1726માં પ્રકાશિત થયેલી જોનાથન સ્વીફટની બહુચર્ચિત કૃતિ ગુલીવર ટ્રાવેલ આજે ઠીક ઠીક અંશે આપણા મનોજગત માટે સાચી ઠરી રહી છે. હિન્દીમાં ગુલીવર કી યાત્રા કરીને તેનો એક પાઠ અત્યંત સંક્ષિપ્ત કરીને ભણવામાં આવતો હતો. જજંતરામ મમંતરમ નામની ફિલ્મ પણ તેના પરથી જ બનેલી. પોરબંદરના અમારા એક પરિચિત ભાઈ ઠિંગણા લોકોને જોઈ કટાક્ષ કરતા, ‘વર્ષો બાદ મનુષ્યજાતિ વેત જેટલી રહી જશે.’
માનસિક રીતે તો આપણે વેતીયા બનવાની શરૂઆત કરી જ દીધી છે. આપણને હવે લાંબુ ખપતુ નથી. લાંબુ વાંચી શકતા નથી, લાંબુ જોઈ શકતા નથી. છેલ્લા કેટલાય સમયથી આવતી વેબસિરીઝો અને ફિલ્મો એ વાતની સાક્ષી છે. નેટફ્લિક્સની બુલબુલની લંબાઈ એક કલાક અને ઓગણચાલીસ મિનિટ છે. પરિણામે ઓનલાઈન પ્લેટફોર્મ એ વાતથી સજાગ થઈ ચૂક્યું છે કે જોનારને હવે લાંબુ જોવું નથી ગમતું. તેને સંક્ષિપ્ત જોઈએ છે, સારું જોઈએ છે, જેના પર તે સંક્ષિપ્ત લખી શકે! બુલબુલ સારી પણ છે, ગમે પણ છે અને ટૂંકી પણ છે. જે આપણા માનસિક વિસ્તારના પાર્કિંગમાં બરાબર ફિટ બેસે છે. સિનેમામાં છેલ્લી રિલીઝ થયેલી હિટ ફિલ્મ આવનારી ફિલ્મોનું ભવિષ્ય નક્કી કરે છે.
એક સમયે હોલિવુડે પણ પૈસા અને જનતાનો સમય બચાવવા માટે આકરો નિર્ણય લીધો હતો. નક્કી કર્યું કે દરેક ફિલ્મનો સ્ક્રિનપ્લે 120 પેજથી વધારે ન હોવો જોઈએ. 120 પેજ એટલે મોટાભાગની ફિલ્મો 2 કલાકની આજુબાજુ રહે. આવું કરવા પાછળનું કારણ એ કે હોલિવુડની મોટા બેનરની સાયન્સ ફિક્શન ફિલ્મ બનાવતી વેળાએ એક મિનિટ પાછળ 12 હજાર ડોલરનો ધુમાડો થઈ જતો હતો.
ત્રણ ત્રણ કલાક અને કોઈ વાર તો ચાર કલાકની ફિલ્મ પાછળ પાણીની જેમ પૈસા વહાવતા પ્રોડ્યુસર્સને પણ આ વિચાર ધનહિતકારી લાગેલો. જનતાની નાડ પારખીને બાદમાં કેટલીક ફિલ્મો ત્રણ કલાકથી ટપવા માંડી. કેટલીક ગમી પણ ખરી.
હવે લાંબુ બનાવવાના શોખીનો માટે વેબનો કિમીયો હાજરાહજુર છે જ. એક એપિસોડની લંબાઈ 40થી 55 મિનિટની વચ્ચે હોય છે. કોઈ નવલકથાના પ્રકરણની જેમ તે દર્શકને જકડી રાખવાનું કામ આબેહૂબ અશ્વિની ભટ્ટની માફક કરે છે. 40-40 મિનિટના એપિસોડ બનાવી તે જનતાની આંખમાં ધૂળ નાખી, તેને 7 કલાકની સિરીઝ એકી બેઠકે ડંકાની ચોટ પર જોવડાવે છે અને અંતમાં ‘‘તમારા બાપા અને અમારા બાપા હીહીહીહી’’ કરી બીજી સિઝનનો ચૂનો પણ ચોપડે છે.
તેમાંથી બચીને ભાગતા દર્શકને સિનેમેટિક પીંજરે પૂરવા વેબ સિરીઝોએ ત્રીજો ઉપાય શોધી કાઢ્યો છે. એપિસોડ 22-23 મિનિટનો કરી દેવાનો. વધીને 27 મિનિટ. લોકડાઉનમાં જેને સૌથી વધારે ફાયદો થયો તેવી જીતેન્દ્ર કુમારની પંચાયત તેનું સૌથી સફળ ઉદાહરણ છે. હર્ષ ત્રિવેદી સાથે ફોન પર ફિલ્મોની વાત થઈ ત્યારે મેં તેને કહેલું, ‘2020 જેવું પાપી વર્ષ જો કોઈને ફળ્યું હોય તો તે જીતેન્દ્ર કુમાર છે.’
આપણે એ જ લોકો છીએ જે એક સમયે થીએટરની બહાર રાહ જોતા જોતા મિત્રને કહેતા હતા, ‘ફિલ્મ તો લાંબી જ હોવી જોઈએ. કેટલી મઝા આવે.’ અને આજે આપણે લાંબુ નથી જોઈ શકતા. કારણ ?
મનોરંજનનો અતિરેક થઈ ગયો. આપણી ધીરજનો અંત આવી ગયો. હમણાંથી તો દર અઠવાડિયે OTP પર બે ત્રણ ફિલ્મ, દેશ-વિદેશની ચાર જેટલી વેબ સિરીઝ. ભારતની તો જોઈએ જ સ્પેનની પણ અને જર્મનીની પણ. હોલિવુડની તો ક્યાં વાત કરવી ? એક સમય એવો પણ આવશે કે ઝિમ્બાબ્વેની સિરીઝ પણ જોઈશું.
દૂરદર્શન પર સાત મિનિટ જેટલી લાંબી જાહેરખબર આવતી અને છતાં બગાસુ ખાધા વિના આપણે જાહેરખબરને પચાવી નાખતા. આજે ત્રણ મિનિટનાં ટચૂકડા વીડિયોમાં 7 સેકન્ડની જાહેર ખબર આપણી આંખને કાંટાની જેમ ચૂભે છે. સહન નથી થતી. જમાનો ઝડપનો છે. ઘણું બધું જોવાનું છે. નોટિફિકેશનોના જવાબો આપવાના છે. ફેસબુકના ઓનલાઈન વિવાદોમાં તમારું નામ નથી, છતાં તમારે ત્યાં વિચારોનાં છાણા થાપી હોળી કરવી છે.
ઝુકરબર્ગે પોસ્ટને ઈન્ફિનીટ શા માટે બનાવડાવી ? તમારામાં આવડત હોય તો ચિક્કાર લખો. બિચારા માર્કને ક્યાંથી ખબર હશે કે તેણે કરેલા અદભૂત કાર્યમાં ભાગ સૌ લેવાના છે, પણ લાંબુ વાંચનારા ધીમે ધીમે ટાઈગર રક્ષિત શ્રેણીમાં આવી જવાના છે. તેમને વાંચવાના રહુડિયા બનાવવા માટે આપણે લેખને નીતનવા શિર્ષકથી શણગારવું પડે છે. તો એ આખુ વાંચે બાકી નહીં.
હિન્દી-અંગ્રેજી-પ્રાદેશિક… ત્રણે ભાષામાં સરસ્વતીચંદ્ર જેટલી લાંબી કૃતિ લખનારા, વાંચનારા અને છાપનારા પણ હવે નથી રહ્યા. છેલ્લે ભારતીય અંગ્રેજી સાહિત્યમાં વિક્રમ ચંદ્રાએ સેક્રેડ ગેમ્સ 800થી વધુ પાના, 600થી વધુ પાના ધરાવતી વિક્રમ શેઠની અ સ્યુટેબલ બોય, અમિતાવ ઘોષની IBIS ટ્રાયોલોજી.
હવે 300 પાના પ્રકાશક તો ઠીક લેખક પણ લખતા લખતા હાંફી જાય છે. હિન્દીમાં તો લાંબુ લખનારા શોધવા જ ક્યાં ? તેમની નઈ વાલી હિન્દીના લેખકોને પણ ખ્યાલ છે કે હવે લાંબુ લખીએ તો કોણ વાંચશે ? ચેતન ભગત તો આ બધું પહેલા જ સમજી ગયેલા. હળાવફુલ અને ખિસ્સાને પણ પરવડે તેવા કેમ્પસ લિટરેચની તો શરૂઆત કરનારા જ તેઓ પોતે હતા. ઓછા પૈસે-ઓછા પાનાવાળું વાંચી તાગડધિન્ના કરો.
વાર્તામાં તો લાંબી કોને કહેવી અને ટૂંકી કોને કહેવી એ અલગ વિષય છે. પણ બક્ષીએ જ લખેલી અને શિરીષ પંચાલે ઉર્વરા નામના સ્વાતંત્ર્યોતર ગુજરાતી વાર્તાસંગ્રહમાં સંગ્રહેલી વાર્તા મીરા 38 પેજની છે. બીજી બાજુ બક્ષીની જ અઢી મિનિટમાં પૂરી થઈ જતી અઢી મિનિટની વાર્તા મીરા કરતા વધારે લોકપ્રિય છે.
વિચારવા જેવો વિષય છે કે આ બધું ઝડપથી નથી થયું. ઉતક્રાંતિની જેમ તેણે ઘણો સમય લીધો છે. નવલકથા, વાર્તા, લઘુકથા અને હવે માઈક્રોફિક્શનનો જમાનો આવ્યો છે. ત્રણ કલાક પચાસ મિનિટ જેટલી લાંબી ગોન વિથ ધ વિન્ડને જોવા બીજા વિશ્વયુદ્ધના આખેટક માહોલમાં થીએટરોમાં ભીડ જામેલી.
પછી ત્રણ કલાકની ફિલ્મો, બે કલાકની ફિલ્મો, દોઢ કલાકની ફિલ્મો, શોર્ટ ફિલ્મો, વેબ સિરીઝોના ટૂંકા એપિસોડો અને હવે એક કલાક અને ચોત્રીસ મિનિટ. માની લઈએ કે પટકથા ટૂંકી હશે. દિગ્દર્શકને જે કહેવું છે એટલામાં તેણે કહી દીધું છે. પણ હવે આનાથી પણ ટૂંકી ફિલ્મ આવે તો ? શું પટકથા આટલી જ હતી ? શું દિગ્દર્શકે સઘળું કહી દીધું ? 1 કલાક 59 મિનિટ અત્યારની લગભગ ફિલ્મોનો ડ્યૂરેશન ટાઈમ છે. તમને કે મને ખબર નથી પણ ચમન બહાર જેવી સરસ મઝાની ફિલ્મ 111 મિનિટમાં આનંદની પ્રાપ્તિ કરાવીને ચાલી ગઈ છે.
કારણ ? માત્ર બેકગ્રાઉન્ડ મ્યુઝિક. ગીતો ક્યાં છે ? આખા લેખનો મર્મ જ એ છે. ચમન બહાર અને બુલબુલમાં ગીત જ નથી. આલ્બમ તરીકે અલગથી થાય તો બરાબર, વીસ સેકન્ડની કડી ઉમેરો બાકી નહીં. હવે સતત ખરાબ ગીતો અને ભંગાર રિમિક્સના કારણે મેકર્સ માનવા તો નથી લાગ્યાને કે ખરાબ બનાવવું તેના કરતાં બનાવવું જ નહીં ? માણસના મગજ હવે કઈ રીતે કામ કરે છે ? ઝડપથી જોવું છે. બધું જોવું છે. જોયેલી તમામ વસ્તુ પર પોતનો મત વ્યક્ત કરવો છે અને ટૂંકુ જોવું છે.
(આ લેખ સિનેમાપ્રેમી યુવક જલજીરાએ લખ્યો છે. જલજીરાભાઈ આખો દિવસ ફિલ્મ જોવાના કારણે દસમાંની પરીક્ષામાં ચાર વખત ફેલ થયેલા. ફિલ્મોનો બાળપણથી જ શોખ. આખો દિવસ ફિલ્મો જ જોયા કરે છે એટલે આ ધંધો એમને સોંપ્યા જેવો. એવું ટીમ ચાબુકને લાગ્યું. હાલ FTIIમાં પ્રવેશ મેળવવાની તૈયારી કરી રહ્યા છે.)