Team Chabuk-Gujarat Desk: કામરેજની 21 વર્ષીય વિદ્યાર્થિની ગ્રીષ્મા વેકરિયાની સાથે કાપોદ્રાની રચના સોસાયટીમાં રહેતા હત્યારા ફેનિલને એક તરફી પ્રેમ થઈ ગયો હતો. હત્યારો વિદ્યાર્થિનીનો વારંવાર પીછો કરી રહ્યો હતો. વિદ્યાર્થિનીએ પણ તેને આમ કરવાની ના પાડી હતી. ગ્રીષ્માના મોટા પપ્પાએ પણ તેને ઠપકો આપી સમજાવ્યો હતો પણ ફેનિલ નહોતો માન્યો. શનિવારની સાંજે હત્યારાએ ગ્રીષ્માનાં ઘર પાસે પહોંચી જઈ તેણીને બંધક બનાવી હતી અને જાહેરમાં, પરિવારજનોની સામે જ તેનું ગળું ચાકુથી રહેંસી નાખ્યું હતું. હત્યારા સામે ગ્રીષ્માનો ભાઈ પડ્યો હતો પણ ફેનિલ તેની ઉપર પણ ચાકુ લઈ હુમલો કરવાની ચેષ્ટા કરી રહ્યો હતો. હત્યા બાદ તેણે ઝેર પીધું હતું. આ હત્યારા અંગે નોંધાયેલી FIRનો એક એક શબ્દ વાંચો.
FIR
‘મારું નામ ધ્રુવ નંદલાલ વેકરિયા છે. આજ રોજ મારી બહેન ગ્રીષ્મા મારી મમ્મીને વાત કરતી હતી કે, ‘ફેનિલ એક વર્ષથી મને હેરાન કરે છે. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ અગાઉ સમજાવેલ હતો છતાં હેરાન કરે છે. આજે પણ તે ગેટ પાસે આવીને ઊભો છે.’
આ વાત મેં મારા મોટા પપ્પા સુભાષભાઈને કરી હતી. સાંજે 6.00 વાગે હું અને મોટા પપ્પા સમજાવવા માટે ગયેલા અને ફેનિલને કહેલ કે, ‘તું શા માટે ગ્રીષ્માને હેરાન કરે છે?’ તેમ કહેતાં ફેનિલ ઉશ્કેરાઈ તકરાર કરવા લાગ્યો હતો. તેણે મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધેલ જેથી હું છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલ જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું. તે પછી તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું.
એટલામાં ગ્રીષ્મા અને મમ્મી દોડી આવતાં ફેનિલે મારી બહેનને ગળામાંથી પકડી લઈને ગળા પર ચપ્પુ મુકી દીધું હતું, જેથી મારી બહેન અને અમોએ ઘણી બૂમો પાડી હતી, પણ તેણે મારી બહેનને છોડેલ નહીં તેમજ બધા ગભરાઈ ગયેલ હોવાથી કોઈ વચ્ચે પડેલ નહીં. તેણે મારી બહેનનું ચપ્પુ વડે ગળું કાપી નાખેલ અને પોતાના ખિસ્સામાંથી કોઈ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલ. બાદમાં પોલીસ આવતાં ફેનિલ પોતાના હાથે ચપ્પુ મારવા લાગ્યો હતો.
શું કહ્યું ફેનિલના પિતાએ?
ફેનિલના પિતા પંકજભાઈ ગોયાણીએ પોતાના દીકરાને ખોટો સિક્કો ગણાવી જણાવ્યું હતું કે, તે અમારા કહ્યામાં નથી. ગ્રીષ્માના પરિવારે ફરિયાદ કરી હતી ત્યારે મેં તેને ઠપકો આપ્યો હતો. તેણે મને વિશ્વાસ આપ્યો હતો કે તે હવે ગ્રીષ્માને હેરાન નહીં કરે પણ છતાં સુધર્યો નહોતો. કાયદો તેને ફાંસીની સજા આપે તો પણ મંજૂર છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાત
ગઈકાલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને ન્યાય મળશે તે દિવસે ફરી આવશે તેવું કહ્યું હતું. તેઓ પરિવારના શોકમાં ભાગીદાર થયા હતા. હાલ આ સમગ્ર ઘટનાની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. 24 કલાકમાં FSL રિપોર્ટ પણ સામે આવી જશે. સરકાર સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરશે. તેમજ ગ્રીષ્માના પરિવારનો કેસ લડવા સરકારી ખર્ચે વકીલ કેસ લડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
