Team Chabuk-Sports Desk: આઈપીએલ 2021ના બીજા ભાગમાં પણ સનરાઈઝર્સ હૈદરાબાદના સૂર્યનો ઉદય નથી થઈ રહ્યો. અર્થાત્ જીત માટે હજુ પણ ટીમ વલખા મારી રહી છે. 25 સપ્ટેમ્બર શનિવારના રોજ થયેલા મુકાબલામાં પંજાબ અને હૈદરાબાદની વચ્ચે રમાયેલી અત્યંત રોમાંચક મેચમાં પંજાબે હૈદરાબાદને પાંચ રનથી પરાજય આપી દીધો હતો. પરાજયની સાથે જ હૈદરાબાદ પ્લે ઓફની રેસમાંથી આઉટ થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. પંજાબનો આ આઈપીએલનો 200મો મેચ હતો.

પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલા મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. પંજાબ માટે સૌ પ્રથમ બેટીંગ કરવા માટે કેપ્ટન કે.એલ.રાહુલ અને મયંક અગ્રવાલ ઉતર્યા હતા. બંને ખેલાડીઓએ શરૂઆતની ચાર ઓવરમાં 26 રન જોડ્યા બાદ રાહુલ 21 રનના સ્કોર પર આઉટ થયો હતો.
અહીંથી ટીમની પડતી થઈ હતી. રાહુલ બાદ મયંક પાંચ રનના સ્કોર પર, ગેલ ચૌદ રનના સ્કોર પર, પૂરન આઠ રનના સ્કોર પર આઉટ થતાં બેટીંગ લાઈન અપ તહેસનહેસ થઈ ગઈ હતી. ટીમનો એક પણ ખેલાડી 30નો આંકડો પાર નહોતો કરી શક્યો. માત્ર એડન માર્કરમે 27 રન ફટકાર્યા હતા. 20 ઓવરમાં પંજાબની ટીમ માત્ર 125 રન કરી શકી હતી. હૈદરાબાદ માટે સૌથી વધુ જેસન હોલ્ડરે ત્રણ વિકેટ લીધી હતી.

જીત માટે 126 રનના લક્ષ્યને લઈ મેદાનમાં ઉતરેલી હૈદરાબાદની ટીમ આટલા રન પણ નહોતી કરી શકી. ટીમ માટે આજના દિવસે આશિર્વાદ સમાન ખેલાડી જેસન હોલ્ડર જ બન્યો હતો. જેણે મેચમાં સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. હોલ્ડરે 29 બોલમાં 5 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા. ઋદ્ધિમાન સહાએ પણ 31 રનનું યોગદાન આપ્યું હતું. જોકે આ બંને સિવાય કોઈ પણ ખેલાડી 20નાં આંકડાને પાર ન કરી શક્યું. પંજાબ માટે રવિ બિશ્નોઈએ ત્રણ, શમીએ બે અને અર્શદીપ સિંહે એક વિકેટ લીધી હતી. 126 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી હૈદરાબાદની ટીમ 120 રન પર જ ધરાશાયી થઈ ગઈ હતી.
હાર બાદ કેપ્ટન વિલિયમસને પિચને દોષિત ઠેરવી હતી. ટીમ માટે સૌથી વધારે 47 રનનું યોગદાન આપનારા જેસન હોલ્ડરની પ્રશંસાના પુલ બાંધ્યા હતા. પંજાબના હાથે મળેલી શિકસ્ત બાદ વિલિયમસને કહ્યું કે, ‘મને લાગે છે કે બોલિંગ અને ક્ષેત્રરક્ષણ વિભાગમાં ઉમદા કાર્ય થયું છે. આ પીચ થોડી આકરી હતી. આ પીચ પર ભાગીદારીની આવશ્યકતા હતી અને અમે નિશ્ચિત રૂપથી મેચની નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પંજાબે પ્રથમ બોલથી જ આક્રામક રમત દાખવવાનો પ્રયાસ કર્યો હતો. જે T20 મેચમાં હંમેશાં થાય છે. જોકે આ પીચ પર શોટ રમવા મુશ્કેલ હતા. અમારા માટે અહીં ભાગીદારી કરવી જરૂરી હતી અને કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર કરવું પણ મુશ્કેલ હતું. અમારે આગામી મેચમાં નવી આશા અને સ્વતંત્રતાની સાથે આવવાની જરૂર છે. અમે પ્રયત્ન કરીશું અને અમારું સર્વશ્રેષ્ઠ આપીશું.’

મેચમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડી જેસન હોલ્ડરની પ્રશંસામાં કેપ્ટને કહ્યું હતું કે, ‘જેસન હોલ્ડરે મેચના બંને હાફમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ખાસ તો બેટથી મેચને સ્પર્ધાત્મક બનાવીને રાખી.’ ફ્રેન્ચાઈઝી વિશે વાત કરતા વિલિયમસને કહ્યું કે, ‘SRH એક ગર્વ કરવાને લાયક ફ્રેન્ચાઈઝી છે. આ સિઝન અમારા માટે ખૂબ જ ખરાબ રહી. અમારે સારું પ્રદર્શન કરવા માટે રમતના કેટલાક નિશ્ચિત ક્ષેત્રોમાં કામ કરવાની જરૂર છે. અમે રમતના પહેલા હાફથી શીખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત