Homeગુર્જર નગરીરાજકોટઃ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને 7 દિવસ બાદ ડિસ્ચાર્જ કરી દેવાની નવી પોલિસી સામે...

રાજકોટઃ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને 7 દિવસ બાદ ડિસ્ચાર્જ કરી દેવાની નવી પોલિસી સામે ઉઠ્યા અનેક સવાલો

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોનાની સાથે સાથે મ્યુકોરમાઈકોસિસે પણ ચિંતામાં વધારો કર્યો છે. કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસની બીમારી જોવા મળી રહી છે. દેશના સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના કેસ હાલ ગુજરાતમાં છે. એમાંય રાજકોટમાં દેશના સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ નોંધાયા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસને લઈને નવી ડિસ્ચાર્જ પોલિસી બનાવવામાં આવી છે. હોસ્પિટલ તંત્રએ દર્દીઓને માનસિક રાહત આપવા માટે આ ડિસ્ચાર્જ પોલિસી અમલમાં મૂકી હોવાનું કહેવાય રહ્યું છે. પરંતુ આ ડિસ્ચાર્જ પોલિસના કારણે દર્દીઓને આર્થિક ઉપાધિ વધશે તેવું લાગી રહ્યું છે.

મ્યુકોરમાઈકોસિસને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવી ડિસ્ચાર્જ પોલિસી લાગુ કરવામાં આવી છે અને હવેથી સર્જરીના 7 દિવસ બાદ દર્દીને ઘરે જવા માટે રજા આપી દેવામાં આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલે આ નવી ડિસ્ચાર્જ પોલિસી અમલમાં મૂકતા તર્ક રજૂ કર્યો છે કે 2 થી 3 મહિના સતત હોસ્પિટલમાં રહેવાથી દર્દીઓની માનસિક સ્થિતિ બગડે છે. તેથી સર્જરી કર્યાના 7 દિવસ બાદ દર્દીઓને રજા આપી દેવાનું નક્કી કરાયું છે. સાથે જ રજા આપ્યા બાદ દર્દીઓએ દરરોજ લેવાની પોસાકોનાઝોલ દવા 7 દિવસ સુધી મફતમાં આપવાનું નક્કી કરાયું છે.

અત્યાર સુધીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી 40 મ્યુકોરમાઈકોસિસના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. હોસ્પિટલ દ્વારા 7 દિવસ ચાલે તેટલી પોસાકોનાઝોલ દવા પણ આપવામાં આવે છે. પોસાકોનાઝોલની એક ટેબ્લેટની કિંમત 600 રૂપિયા છે. દિવસમાં ત્રણ ટેબ્લેટ લેવાની હોય છે. પરંતુ અહીં સવાલ એ છે કે 7 દિવસ પછી જો દવાની જરૂર પડી તો દર્દીઓએ શું કરવાનું ?

7 દિવસ પછી દર્દીઓએ જાત ખર્ચે દવા ખરીદવી પડશે ?

રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા નવી ડિસ્ચાર્જ પોલિસી અમલમાં મૂકાતા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ પર આર્થિક ભારણ વધવાની પૂરેપૂરી શક્યતા છે. કેમ કે હોસ્પિટલ દ્વારા માત્ર 7 દિવસ ચાલે તેટલી જ દવા મફતમાં આપવામાં આવે છે પરંતુ 7 દિવસ પછીનું શું ? કેમ કે દર્દીઓ માટેના જરૂરી ઇન્જેક્શનો બજારમાં મળતા નથી. ટેબ્લેટ અને સીરપની પણ અછત છે. દર્દીઓને આ રીતે રજા આપી દેવામાં આવશે તો દર્દીઓ દવા ક્યાંથી લાવશે ?

દર્દીઓના પરિવારજનો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓને દવા મળી રહે છે. પરંતુ દર્દીઓના ભરાવાના કારણે સિવિલના મેડિકલ સ્ટોરમાંથી એવો જવાબ મળે છે કે, આ ઇન્જેક્શન તો દાખલ દર્દીઓ માટે છે. તેથી હવે જે દર્દીઓ રજા લઈને ઘરે જશે તેઓને ઇન્જેક્શન અને દવા મેળવવા શું કરવાનું ?

લાયપોઝોમલ એમ્ફોટેરિસિન બી ઇન્જેક્શન પણ કાળા બજારીમાં વેચાઈ રહ્યા છે. એક ઇન્જેક્શનના કાળા બજારીયાઓ 22 હજાર રૂપિયા સુધીના ભાવ લે છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આ ઇન્જેક્શન ફ્રીમાં આપવામાં આવે છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે જે દર્દીઓને રજા આપી દેવામાં આવશે તેઓને આવા ઇન્જેક્શન મેળવવા શું કરવાનું ? શું તેઓને પણ ઇન્જેક્શન મેળવવા માટે કાળા બજારીઓ પાસેથી ઊંચા ભાવે ઇન્જેક્શન ખરીદવા પડશે.

આમ રાજકોટ સિવિલ હોસ્પિટલની નવી ડિસ્ચાર્જ પોલિસીને લઈને દર્દીઓ અને પરિવારજનોમાં અનેક પ્રકારની અસમંજસતા ઉભી થઈ છે. તેઓને આર્થિક ભારણ વધવાનો પણ ડર સતાવી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ડિસ્ચાર્જ બાદ દવા અને ઇન્જેક્શન કઈ રીતે મળશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે તેવી દર્દીઓ અને પરિવારજનોની માગ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments