Team Chabuk-National-Desk : કોરોના વાયરસ સામેની લડાઈમાં હવે નિર્ણાયક તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. જેના માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આવતીકાલથી દેશમાં રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. આ પહેલાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ રાજ્યો માટે બંને રસી કોવિશીલ્ડ અને કોવેક્સિન માટે નિર્દેશ જાહેર કર્યા છે. જેનું તમામ રાજ્યોએ ફરજિયાત પાલન કરવાનું રહેશે.
શું કરવું અને શું ન કરવુંવાળા દસ્તાવેજને તમામ પ્રોગ્રામ મેનેજર, કોલ્ડ ચેન હેન્ડલર અને વેક્સિનેટર વચ્ચે પ્રસારિત કરાયો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, DOs અને Don’ts વાળા દસ્તાવેજને અનુસાર રસીકરણની મંજૂરી માત્ર 18 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે. આ ઉપરાંત નિર્દેશમાં સ્પષ્ટ કહ્યું છે કે, ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને રસી ન આપવામાં આવે.
કેન્દ્ર સરકારના નિર્દેશ
- વેક્સિન માત્ર 18 વર્ષથી વધુના લોકો માટે છે
- બંને ડોઝ એક જ કંપનીની વેક્સિનના હોવા જોઇએ
- વેક્સિન ઇન્ટરચેન્જ માટે મંજૂરી નથી
- પ્રથમ ડોઝ બાદ એલર્જી થાય તો બીજો ડોઝ ન આપવો
- ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાને વેક્સિન નહી આપી શકાય
- કોવિડના એક્ટીવ દર્દીને વેક્સિન નહીં આપી શકાય.
- પ્લાઝમા ડોનેટ કરનારા વ્યક્તિને કોવિડ વેક્સિન આપવી નહીં.
- કોઇ પણ બીમારીવાળા હોસ્પિટલમાં ભરતી થયેલા દર્દીને વેક્સિન ન આપવી.
- બ્લીડિંગ થતું હોય તેવા વ્યક્તિઓને સાવધાનીથી વેક્સિન આપવી.
- વેક્સિન જામી જાય તો તેનો ઉપયોગ કરવો નહીં.
સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ
સ્વાસ્થ્ય મંત્રાલયે ગર્ભવતી તેમજ સ્તનપાન કરાવતી મહિલાઓને સલાહ આપી છે કે, હાલ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ કોરોનાનું રસીકરણ ન કરાવે. રસીકરણ ન કરાવવાનું કારણ આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, હજુ સુધી ગર્ભવતી મહિલાઓ પર કોરોનાની રસીનું પરિક્ષણ નથી થયું જેથી તેના પરિણામોની પણ કોઈ ચોક્કસ માહિતી નથી.
પ્રધાનમંત્રી કરાવશે પ્રારંભ
આવતીકાલે દેશભરમાં કોરોના વિરુદ્વ રસીકરણનો પ્રારંભ થશે. પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી રસીકરણ અભિયાનનો ડિજીટલ માધ્યમથી પ્રારંભ કરાવશે. ગુજરાત રસીકરણના પ્રથમ તબક્કા માટે સજ્જ છે. રાજ્યમાં કોવિશિલ્ડ વેક્સિનના 5.51 લાખ ડોઝ મળી ગયા છે. દરેક જિલ્લામાં કોરોના રસી પહોચાડી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં રાજ્યમાં 4 લાખ કરતા વધુ આરોગ્યકર્મીઓને રસી આપવામાં આવશે. રાજ્યના 161 સેન્ટર પરથી રસીકરણનો પ્રારંભ થશે. 17 હજારથી વધુ કર્મચારીઓને રસી આપવાની તાલીમ અપાઇ છે. રસીકરણના પ્રારંભ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાજર રહેશે.આવતીકાલે સિવિલ હોસ્પિટલમાં હેલ્થ વર્કર્સ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંવાદ કરશે.
કોરોનાની સ્થિતિઃ દુનિયા, દેશ, ગુજરાત
વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત છે. જો કે, થોડી રાહતની વાત એ છે કે, ભારત અને ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે. ગુરૂવારે વિશ્વમાં કુલ 7 લાખ 48 હજાર 314 કેસ નોંધાયા હતા. એક દિવસમાં વિશ્વમાં 15 હજાર 296 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભારતની વાત કરીએ તો, ભારતમાં ગુરૂવારે એક દિવસમાં 15 હજાર 677 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા કેટલાક દિવસથી આ આંકડો 20 હજાર આસપાસ રહેતો હતો. હાલ દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 2 લાખ 10 હજાર 106 છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ નબળું પડી રહ્યું છે. રાજ્યમાં ગુરૂવારે એક દિવસમાં 570 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 737 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં કુલ 7 હજાર 56 એક્ટીવ કેસ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત