Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરના પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાંચના તત્કાલિન પોલીસ કર્મચારીઓ સામે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા તોડબાજીના ગંભીર આરોપો લગાવ્યા બાદ પોલીસ કમિશનરની બદલી કરી દેવામાં આવી છે. ધારાસભ્ય ગોવિંદ પટેલ અને ઉદ્યોગપતિ દ્વારા લગાવાયેલા આરોપો બાદ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવા માટે ખાસ તપાસ કમિટીની રચના કરાઈ હતી. તપાસ કમિટીના રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી છે.
મનોજ અગ્રવાલની બદલી કરીને જૂનાગઢ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ટ્રેનિંગ સેન્ટર ખાતે મૂકવામાં આવ્યા છે. સાથે જ મનોજ અગ્રવાલ જિલ્લા પોલીસ વડાની સૂચના વિના જૂનાગઢ છોડી શકશે નહીં તેવો પણ આદેશ કરાયો છે. સાથે જ મનોજ અગ્રવાલની અપ્રાણસર મિલકત સામે પણ તપાસ કરવામાં આવશે.
ક્રાઈમ બ્રાંચના તત્કાલિન કર્મીઓ સસ્પેન્ડ
તોડકાંડ મામલે રિપોર્ટ સોંપ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે રાજકોટ ક્રાઈમ બ્રાંચના તત્કાલિન પીઆઈ વી.કે.ગઢવી, પીએસઆઈ એસ.બી.સાંખરા અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને સસ્પેન્ડ કરી દેવાયા છે. તમામ સામે ખાતાકીય તપાસના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.

ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ અને સ્થાનિક બિલ્ડર એવા સખીયા બંધુ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર રૂપિયા 75 લાખનો તોડ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ગોવિંદ પટેલે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસ કમિટી રચીને તપાસ હાધ ધરાઈ હતી. આ સમય દરમિયાન ગાંધીનગર સીઆઈડીની ટીમે પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં તપાસ હાથ ધરી હતી.
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તોડકાંડ મામલે ઘેરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. IPS વિકાસ સહાયની અધ્યક્ષતામાં બનેલી આ કમિટીએ તપાસના અંગે 200 પાનાનો રિપોર્ટ ગૃહ વિભાગને ગઈકાલે સોમવારે સાંજે સોંપ્યો હતો. તપાસ કમિટીના રિપોર્ટ મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી છે. તોડકાંડ મામલે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની 10 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્થિત પોલીસ કરાઈ એકેડમી ખાતે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં મનોજ અગ્રવાલ પર 75 લાખ રૂપિયાની કટકી માટે વિકાસ સહાય દ્વારા પૂછપરછ કરાઈ હતી.
રાજકોટ સીપીનો વધારાનો હવાલો ખુરશીદ અહેમદને
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી છે. ત્યારે ખાલી પડેલી જગ્યા માટે વધારાનો હવાલો અન્ય હુકમ ન થાય સુધી ખુરશીદ અહેમદને સોંપવામાં આવ્યો છે. તેઓ સ્પેશિયલ કમિશનર (વહીવટ, ટ્રાફિક અને ક્રાઈમ) ને તેમની હાલની ફરજ ઉપરાંત અન્ય હુકમ ન થાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી સોંપવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
