ગુજરાતની ડાયમંડનગરી સુરતમાં એક દિલદાર ડાયમંડ કિંગ છે. જેઓનું નામ છે સવજી ધોળકીયા. દર વર્ષે દિવાળીએ પોતાના કર્મચારીઓને દાગીના, કાર અને ફ્લેટ જેવી સ્વપ્ન સમાન વસ્તુ બોનસમાં આપીને સવજીભાઈ પોતાના કર્મચારીઓનું ઋણ ચુકવવાનો પ્રયાસ કરે છે.
કોઈપણ કંપની હોય તેનાં સાચા કર્તા હર્તા નોકરી કરતાં કર્મચારીઓ જ હોય છે. હાલના સમયમાં જ્યાં જુઓ ત્યાં કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. ત્યારે જગતમાં કેટલાક એવા બોસ પણ છે જે દિલદાર છે. કર્મચારીઓ માટે પોતાની તિજોરી ખુલ્લી મૂકી દે છે. આવા એક બોસનું નામ છે મેથ્યુ મોલ્ડિંગ..

મેથ્યુ મોલ્ડિંગની કંપનીનું નામ છે ધ હટ ગ્રુપ. મેથ્યુ મોલ્ડિંગે વર્ષ 2004માં જોન ગેલમોર સાથે મળીને આ ઇ-કોમર્સ કંપનીની શરૂઆત કરી હતી. કંપનીનું હેડ ક્વાર્ટર ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં આવેલું છે. 48 વર્ષના મેથ્યુ છેલ્લા 16 વર્ષથી ધ હટ ગ્રુપ કંપની પાછળ તનતોડ મહેનત કરી રહ્યા છે. કંપનીને ઉપર લાવવાના ભરપૂર પ્રયાસ કરી હતા. એક દિવસ મેથ્યુ મોલ્ડિંગે ભેજુ લગાવીને પોતાની કંપનીના પ્રોફિટ શેરને કંપનીના જ કર્મચારીઓમાં વેચી દીધા. શેરના ભાવ બજારમાં ચિત્તાની ઝડપે વધવા લાગ્યા. જેના કારણે કંપનીના મોટાભાગના કર્મચારીઓ કરોડપતિ બની ગયા છે.
મેથ્યુ મોલ્ડિંગે પોતાની કંપની ધ હટ ગ્રુપના નફામાંથી 830 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ આપણા 8183 કરોડ રૂપિયાના શેર કંપનીના કર્મચારીઓમાં વેચી દીધા. મેથ્યુએ આ માટે એક બાય બેક સ્કિમ ચલાવી જેનો તમામ કર્મચારીઓ લાભ લઈ શકે તેવું આયોજન કર્યું.

આ સ્કિમ કારગર નિવડી અને કર્મચારીઓએ સપનામાં પણ ન વિચાર્યું હોય તેટલું વળતર મળ્યું. સ્કિમમાં જોડાનાર કર્મચારીઓ કરોડપતિ બની ગયા. જેમાં ડ્રાઈવરથી લઈને પર્સનલ સેક્રેટરી સુધીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આખી જિંદગી નોકરી કરતાં કરતાં જેટલા રૂપિયા ન મળત તેટલા રૂપિયા ગણતરીના દિવસોમાં મળી ગયા. કર્મચારીઓ ખુશખુશાલ થઈ ગયા ને હવે ઘેર બેઠાં બેઠાં જલસા કરવાનું વિચારી રહ્યા છે.
મેથ્યુ મોલ્ડિંગની પર્સનલ આસિસ્ટન્ટે તો કહી પણ દીધું કે, એટલા બધાં રૂપિયા મળ્યા છે કે હવે તે 36 વર્ષની ઉંમરમાં નિવૃત્તિ લઈ લે તો પણ કોઈ ચિંતા નથી, લાઈફ સેટ છે. ગુજરાતીમાં કહીએ તો સાત પેઢી બેઠી બેઠી ખાય તોય ખુટે એમ નથી.
બ્રિટિશ અખબાર મિરર સાથે વાત કરતાં મેથ્યુ મોલ્ડિંગે કહ્યું કે, ‘મેં મારા કર્મચારીઓને મારો અને કંપનીનો પ્રોફિટ વહેંચવાનું નક્કી કર્યું હતું. તેથી મેં આ સ્કિમ બહાર પાડી અને કર્મચારીઓને અઢળક રૂપિયા મળ્યા છે. અનેક લોકો આ સમયે વ્યાપારના વિરોધમાં એલફેલ બોલી રહ્યા હતા પરંતુ મને વિશ્વાસ હતો કે મારી કંપનીના શેર ઉપર આવશે જ. અને અંતે અમારા સૌની મહેનતના કારણે એ થઈને જ રહ્યું.’

મેથ્યુ મોલ્ડિંગની કંપની ધ હટ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી સારું કમાઈ રહી છે. ધ હટ ગ્રુપ કંપનીનો આઈપીઓ હજુ બે મહિના પહેલા જ બહાર પડ્યો હતો. તે વખતે ધ હટ ગ્રુપની માર્કેટ કેપિટલ 80,521 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું. એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, મેથ્યુએ પોતાની કંપનીના શેર હોલ્ડર્સને પણ 8122 કરોડનું અધધ બોનસ આપ્યું છે.
ધ હટ ગ્રુપ કંપનીના શેર આસમાનને અડી ગયા ત્યારે કંપનીને 63,505 કરોડનો ફાયદો થયો અને એ પણ માત્ર 15 દિવસની અંદર. જેથી કંપનીએ પોતાના શેર હોલ્ડરને 8122 કરોડનું બોનસ આપ્યું. ધ હટ ગ્રુપ કંપની 164 દેશમાં કામ કરી રહી છે. મેથ્યુ મોલ્ડિંગે બહાર પાડેલી શેર સ્કિમથી કંપનીના લગભગ 200 જેટલા કર્મચારીઓ માલામાલ થઈ ગયા છે. નોકરી કરતાં કર્મચારીઓ હવે કરોડપતિ બની ગયા છે.

કર્મચારીઓને કરોડપતિ બનાવનાર બોસ મેથ્યુ પણ શાનદાર જીવન જીવી રહ્યો છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ફોર્બ્સે પ્રથમ વખત અરબપતિની યાદીમાં મેથ્યુ મોલ્ડિંગને સામેલ કર્યા હતા. પોતાની ફિટનેસને કારણે પણ મેથ્યુ જાણીતા છે. અનેક બિઝનેસ એવોર્ડથી સન્માનિત થઈ ચૂક્યા છે. દુનિયાના તાકતવર નેતાઓ સાથે પણ તેમને ઉઠવા બેસવાના સંબંધ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત