોને પરવડે તેમ નથી. ટીમ ચાબુકે કેટલાક વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી. વિદ્યાર્થીઓએ પણ કહ્યું કે, આ મુદ્દો હાલ ઊનામાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમણે કહ્યું કે, ખાનગીકરણની વાત સાચી ન હોય તે જ વિદ્યાર્થીઓના હિતમાં છે. હાલ આ સમગ્ર મુદ્દે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. આગામી સમયમાં તપાસ થશે ત્યારે સાચી વિગતો સામે આવશે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા