Team Chabuk-Gujarat Desk: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન ગુજરાત પર આવી રહ્યા છે. આજે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થશે. આજે એરપોર્ટથી ભવ્ય રોડ-શો મારફતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે. વડાપ્રધાનના રોડ શોને લઈને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું હતું કે, આજે એરપોર્ટથી કમલમ સુધી રોડ શો યોજાશે. વડાપ્રધાનના આ રોડ શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે, જેમાં અલગ અલગ સમાજ, સંસ્થાઓ, NGO અને કાર્યકર્તાઓ નક્કી કરેલા સ્થળે હાજર રહેશે.
અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજ્ય સરકાર દ્વારા પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત થશે. આ ઉપરાંત એરપોર્ટની બહાર યુક્રેનથી પરત આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓ પ્લે કાર્ડ સાથે અભિવાદન કરશે. આ વિદ્યાર્થીઓ સવારે વાલીઓ સાથે સર્કિટ હાઉસ આવશે, ત્યાં ભેગા થઈને તેઓ વડાપ્રધાન મોદીના રોડ શોમાં ભાગ લેશે. આ રોડ શો દરમિયાન બનાવેલા સ્ટેજ પર ઉભા રહેશે અને વડાપ્રધાન મોદી જ્યારે એરપોર્ટ સર્કલ ખાતેથી પસાર થશે ત્યારે પ્લે કાર્ડ સાથે અભિવાદન કરશે. વિદ્યાર્થીઓ ભારતના રાષ્ટ્રધ્વજ લઈ અથવા વડાપ્રધાનના ફોટા વાળી ટી શર્ટ પહેરીને સ્ટેજ પર આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવતાં હોય અમદાવાદ શહેર અભેદ કિલ્લામાં ફેરવાઈ ગયું છે. વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તે માટે હથિયારી ગાર્ડ પણ રહેશે. VVIP અવરજવર હશે, બિનઅધિકૃત લોકોને પ્રવેશ અપાશે નહીં. વડાપ્રધાન મોદીના આગમન સમયે હુમલો, વિરોધપ્રદર્શન જેવી સ્થિતિ ઊભી ન થાય તેનું પૂરતું ધ્યાન રખાશે. આ અંગે સેક્ટર-1 જેસીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીના VVIP બંદોબસ્તમાં જે ખામીઓ થઈ છે એ ફરીથી ન થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમ દરમિયાન 4 IG-DIG કક્ષાના અધિકારીઓ, 24 DCP, 38 ACP, 124 PI, 400 PSI અને 5550 પોલસીકર્મી બંદોબસ્તમાં રહેશે.
આજનો કાર્યક્રમ
આજે વડાપ્રધાન 10 વાગ્યે એરપોર્ટ પર પહોંચશે. જ્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી વડાપ્રધાનને કમલમ સુધીનો ભવ્ય રોડ શો યોજાશે. ત્યારબાદ 10.45 થી 1.30 વાગ્યા સુધી કમલમ ખાતે બેઠક મળશે. વડાપ્રધાન સાથેની બેઠકમાં ગુજરાત ભાજપના 500થી વધુ નેતાઓ ઉપસ્થિત રહેશે. બપોરે 4 વાગ્યા સુધી વડાપ્રધાન રાજભવન ખાતે રોકાણ કરશે. સાંજે 4 થી 5-30 વાગ્યા દરમિયાન અમદાવાદના જીએમડીસીમાં પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનમાં બેઠક યોજશે અને રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.
આવતીકાલનો કાર્યક્રમ
12 માર્ચે સવારે વડાપ્રધાન રક્ષા શક્તિ યુનિવર્સિટી જવા માટે નીકળશે. જ્યાં 11 થી 1 વાગ્યા સુધી રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન સાંજ સુધી રાજભવનમાં રોકાશે. સાંજે 6-30 કલાકે અમદાવાદમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને સંબોધન કરશે. ત્યારબાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કમલમ ખાતેની બેઠકમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પ્રદેશ હોદેદારો સહિત 500થી વધુ આગેવાનો ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહેશે. જેમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી આ બેઠકને સંબોધન કરવાના છે. સાથે જ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સંબોધન કરશે. બેઠકમાં વડાપ્રધાન મોદી ચૂંટણીની તૈયારીઓ અંગે માર્ગદર્શન આપશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત