Homeગુર્જર નગરીરાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 5નાં મોત

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 5નાં મોત

રાજકોટની આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વિભાગમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. આગમાં કુલ 5 લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર છે. આગની ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને ઘટનાની તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમણે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. સારવાર લઈ રહેલા આ દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો પ્રાથમિક તારણ એ સામે આવી રહ્યું છે કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

સ્ટાફને જ ફાયર સેફ્ટીના સાધનનો ઉપયોગ કરતા નહોતો આવડતો

બીજી તરફ આગ લાગ્યા બાદ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. રાતના આગની દુર્ઘટના બાદ મેયર, પોલીસ અને મહાનગર પાલિકાના કમિશ્નર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હોસ્પિટલના સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ફાયર સેફ્ટી હતી. જોકે એક બીજો ખુલાસો એ સામે આવી રહ્યો છે કે હોસ્પિટલના સ્ટાફને જ ફાયર સેફ્ટીના સાધનનો ઉપયોગ કરતા નહોતો આવડતો. બીજી તરફ તંત્ર દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેની પણ ખાતરી આપવામાં આવી છે.

મૃતકોના નામ

  • રસિકલાલ અગ્રાવત
  • સંજય રાઠોડ
  • કેશુભાઈ અકબરી
  • રામસિંહભાઈ
  • નિતિનભાઇ બાદાણી

આગ લાગવાની જ્યારે ઘટના બની ત્યારે હોસ્પિટલની અંદર નાસભાગ મચી ગઈ હતી અને લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડી રહ્યા હતા. ધૂમાડાના ગોટેગોટા ઉડી રહ્યા હતા. આગને ઠારવા માટે ફાયર સેફ્ટીના સાધનો હોવ છતાં સ્ટાફને તેનો ઉપયોગ કરતા ન આવડતો હોવાથી સાધનો પણ શોભાના ગાંઠીયા બનીને રહી ગયા હતા. ઘટના બન્યા બાદ સાડા બાર વાગ્યાની આસપાસ હોસ્પિટલનો સ્ટાફ દોડાદોડી કરવા લાગ્યો હતો અને દર્દીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. એક વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો જેમણે 11 લોકોને બચાવી લીધા હતા. રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને કુદરતી ઘટના ગણાવી હતી.

હજુ કેટલીક વખત આગ લાગશે ?

ગુજરાતની હોસ્પિટલોમાં જ્યારે આગ લાગવી એ સામાન્ય ઘટના બની ગઈ છે. થોડા સમય પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 લોકોના જીવ રાખ થઈ ગયા હતા. 25 ઓગસ્ટના રોજ જામનગરની જી.જી હોસ્પિટલમાં આગ લાગી હતી અને નાસભાગ મચી જવા પામી હતી. સપ્ટેમ્બર મહિનામાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગી હતી. કોરોના સમયે જ દર્દીઓની હોસ્પિટલમાં સંખ્યા જ્યારે વધારે હોય જ ત્યારે એક બાદ એક એમ આગ લાગવાની ઘટનાઓ કૂદકે ને ભૂસકે વધી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments