Team Chabuk-Gujarat Desk: તૌકતે વાવાઝોડું કેરળના દરિયાકાંઠે ટકરાયું છે અને ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે 17 મેના રોજ તૌકતે વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાય તેવા અનુમાન લગાવાઈ રહ્યું છે. સંભવિત તૌકતે વાવાઝોડને કારણે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તૌકતે વાવાઝોડાના આગમન પહેલાં જ તેની અસરો રાજ્યમાં વર્તાવા લાગી છે. અનેક જગ્યાએ વરસાદ પડ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
શામળાજીમાં વરસાદ
તૌકતે વાવાઝોડીની અસર અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી છે. અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. વરસાદી ઝાપટા ટીંટોઈ, લાલપુર, ખેરંચા પંથમાં પણ પડ્યા છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લાના મોડાસા અને માલપુરમાં સામાન્ય વરસાદ અનેક અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. વાવાઝોડાના આગમન પહેલાં વરસાદ પડતાં ખેડૂતોમાં પણ ચિંતા વધી રહી છે.
મહીસાગર જિલ્લામાં પણ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી છે. રાજસ્થાન તરફના સરહદી વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે. જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ સર્જાયો છે. કેટલાક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પણ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં જોવા મળી અસર
આ તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તોરમાં પણ તૌકતે વાવાઝોડાના આગમન પહેલા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. શહેરના રાંદેર, અડાજણ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો છે. શહેરમાં પવનના કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી છે. સુરતમાં સંભવિત તૌકતે વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.
વલસાડમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી છે. વલસાડના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દરિયાકિનારાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. વલસાડ ઉપરાંત નવસારીમાં પણ વરસાદ પડ્યો છે.
ભાવનગરના મહુવા તાલુકાના ડુંગરી, નરેન સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ઠંડા પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. તૌકતે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર પણ સજ્જ છે.
તાલાલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. પવન સાથે ધીમીધારે વરસાદ પડ્યો છે. ગીર પંથકમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોના લોકોનું સ્થળાંતર પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
ગોવાના દરિયાકાંઠે ટકરાયું તૌકતે
ગુજરાત તરફ આગળ વધી રહેલું તૌકતે વાવાઝોડું ગોવાના દરિયાકાંઠે ટકરાયું છે. તૌકતે વાવાઝોડાએ ગોવાના દરિયાકાંઠે તારાજી સર્જી છે. ગોવામાં પવન સાથે ભારે વરસાદ પડ્યો છે. પણજીમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી છે. પણજીમાં રસ્તાઓ પર ઘણા ઝાડ પડી ગયા છે. રસ્તાઓ પર ઝાડ પડતાં વાહનોને નુકસાન પહોંચ્યું છે.
કેરળમાં દરિયાના પાણી ઘરમાં ઘુસ્યા
તૌકતે વાવાઝોડા કેરળના દરિયાકાંઠે ટકરાયું હતું. દરિયાકાંઠે વાવાઝોડું ટકરાતા નજીકના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. મોજા ઉછળતા દરિયાઈ પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસ્યા છે.
17 અને 18મેના રોજ અતિભારે વરસાદ થશે
ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 17 અને 18 મેના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર પંથકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ, સુરત, નવસારી, ભરૂચ, આણંદ અને દક્ષિણ અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તૌકતે વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, મોરબી જિલ્લામાં ઓછા વત્તા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે.
તૌકતે વાવાઝોડાના પગલે રાજ્યનું સરકારી તંત્ર પણ એલર્ટ મોડ પર છે. કચ્છના 123, વલસાડના 39, ભરૂચના 30 અને ચરોતર પંથકના 15 ગામને એલર્ટ કરી દેવાયા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવા માટે તંત્ર સજ્જ છે.
વાવાઝોડા પહેલા આટલું અવશ્ય કરશો
અફવાઓ ધ્યાન ઉપર લેશો નહીં, હાંફળા-ફાંફળા ન થશો અને ડરશો નહીં કે ડર ફેલાવશો નહીં. તમારા મોબાઈલ ફોન્સને પૂરતા ચાર્જ કરી રાખશો, શક્ય હોય ત્યાં સુધી એસએમએસ(SMS)થી સંદેશ પાઠવશો. આ વાવાઝોડા અંગેની હવામાન ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવા માટે સતત રેડિયો સાંભળતા રહો, ટીવી અને અખબારો દ્વારા અપડેટ મેળવતા રહો. તમારી કિંમતી ચીજવસ્તુઓ અને દસ્તાવેજોને વોટર પ્રુફ બેગ્સમાં સાચવીને મૂકી દો. જીવનોપયોગી ચીજવસ્તુઓની એક કીટ બનાવી રાખો જે અણીના સમયે અને સલામતી માટે કામ લાગે. તમારું ઘર મજબૂત અને સલામત હોય તે જરૂરી છે. જો સમારકામની આવશ્યકતા હોય તો તે તત્કાલ કરાવી લો. વળી, કોઈ ધારદાર ચીજવસ્તુઓ છૂટી રાખશો નહીં. ઢોરઢાંખરની સલામતી માટે તેમને બાંધેલા ન રાખશો, ખીલેથી છૂટ્ટા મૂકો.
વાવાઝોડા વખતે અને વાવાઝોડા બાદ આ બાબતો ધ્યાને લેશો
ઘરની અંદર વીજળી અને વીજાણુ ઉપકરણો તથા ગેસની પાઈપલાઈનની મુખ્ય સ્વીચ બંધ રાખો. બારી-બારણાઓ બંધ રાખો. જો તમારું ઘર/મકાન સલામત ન હોય તો વાવાઝોડું આવે તે પહેલા જ અન્ય સલામત સ્થળે ચાલ્યા જાઓ. ગરમ-ઉકાળેલું અથવા ક્લોરીનયુક્ત પાણી જ પીવાનો આગ્રહ રાખો. વાવાઝોડા અંગેની માત્ર સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખો
ઘરની બહાર તૂટેલા અથવા જર્જરિત મકાનોની આસપાસમાં પ્રવેશશો નહીં કે તેની નજીકમાં ઉભા રહેશો નહીં. તૂટેલા વીજતાર કે વીજથાંભલાઓથી સલામત અંતર રાખશો. કોઈ ધારદાર ચીજવસ્તુઓથી પણ દૂર રહેશો. સલામત આશ્રયસ્થાન શોધીને ત્યાં શરણ લેશો.
માછીમાર/સાગરખેડુઓ રેડીયો સેટ, વધારાની ચાર્જ કરેલી બેટરી સાથે તૈયાર અને હાથવગી રાખે. તમારી બોટ/વહાણ અને તરાપા કોઈ સલામત સ્થળે યોગ્ય રીતે મજબૂતાઈથી બાંધીને રાખો.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ