Team Chabuk-Gujarat Desk: મહેસાણાના સુલીપુર ગામના આર્મી જવાનનું સિક્કિમમાં ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં નિધન થઈ જતાં આજે તેમના પાર્થિવદેહને વતન સુલીપુર ગામે લાવવામાં આવ્યો હતો. પાર્થિવદેહ સાથે વડનગરથી સુલીપુર સુધી અંતિમયાત્રા યોજાઈ હતી. અંતિમ યાત્રામાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સાથે જ આ અંતિમયાત્રામાં જોડાયેલા લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવતા દેશભક્તિનો માહોલ પણ સર્જાયો હતો. આર્મીમેનનાં પત્નીએ અંતિમ સલામી આપી હતી. આ સમયે ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.
મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલીપુર ગામના 26 વર્ષીય રાયસંગજી ઠાકોર નામનો યુવાન ભારતીય આર્મીમાં સિક્કિમમાં ફરજ બજાવતા હતા. 6 દિવસ પહેલાં સિક્કિમની તીસ્તા નદીમાં અકસ્માત થતાં આર્મીની ટ્રક ખાબકતાં રાયસંગજી લાપત્તા બન્યા હતા. ત્યાર બાદ આર્મી દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ચાર દિવસ બાદ રાયસંગજીનો મૃતદેહ મળ્યો હતો. આર્મીમેન રાયસંગજી ઠાકોરના પાર્થિવદેહને આજે વડનગર લાવવામાં આવતાં વડનગરથી સુલીપુર ગામ સુધી અંતિમયાત્રા નીકળી હતી. વડનગરના તમામ વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી જવાનની અંતિમયાત્રામાં જોડાયા હતા. સુલીપુર અને આસપાસના અન્ય ગામના લોકો પણ રાયસંગજીના અંતિમદર્શન કરવા માટે રસ્તાની બંને બાજુ હાજર રહ્યા હતા.
રાયસંગજી ઠાકોરના પાર્થિવદેહને આજે સુલીપુર ગામમાં લાવવામાં આવતાં પરિવારમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આર્મીમેન રાયસંગજી ઠાકોરનાં પત્ની અસ્મિતાબહેને પતિને અંતિમ સલામી આપી હતી. આ સમયે ઉપસ્થિત સૌકોઈની આંખો ભીની થઈ ગઈ હતી. રાયસંગજી ઠાકોરના અન્ય પરિવારજનો દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રાયસંગજી ઠાકોર છેલ્લે 24 ડિસેમ્બરે પોતાના વતન આવ્યા હતા. આ દરમિયાન તેઓ 15 દિવસ રોકાયા હતા અને 9 જાન્યુઆરીએ પરત ફરજ પર ગયા હતા. પરિવારમાં લગ્ન હોવાથી તેઓ 10 એપ્રિલે પાછા આવવાના હતા પરંતુ તે પહેલા જ તેઓનું અકસ્માતમાં નિધન થઈ ગયું હતું. સુલીપુર ગામના સવાજી ઠાકોરના દીકરા અને આર્મી જવાન એવા રાયસંગજીએ કોલેજ સુધીનો અભ્યાસ પૂરો કર્યા બાદ સેનામાં ફોર્મ ભર્યું હતું. રાયસંગજીએ આ પરીક્ષા પહેલા જ પ્રયત્ને પાસ કરી લેતાં તેમની 2017માં આર્મીમાં પસંદગી થઈ ગઈ હતી. ત્યાર બાદ તેમનું પ્રથમ પોસ્ટિંગ જમ્મુ ખાતે થયું હતું. જમ્મુમાં ફરજ બજાવ્યા બાદ તેમનું સિક્કિમમાં પોસ્ટિંગ થયું હતું, જ્યાં યુનિટ-517, બટાલિયન ASCમાં તેઓ ફરજ બજાવતા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
