કોમરેડ જસ્મીન સુવાગિયા : ધીમે ધીમે બધું જ બદલાઇ રહ્યું છે. એક નવી જીવનશૈલી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહી છે. તેની સાથે ઉપભોક્તાવાદી સંસ્કૃતિ આકાર લઈ રહી છે. ચારેતરફ ઉત્પાદનો વધારવા પર એડીચોટીનું જોર લગાવી પ્રતિદિન નવા-નવા ઉત્પાદનો બજારમાં ઠલવાઈ રહ્યા છે. આ ઉત્પાદનો તમારી ભુખ માટે છે. તમારા સુખ માટે છે.
તમામ ઉત્પાદોનો માત્ર તમારી સુખાકારી માટે છે, પણ આ સાથે આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે ઉપભોગમાં કેટલા ગરકાવ થઈ ગયા છીએ. ભોગ વિલાસની સામાગ્રીઓથી બજાર ભરેલું છે.
વાત ગુડ મોર્નિગથી કરીએ તો સવારે ઉઠતાની સાથે જ હાજર છે ભાત-ભાતના ટૂથપેસ્ટ, નમકવાળું ટૂથ પેસ્ટ જે તમારા પીળા પડેલા દાંતને સફેદ કરશે, ખાસ દૂધ જેવા ધોળા દાંત કરવા વ્હાઈટ ટૂથપેસ્ટ, દાંત મજબૂત કરવાનું ટૂથપેસ્ટ તો વિવિધ પ્રકારના ચૂર્ણોનો ભૂક્કો કરી હિમાલયમાંથી લાવ્યા છીએ એવું ટૂથપેસ્ટ.
એકદમ આયુર્વેદિક છે. તો બાળકો માટે પણ ખાસ સુરક્ષિત ટૂથપેસ્ટ. તો વળી દાંતને હીરાની જેમ ચમક આપવા માટે અલગ ટૂથપેસ્ટ, કોઈ ટૂથપેસ્ટમાં હળદરના ગુણ છે. તો કોઈમાં લીંબડાની ખૂશ્બુ… યાદી ખૂબ લાંબી થશે. હવે આટલી બધી મહેનતથી દાંત સાફ કર્યા તો ભોજન પણ થોડું નબળુ ચાલે!! તેના માટે પણ બજારમાં પોષણક્ષમ ભોજનની કોઈ ઉણપ નથી. સૌદર્ય પ્રસાધનો પણ પૂરબહારમાં મળી રહ્યા છે જે તમારા ચહેરાને ચમકાવશે. કોઈ સાબૂમાં ગુલાબની સુગંધ છે. તો કોઈ સાબુ અભિનેત્રીની પસંદગીનો છે.
શિક્ષણ માટે પણ નબળી શાળા ન ચાલે અહીં ભણવાથી તમારા સંતાનો આઈનસ્ટાઈન બની જશે. તમામ કળામાં પારંગત, હવે કોઈ બીમારી થાય તો સારવાર પણ પંચતારક દવાખાનામાં. પશ્વિમના દેશોમાં તો તમારી કબર પણ તમે ખરીદી શકો છો અને તેની આજુબાજુમાં ગુલાબને કે શેના ફૂલ રહેશે તે તમે જીવતા જ નક્કી કરો શકો છો. મરણશૈયાનું પણ બજાર ધમધોકાર ચાલે છે.
અમુક સ્થળે મરવાથી તમને જલદી મોક્ષ મળી જશે. ગેરંટી સાથે તેની સુવિધા આપતી કંપનીઓ પણ આવી રહી છે. પ્રતિક્ષણે એક નવું વિજ્ઞાપન તમને પ્રલોભન આપવા માટે તૈયાર હોય છે. તો સામે તરફ એક વર્ગ આ ઉપભોક્તાવાદી સંસ્કૃતિથી પોતાની જાતને વંચિત માનીને આક્રોશમાં પરિવર્તિત થતો જાય છે.
આપણી આટલી ઝડપથી બદલાતી જીવન શૈલી માનવ સમાજ માટે લાલ બત્તી જ છે. ઉપભોગો એક નિયંત્રણ રેખામાં હોય તે ખૂબ જરૂરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત